દિવાળી ટાણે જ સંઘવડાના વિધાનોના વ્યાપક પ્રત્યાઘાતો પડવાની શકયતા
ભાજપ પણ સંઘવડાના સમર્થનમાં : દિલ્હીમાં પ્રદુષણનું કારણ આગળ ધરાય છે પણ પરાળી સળગાવવાનું કેમ નથી અટકાવાતું?
RSS પ્રમુખ 10 દિવસનો મથુરા પ્રવાસ પૂર્ણ કરીને મધ્યપ્રદેશ પહોંચ્યા: દિવાળી ભોપાલમાં ઉજવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.29
દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવા પરના પ્રતિબંધો-નિયંત્રણો સામે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે જ સવાલ ઉઠાવ્યા છે અને હિન્દુ તહેવારોને નિશાન બનાવવા સામે આકરી ટીપ્પણી કરી છે.
સંઘવડા મોહન ભાગવતે કહ્યું કે ફટાકડા ફોડીને ઉજવણી કરવા પરના નિયંત્રણો સામે શંકા ઉઠી રહી છે. હિન્દુ તહેવારો પર જ આવા કારસ્તાનો થાય છે.
તેઓએ ખાસ કરીને દિલ્હીમાં ફટાકડા પરના પ્રતિબંધ સામે સવાલ ઉઠાવ્યો હતો તે સામે દિલ્હી સરકારે પ્રદુષણ રોકવાના પગલા તરીકે બચાવ કર્યો છે.મોહન ભાગવતના વિધાનો પછી ભાજપ પણ મેદાને આવ્યો હતો.
દિલ્હીમાં ફટાકડા ફોડવા પર ‘આપ’ સરકારના નિર્ણયની ટીકા કરતા એમ કહ્યું કે પરાળી સળગાવવાથી વધુ પ્રદુષણ ફેલાય છે છતાં તે અટકાવી શકાતું નથી અને હિન્દુ તહેવારોને જ નિશાન બનાવવામાં આવે છે.
આરએસએસના પ્રમુખ મોહન ભાગવત 10 દિવસથી મથુરાના પ્રવાસે હતા. તેઓએ ગૌગ્રામમાં મુકામ કર્યો હતો. તેઓ દિવાળી મધ્યપ્રદેશના ભોપાલમાં ઉજવવાના છે. તેઓએ સંઘની કાર્યકારી મંડળની બેઠકમાં પણ હાજરી આપી હતી. જેમાં 46 પ્રાંતના 396 અધિકારીઓ મૌજૂદ રહ્યા હતા. મથુરા પ્રવાસ દરમ્યાન તેઓ ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથને પણ મળ્યા હતા. બન્ને વચ્ચે અઢી કલાક વાતચીત પણ થઈ હતી.પ્રકાશન પર્વ એવા દિવાળીમાં દિવડા-રોશનીના ઝળહળાટની સાથોસાથ આતશબાજી-ફટાકડાની પરંપરા છે. કેટલાંક વર્ષોથી તેમાં અનેકવિધ નિયંત્રણો છે તેવા સમયે સંઘવડાએ આવા પ્રતિબંધો સામે સવાલ ઉઠાવતા તેના દેશભરમાં પ્રત્યાઘાતો ઉભા થઈ શકે છે.
રાત્રે 10 વાગ્યા પછી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ સહિતના સરકારી જાહેરનામા જારી કરવામાં આવ્યા જ છે.
- Advertisement -
ફટાકડા ફોડવાની સમયમર્યાદા નિયત કરવામાં આવી છે. તેના કારણે આતશબાજીના ધૂમધડાકા સાથે ઉજવણીનો ઉત્સાહ ઝાંખો પડી જ જાય છે. આવા સમયે સંઘવડાના વિધાનો વ્યાપક પ્રત્યાઘાતો ઉભા કરી શકે છે.