પ્રિય જિંદગી…
તું મારી કવિતાની કોઈ સહજ સ્ફૂરેલી પંકિત છે. એ પંક્તિને કાંખઘોડી બનાવી હું આખા જગતને જાણું છું ત્યારે એટલું પામી લઉં છું કે સમગ્ર બ્રહ્માંડમાં ફકત તું જ ચેતનતત્ત્વ છે. મારી બધી જ કલ્પનાઓમાં તું મુર્તિ જેમ કંડારાઈ, જીવંત થઈ, વારે વારે મારામાં સમાઈ જાય છે, પછી મારું જીવન જીવન ના રહેતા યાત્રા બની રહે છે. હું એવી ઊંચાઈ પર પહોંચી ગયો છું કે જ્યાંથી મને એવરેસ્ટ પણ મારા પગની નીચે દબાયેલો લાગે છે. મૃત્યુની રાહ જોતો કોઈ માણસ પાણીના છેલ્લાં ટીપાંથી સદ્ ગતિ પામે છે – જયારે હું જીવનના બધા જ રૂપને જોઈ, જાણી લેવાની ઉત્સુકતા સાથે તારી પાસે આવું છું પછી તારા સ્પર્શથી મોક્ષ પામી મારું હોવું વિસરી જાઉં છું.
તારા માથાના સોનેરી વાળ સુવર્ણમુદ્રાથી પણ અધિક કિંમતી છે. તારી યાદોથી હું ઢંકાયેલો છું. જ્યારે પણ એકલો પડું છું ત્યારે પેંડોરાના પટારા જેમ તારી સાથેની બધી જ યાદો મને હૂંફાળા પ્રેમથી ઢબૂરી દે છે. હું એમાં ખૂંપી જઈને મારામાં તને જોઈ લઉં છું. સફેદ રૂમાલમાં આપણાં બંનેના નામ લખવાની અદમ્ય ઈચ્છા થઈ આવે છે પરંતુ આવી નાદાની કરવા મારું મન ના પાડે છે એની બીજી જ ક્ષણે સફેદ કાગળ પર શબદને શૃંગાર કરી આપણાં સંસ્મરણો આલેખવા બેસી જાઉં છું. પવિત્ર તુલસીદલ જેમ અક્ષરો અને શબ્દો સતત ઉતરતા જ રહે છે.
- Advertisement -
તું ઊંડા સરોવરની વચ્ચે ખીલેલાં કમળ જેવી છે. તને પામવા માટે હું સાવ ગળાડૂબ સરોવરમાં પડું છું અને સેલ્લારા મારતા તારી પાસે પહોચી જઈ તને સરોવરમાંથી ચૂંટી લઈને મારા મનમંદિરમાં વસતા પ્રેમદેવતાને અર્પણ કરું છું, પછી મારી ભીતરનો બધો જ કાદવ ધીમે ધીમે સાફ થઈ જાય છે… હું પવિત્ર બનતો જાઉં છું.
બપોરનો સમય આપણાં બંનેના પ્રેમને ઊંડા કૂવામાંથી શીતળ જળ ભરી આપનારા સિંચણીયું બનીને આવે છે. હું મારી ગાગર સિંચણીયું બાંધીને તારા હૃદયના કૂવામાં ઉતારું છું અને તું છલોછલ ગાગરથી મને ભીંજવ્યા કરે છે. એટલે જ હું રોજ બપોરે શીતળતાનો અનુભવ કરું છું અને છેક આવનારા બીજા દિવસ સુધી એમાં રમમાણ રહી શકું છું. આ તારા પ્રેમભર્યા કૂવા અને સિંચણીયાનો જ પ્રતાપ છે…
તને ભરપૂર પ્રેમ કરતો… તારો જીવ.
- Advertisement -
(શીર્ષકપંક્તિ :- કિરણસિંહ ચૌહાણ)