રાજકોટમાં 2, અમદાવાદમાં 1 તો વડોદરામાં HR વિભાગમાં કામ કરતા 49 વર્ષીય કર્મચારીનું નિધન
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્યમાં હાર્ટ એટેકના સતત વધી રહેલા કેસ ચિંતાનો વિષય બની રહ્યા છે. ખાણી-પીણી અને ઝડપથી બદલાતી લાઇફસ્ટાઇલને કારણે હાર્ટ એટેકના દર્દીઓમાં વધારો થયો છે. આજકાલ લોકો હસતા-રમતા આનો શિકાર બની રહ્યા છે. હાર્ટ એટેકથી મોતના બનાવો વધતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. યુવાનો અને વૃદ્ધોના અકાળ મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ એટેક છે. ઘણા લોકો હાર્ટ એટેકને કારણે સ્થળ પર જ મૃત્યુ પામે છે, જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ પામે છે અને ઘણા લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામે છે. હાર્ટ એટેકના લક્ષણો પહેલા ચોક્કસ વયના લોકોમાં જોવા મળતા હતા, પરંતુ ધીરે ધીરે આ બીમારી સામાન્ય બની રહી છે અને નાની ઉંમરના લોકો એટલે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ હાર્ટ એટેકથી મોતના ત્રણથી વધારે બનાવ સામે આવી રહ્યા છે, એવામાં રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં 4 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 4 લોકોના હ્રદય થંભી જતાં દુ:ખદ અવસાન થયા છે. જેમાં રાજકોટમાં 2 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે, જ્યારે અમદાવાદમાં એક અને વડોદરામાં એક વ્યક્તિએ હાર્ટ એટેકથી પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અંગે વિગતવાર વાત કરીએ તો અમદાવાદમાં હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મોત થયું છે. ધોબીઘાટ ખાતે બુકબાઈડિંગ માટે આવેલા 40 વર્ષીય હસમુખ રતિલાલ પંચાલ નામના વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેઓએ નીચે ઢળી પડ્યા હતા, રાહદારીઓ દ્વારા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
- Advertisement -
રાજકોટમાં વધુ 2 લોકોના હાર્ટએટેકથી મૃત્યુ નિપજ્યા
રાજકોટમાં વધુ 2 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. જેમાં રાજકોટના થોરાળાના ગોકુલપરાના 38 વર્ષીય ગુણવંત ચાવડા નામના વ્યક્તિનું હાર્ટ એટેકથી મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાયો છે. જ્યારે ગોવિંદનગરના ખાતે રહેતા 53 વર્ષીય પરસોત્તમ જાદવ નામના વ્યક્તિને હાર્ટએટેક આવતા તેઓનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ થતાં પરિવારની માથે આભ ફાટી પડ્યું હતું. આપને જણાવી દઈએ કે, રાજકોટમાં હાર્ટ એટેકથી થતા મૃત્યુના કેસમાં સતત વધારો થયો છે.
સરકારે બનાવી ડોક્ટરોની કમિટી
આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં હાર્ટ એટેકના બનાવો સતત સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારે યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકનું કારણ શોધવા નિષ્ણાંત ડોક્ટરોની કમિટી બનાવી છે. જેમાં યુએન મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ દોશીને કમિટીના હેડ બનાવવામાં આવ્યાં છે. તે ઉપરાંત આ કમિટીમાં ડો. જયેશ શાહ, ડો. ગજેન્દ્ર દુબે અને ડો. પૂજાબેનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી દ્વારા યુવાનોમાં હાર્ટ એટેક આવવાનું અને તેનાથી મોત કેમ થઈ રહ્યાં છે તે અંગેનું એનાલિસિસ કરવામાં આવશે.
વડોદરામાં હાર્ટએટેકથી એક વ્યક્તિનું મોત
વડોદરામાં પણ એક વ્યક્તિને હાર્ટ એટેક ભરખી ગયો છે. વડોદરાના હરણી સમા લિંક રોડ પર આવેલી મોટનાથ રેસીડેન્સીમાં રહેતા અને ખાનગી કંપનીમાં ઇંછ વિભાગમાં નોકરી કરતા ભરત સુથાર (ઉં.વ 49)ને બુધવારે સવારે પીઠમાં દુખાવો થતાં તેઓએ તેમના પત્નીને જાણ કરી હતી. જે બાદ તેઓએ દુખાવાની દવા લીધી હતી. જે બાદ તેઓ નોકરીએ ગયા હતા. નોકરી દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ સહકર્મીઓ તેમને લઈને હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.