વર્ષ 2019-20ની સરખામણીએ 2021-22માં મોતના કેસ બમણાં થયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં કસ્ટોડિયલ ડેથની ઘટના સામે આવી છે, બીજી તરફ ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં પોલીસ કસ્ટડીમાં 80 આરોપીઓનાં મોત થયાનું સામે આવ્યું છે. વર્ષ 2019-20ની સરખામણીએ વર્ષ 2021-22માં કસ્ટડીમાં મોતના કેસ બમણાં થયા છે. પાંચ વર્ષમાં કસ્ટડીમાં 80નાં મોત સાથે ગુજરાત સમગ્ર દેશમાં અવ્વલ છે.કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2017-18થી 2021-22ના પોલીસ કસ્ટડીમાં મોતના આંકડા જાહેર કરાયા છે, જે પ્રમાણે ગુજરાતમાં સૌથી વધુ 80 ઘટના બની છે, એ પછી મહારાષ્ટ્ર 76 કેસ સાથે બીજા ક્રમે છે, એ જ રીતે ઉત્તર પ્રદેશમાં 41, તામિલનાડુમાં 40 અને બિહારમાં 38 પોલીસ કસ્ટડીની ઘટના બની છે. ગુજરાતમાં કસ્ટોડિયલ ડેથની ઘટના બની છે તેમાં મોટા ભાગના કેસમાં બીમારીના કારણે જ્યારે જૂજ કેસમાં પોલીસના મારના કારણે મોત થયાનું કહેવાયું છે. ગુજરાતમાં વર્ષ 2022ના અરસામાં પોલીસ કસ્ટડીમાં 24નાં મોત થયાનું જાહેર થયું છે. વર્ષ 2017-18માં ગુજરાતમાં 14, વર્ષ 2018-19માં 13, વર્ષ 2019-20માં 12 અને વર્ષ 2021-22માં 24 કસ્ટોડિયલ ડેથની ઘટના બની છે. વર્ષ 2019-20માં કસ્ટોડિયલ ડેથની ઘટનાઓની તુલનામાં વર્ષ 2021-22માં 24 ઘટના સાથે કસ્ટોડિયલ ડેથના કિસ્સાઓમાં બમણો વધારો થયો છે. આવા કિસ્સામાં નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન દ્વારા રિપોર્ટ માગવામાં આવતાં હોય છે.