ઝાલાવાડના વાંકાનેર સ્ટેટના રાજવી પરિવારના કેસરીદેવસિંહજી ઝાલાનું સન્માન કરાશે
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રની પ્રખ્યાત દેહાણ પરંપરાની પરમ શ્રી વિસામણબાપુની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે આગામી તા.10 /03 /2024 ને રવિવારના રોજ અમાસ છે, ત્યારે પાળીયાદ જગ્યાના લાખો શ્રધ્ધાળુ ભક્તો આ દિવસની રાહ જોઈ રહ્યા હોય છે.
- Advertisement -
ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળનાથના દર્શન અને માથું ટેકવવા અને જગ્યાના ગાદીપતિ મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુના દર્શન તેમજ ધજાજીને નમન કરવા સૌરાષ્ટ્રભરમાંથી વિહળ પરિવાર સેવક સમુદાય ઉમટી પડે છે અને પ્રભુ પાસે પોતાની માનતા અને પ્રાર્થના કરે છે. પાળીયાદ જગ્યામાં વર્ષોથી અમાસના દર્શનનું ખુબ જ મહત્વ છે અને સેવક સમુદાયનો લોક-મેળો ભરાય છે. સર્વે ભક્તો ભજન-ભોજનના હરિહર કરી અને જય સિયારામ જય વિહળાનાથના નાદ સાથે આનંદ પ્રમોદથી આખો દિવસ અહીં વિતાવે છે.
આગામી અમાસના પવિત્ર દિવસે તા.10 /03 /2024 ને રવિવારના રોજ પાળીયાદ જગ્યા ખાતે સવારે 10:00 કલાકે ઝાલાવાડના વાંકાનેર સ્ટેટના રાજવી પરિવારના કેસરીદેવસિંહજી ઝાલાને તાજેતરમાં ભારત સરકાર દ્વારા રાજ્યસભાના સાંસદ તરીકે નિમણુક કરવામાં આવ્યા એના અનુસંધાને પાળિયાદ જગ્યાના મહંત શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુના આશિર્વચન તેમજ જગ્યાના સંચાલક એવા ભયલુબાપુના હસ્તે સત્કાર સન્માન કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું છે. જેમાં સમસ્ત ગુજરાત પ્રદેશના તમામ ક્ષત્રિય સમાજના સામાજિક અને રાજકીય વડીલ આગેવાનો તેમજ યુવા આગેવાનો સહિત પાળીયાદ ગામના મોભીઓ તેમજ વિહળ પરિવાર સેવક સમુદાયના વડીલો-યુવાનો સહિત તમામ લોકો દ્રારા ફૂલહાર તેમજ પુષ્પગુચ્છ ભેટ સોગાદ અને સાલ ઓઢાડી તેઓના શાબ્દીક સત્કાર સન્માનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે, આ ધાર્મિક ઉત્સવમાં હાજર રહેવા આપ સૌને ભાવ ભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ.