બેઉમાંથી એક તો તારે થવું જ પડશે, રોગ થઈ જા કોઈ અથવા સારવાર થઈ જા
પ્રિય જિંદગી!
- Advertisement -
તું પર્વતની ટોચ ઉપર વાતા શીતળ પવનની લહેર છે. ભીનાં ભીનાં વાદળોમાં હાથ ઝબોળતાં આખા હાથ ભીના થઈ જાય અને ઠંડીની આછી લહેર પ્રસરી જાય એવું જ તારા સાનિધ્યમાં થાય છે. તારા નશામાં ઘેનમાં હું સતત ડૂબેલો રહેવા માંગુ છું. તારું મારામાં હોવું મને દરેક ક્ષણે જીવાડતું રહે છે. હું એ વાત પણ બરાબર સારી રીતે સમજી ગયો છું કે જ્યારે તું મારી સાથે ના હોય એ ક્ષણે હું હું નથી રહેતો. મરી ગયેલો, શ્વાસ ના ચાલતાં હોય એવો જડ થઈ હું એક ખૂણામાં પડી રહું છું, જે હું છું જ નહીં. તારા નામમાં ડૂબી, જીવવાનો અનેરો ઉત્સાહ લઈ હું સવારે આંખ ખોલું છું ત્યારથી છેક રાતે સૂતા સુઘી મને તું ગમે છે. આંખ મીંચાયા પછી સપનાની દુનિયામાં તું વિશેષત: મારા આત્મા સુઘી વિસ્તરતી જાય છે ત્યાં વિસ્તારનું કોઈ જ સિમિત માપ નથી. તું મારાં શ્વસાયેલાં શ્વાસ સાથે ના શ્વસાયેલાં શ્વાસનો ગુણાકાર છે જે હંમેશા વધતો જ જાય છે. તું મને ભરપૂર જીવાડી રહી છે… ખુશ રાખી રહી છે… જિંદગી! મેં તારા દિલનાં ઝરૂખે ઝૂલો બાંધ્યો છે. પગની હળવી એક ઠેકથી જ એ ઝૂલો સતત ઝૂલ્યા કરે છે. જ્યારે જ્યારે કિચૂડાટ થાય છે ત્યારે ત્યારે હું બુદ્ધિરૂપી કડા પર થોડું થોડું તેલ રેડી દઉં છું, પછી સહેજ પણ કિચુડાટ વગર ઝૂલો અવિરત ઝૂલ્યા કરે છે. મારું દિલ સાતમાં આસમાનની સફર કરી આવે છે. દિલથી દિલનાં તાર જોડાયેલા છે એટલે આપણો આ ઝૂલો ક્યારેય અટકશે નહીં કે તૂટશે પણ નહીં. તારો હાથ અને તારો સાથ મારા જીવતરની સાચી પૂંજી છે એ વાતનો અહેસાસ મને સતત થયા કરે છે ત્યારે હું કંઈ પણ વિચાર્યા વગર તારામાં ખોવાઈ જાઉં છું…
લીન થઈ જાઉં છું… કેમકે હું જાણું છું તારો સંગાથ મને તારી જ દેશે… ડૂબકી લગાવવા કરતાં ભૂસકો મારવાનો આનંદ અપાર હોય છે એ વાત મને તારા પ્રેમ દ્વારા જ ખબર પડી છે. જિંદગી! તું ગુફા અંદર રહેલાં અંધકાર વચ્ચે વસતી મારાં પ્રકાશની ગતિનું કેન્દ્રબિંદુ છે. જ્યારે અંધકારનું સામ્રાજ્ય ફેલાવાનું શરું થાય છે ત્યારે તું અથવા તારું સ્મરણ તેજ કિરણ જેમ મારી અંદર આવી જઈ અંધારાને હરાવવાના કામે લાગી જાય છે. તારા પ્રત્યેની આવી ઊંડી અને અતૂટ શ્રદ્ધા થકી જ હું અજવાળાનું સ્વામિત્વ ક્યારેય ગુમાવવાનો નથી એની પાકી ખાતરી છે. આ શ્રદ્ધા જ મને જીવાડે છે… જીતાડે છે… વળી, આ શ્રદ્ધાનો દીપ હું રોજ સવારે પ્રગટાવી ઘર બહાર નીકળું છું જે આપણાં પ્રેમને રક્ષવાનું કામ કરે છે. જ્યાં સુઘી જીવું છું ત્યાં સુઘી આ દીવો ક્યારેય નહીં બૂઝાય કે એમાં દિવેલ પણ ક્યારેય નહીં ખૂટે. જ્યારે દિવેલ ખૂટી જશે ત્યાર પછી પણ હું મારાં શ્વાસથી આપણાં આ પ્રેમદિવડાને હંમેશા પ્રજવળતો રાખીશ. જિંદગી! તું મારી રગરગમાં દોડતું એવું તોફાન છે જે શાંત હોય તો ત્સુનામી આવે. સતત હડી કાઢતું રહે તો જીવવાનો અનેરો આનંદ પ્રાપ્ત થાય છે. તારી આંખોમાં આંજેલાં કાજળના સમ – તું મારાં શ્વાસોશ્વાસમાં સતત રમમાણ એવું દૈવી તત્ત્વ છે જે મને અજવાળી રહ્યું છે.
સતત તારામાં લીન…
તારું જીવનબીન…
જીવ.
- Advertisement -
(શીર્ષકપંક્તિ:- અનિલ ચાવડા)