દેશના ટોચના 1000 વૈજ્ઞાનિકોની ઉપસ્થિતિમાં 16 પરિસંવાદો, વિજ્ઞાન પુસ્તક મેળો, વિજ્ઞાન પ્રદર્શની-પ્રયોગો યોજાશે
ખાસ-ખબર સંવાદદાતા
વિજ્ઞાન ભારતી (વિભા) અને ગુજરાત સરકારનાં સંયુક્ત ઉપક્રમે ભારતીય વિજ્ઞાન સંમેલન (બી.વી.એસ.-ર023) પ્રથમ વખત જ ગુજરાત રાજ્યમાં યોજાઈ રહ્યું છે. આ વિશિષ્ટ પ્રકારનાં સંમેલનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર વિસ્તારનાં 1000 થી પણ વધુ વિજ્ઞાન અને ટેક્નોલોજીનાં સંશોધકો ઉપરોકત સંમેલનમાં ભાગ લેવાના છે. વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં અભ્યાસ કરતાં છાત્રોની સાથે કોઈ પ્રકારનાં વિશિષ્ટ સંશોધનો કરનાર કોઈપણ વ્યક્તિ કદાચ તેઓ અભ્યાસ પણ ન કરતાં હોય તેમ છતાં તેમનાં સંશોધનને પોતાની ’માતૃભાષા’માં રજુ કરી શકે તે પ્રકારનો વિશિષ્ટ આયોજન એટલે બી.વી.એસ.-2023. દુનિયાભરનાં દેશોમાં એકમાત્ર ભારત દેશમાં 6 વિમુખ્ય ભારતીનાં માધ્યમથી દર બે વર્ષે આ પ્રકારનું સંમેલનનું આયોજન કરવામાં આવે છે અને તેમાં વિજ્ઞાન પ્રદર્શીની, વિજ્ઞાન પુસ્તક મેળો, વૈજ્ઞાનિકો સાથે આદાન-પ્રદાન, વિજ્ઞાનનાં જાદુઈ પ્રયોગો તથા જુદી-જુદી 16 પ્રકારની થિમોમાં વૈજ્ઞાનિકો મારફત વ્યાખ્યાનો, સંશોધનપત્રોની રજુઆત તેમ 16 પરિસંવાદો યોજાવાનાં છે જેમાં 1800 થી વધુ સંશોધન પત્રો થીમ કો-ઓર્ડીનેટ્સ મારફત સિલેકટ કરવામાં આવેલ છે. સમગ્ર કાર્યક્રમ વિજ્ઞાન ભારતીનાં ગુજરાત એકમનાં અધ્યક્ષ શ્રી ડો. ચૈતન્યભાઈ જોષી, સચિવશ્રી જીજ્ઞેશભાઈ બોરીસાગર અને વિજ્ઞાન ભારતી પશ્ચિમ ક્ષેત્રનાં પ્રચારક શ્રી પ્રસાદજીનાં માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો. નિલાંબરીબેન દવેનાં સફળ માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર વિસ્તારનાં મહત્તમ છાત્રો ભારતીય વિજ્ઞાન સંમેલનનો નિ:શુલ્ક લાભ લે તે માટે વિજ્ઞાન ભારતી સૌરાષ્ટ્ર એકમનાં અધ્યક્ષ પ્રો. નિકેશભાઈ શાહ, સચિવશ્રી પ્રો. પ્રદિપભાઈ જોષી, થીમ કો-ઓર્ડીનેટ્સ પ્રો. રમેશભાઈ કોઠારી, ડો. પિયુષભાઈ સોલંકી, ડો. દેવિતભાઈ ધ્રુવ, ડો. એ.ડી. જોષી અને તેની ટીમ મારફત તડામાર તૈયારીઓ કરાઈ રહી છે.
વિજ્ઞાન ભારતી (વિભા) તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત છઠ્ઠા ભારતીય વિજ્ઞાન સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. આ ચાર દિવસીય સંમેલનનું આયોજન તારીખ 21 થી 24, ડિસેમ્બર 2023 ના રોજ સાયન્સ સીટી અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે. જેનો લાભ 3 લાખ થી વધુ લોકો લેશે. ભારતીય વિજ્ઞાન સંમેલન એ વિજ્ઞાન ભારતીનું એક પ્રકલ્પ છે જેનો મુખ્ય હેતુ વિજ્ઞાન અને ટેક્નોલોજીને લોકો સુધી પહોંચાડવાનો છે તથા લોકો અને વૈજ્ઞાનિકો વચ્ચેનું અંતર ઓછું કરવાનો છે. વિજ્ઞાન ભારતી એ એક રાષ્ટ્રવાદી, દેશભક્તિ અને માનવતાવાદી વિજ્ઞાન ચળવળ છે જે ઈજનેરી અને ટેક્નોલોજી દ્વારા સામાજિક વિકાસ, સામાજિક સંવાદિતાનું લક્ષ્ય ધરાવે છે. વિજ્ઞાન ભારતી 1991 માં શરૂ કરવામાં આવી હતી અને આજની તારીખે તેનું નેટવર્ક ભારતમાં 27 પ્રાંત એકમોમાં ફેલાયેલું છે અને વિદેશમાં 7 દેશોમાં તેની હાજરી છે. ભારતીય વિજ્ઞાન સંમેલન એ વૈજ્ઞાનિકો કલાકાર સાંસ્કૃતિક સંશોધકો ટેકનોક્રેટ્સ વિદ્યાર્થીઓ તથા સામાન્ય લોકોને એક જ મંચ પર એકત્રિત કરવાનું એક વિશિષ્ટ માધ્યમ છે જેનું આયોજન દર બે વર્ષે કરવામાં આવે છે. આજ સુધી આવા કુલ પાંચ ભારતીય વિજ્ઞાન સંમેલન થયેલ છે, જેની શરૂઆત 2007માં ભોપાલથી કરવામાં આવી હતી. ત્યારબાદ 2009માં ઈન્દોર 2012માં જલંધર 2015માં પણજી અને ર017 માં પૂણેમાં ભારતીય વિજ્ઞાન સંમેલન આયોજિત કરાયું. હવે છઠ્ઠા ભારતીય વિજ્ઞાન સંમેલનનું આયોજન અમદાવાદ ખાતે થવા જઈ રહ્યું છે.