અમીર દેશોના લોકો વધારે ચિંતીત : સંયુકત રાષ્ટ્રનો રિપોર્ટ
ખાસ-ખબર સંવાદદાતા
એક બાજુ વિજ્ઞાન અને ટેકનીકે આપણા જીવનને સરળ બનાવ્યું છે, ત્યારે દુનિયાના 86 ટકા લોકોમાં અસુરક્ષાની ભાવના વધી ગઇ છે. સંયુકત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ (યુએનડીપી)નો માનવ સુરક્ષા પર જાહેર થયેલ તાજા રિપોર્ટમાં આ દાવો કરાયો છે. તેમાં કહેવાયું છે કે, દર સાતમાંથી છ લોકો અસુરક્ષિત અનુભવી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર લોકો ભલે સરેરાશ લાંબુ, આરોગ્યપ્રદ અને સમૃધ્ધ જીવન જીવી રહ્યા હોય પણ કોરોના મહામારી અને કેટલાય દેશોમાં રસી વધુ સરળતાથી ઉપલબ્ધ હોવા છતાં સતત બીજા વર્ષે વૈશ્વિક જીવન પ્રત્યાશામાં ઘટાડો થયો છે.
કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો સુનિશ્ચિત કર્યા પછી પણ સદીના અંત સુધીમાં વાતાવરણમાં ફેરફારોના કારણે 4 કરોડ મોતની આશંકા છે. અભ્યાસમાં કેટલાક એવા મોટા જોખમોની તપાસ કરાઇ જે હાલના વર્ષોમાં ચિંતાજનક રહ્યા છે. તેમાં વિજ્ઞાન, ટેકનીક, વિષમતા, હિંસક સંઘર્ષ, કોરોના મહામરીથી ઉભા થયેલા પડકારો અને તેની સામે લડવા માટેની આરોગ્ય પ્રણાલીની ક્ષમતા જેવા જોખમો સામેલ છે.
- Advertisement -
યુએનડીપીના પ્રશાસક અચિત સ્ટેનરે કહ્યું કે, વૈશ્વિક ધન પહેલા કરતા ઘણું વધારે હોવા છતાં પણ લોકો ભવિષ્ય બાબતે આશંકિત છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે, અમીર દેશોમાં લોકો છેલ્લા 10 વર્ષની સરખામણીમાં જિંદગી અંગે વધારે અસુરક્ષિતતા અનુભવી રહ્યા છે.
જે દેશોમાં લોકો ઉત્તમ આરોગ્ય, સંપત્તિ અને શિક્ષણના ઉચ્ચતમ માપદંડોનો લાભ લઇ રહ્યા છે, તેઓ પણ બેચેનીથી ઘેરાયેલા છે. રિપોર્ટમાં પ્રગતિના માપદંડોને ફરીથી નક્કી કરવા પર ભાર મુકવામાં આવ્યો છે.