જાણો શું છે આ સમગ્ર કેસ, જેમાં પાકિસ્તાની એજન્સીઓનો પણ હાથ હોવાની આશંકા
સૌજન્ય: ઑપ ઈન્ડિયા-ગુજરાતી
ગુરૂવારે (26 ઓક્ટોબર) કતારથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા. છેલ્લા 1 વર્ષથી કતારમાં સ્થિત જેલમાં બંધ ભારતીય નૌસેનાના 8 પૂર્વ અધિકારીઓને મોતની સજા સંભળાવવામાં આવી છે. આ તમામ એક ખાનગી કંપની માટે કામ કરતા હતા અને ઓગસ્ટ, 2022માં કતારની ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારથી તેમને જેલમાં રાખવામાં આવ્યા છે. આ વર્ષે માર્ચ મહિનામાં તેમની સામે કેસ ચલાવવાનો શરૂ કરવામાં આવ્યો હતો અને હવે સજા પણ સંભળાવી દેવામાં આવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ સજાને લઈને પ્રતિક્રિયા આપી છે. મંત્રાલયે કહ્યું કે, અમારી પાસે પ્રાથમિક માહિતી છે કે કતારમાં આવેલી કોર્ટે આજે અલ-દાહરા કંપનીના 8 ભારતીય કર્મચારીઓને સાંકળતા એક કેસમાં ચુકાદો આપ્યો છે. મૃત્યુદંડની સજા આઘાતજનક છે અને અમે વિગતવાર ચુકાદાની રાહ જોઈ રહ્યા છીએ. અમે તેમના પરિવાર અને લીગલ ટીમના સંપર્કમાં છીએ અને તમામ કાયદાકીય વિકલ્પો અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. આગળ મંત્રાલયે લખ્યું કે, આ કેસને ખૂબ ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે અને અમે નજીકથી તમામ ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છીએ. અમે તમામ સલાહકારી અને કાયદાકીય મદદ આપવાનું ચાલુ રાખીશું તેમજ આ મુદ્દો કતારની સરકાર સામે પણ ઉઠાવવામાં આવશે. આગળ મંત્રાલયે કહ્યું કે, કેસની કાર્યવાહી અંગેની ગોપનીય બાબતોને કારણે આ તબક્કે આ મુદ્દે વધુ કંઈ પણ કહેવું યોગ્ય રહેશે નહીં. જે અધિકારીઓને સજા સંભળાવવામાં આવી છે, તેમનાં નામ છે- કેપ્ટન નવતેજ સિંઘ ગિલ, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન બીરેન્દ્ર વર્મા, કમાન્ડર સુગુણકર પકાલા, કમાન્ડર સંજીવ ગુપ્તા, કમાન્ડર અમિત નાગપાલ અને સૈલર રાગેશ.
- Advertisement -
આરોપોની સ્પષ્ટતા કયાંય નહીં, જાસૂસીના આરોપોની આશંકા
આમ તો આ 8 ભારતીયો સામે શું આરોપ છે તે અધિકારિક રીતે ક્યાંય પણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. 29 માર્ચ, 2023ના રોજ તેમની સામે કેસ શરૂ કરવામાં આવ્યો હતો. તે સમયે પણ તેમના પરિવારોએ જણાવ્યું હતું કે તેમને આરોપો વિશે ન તો કતારની સરકાર દ્વારા કંઈ પણ જણાવવામાં આવ્યું છે કે ન ભારત સરકારે કોઇ વિગતો આપી છે. આ અંગે સંસદમાં પણ પ્રશ્ર્ન પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે, આ સંવેદનશીલ મામલો છે. આ તમામ 8 ભારતીય પૂર્વ નૌસૈનિકોને મીડિયા રિપોર્ટ્સમાં કહેવાય છે કે તેમને જાસૂસીના આરોપસર પકડવામાં આવ્યા છે. તેમની ઉપર ઇઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ છે. કતારની એજન્સીઓએ તેમની ઉપર કતારની એડવાન્સ સબમરીનોની જાસૂસી કરવાના આક્ષેપો કર્યા છે.
પાકિસ્તાની એજન્સીઓનો હાથ?
એક રિપોર્ટ અનુસાર, કતારની એજન્સીઓએ દાવો કર્યો હતો કે તેમની પાસે એવા ઇલેક્ટ્રોનિક પુરાવા છે જેનાથી એ સાબિત થાય છે કે ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારીઓ કતારના સબમરીન પ્રોગ્રામ વિશે માહિતી એકઠી કરી રહ્યા હતા. જોકે, આ કથિત પુરાવા ભારત સરકારને ક્યારેય આપવામાં આવ્યા નથી. જોકે, આ બધી જ બાબતો બિન-અધિકારીક રીતે કહેવાતી વાતો છે, જેની ક્યાંય પુષ્ટિ થઈ શકે તેમ નથી. કારણ કે બંને સરકારોએ આરોપોને લઈને ક્યાંય કોઇ ઉલ્લેખ કર્યા નથી. ઓગસ્ટ, 2023માં એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ કેસ પાછળ પાકિસ્તાની ઇન્ટેલિજન્સ એજન્સી ઈંજઈં પણ જવાબદાર હોય શકે છે.