જાહેર રજાઓનો ઉલાળીયો, આમ આદમી પાર્ટી દ્વારા કાર્યવાહીની માંગ
સરદાર પટેલ જન્મજયંતીની જાહેર રજામાં ખાનગી શાળાઓએ બાળકોને શાળાએ બોલાવ્યા
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ શહેરના સરા રોડ પર આવેલી સદભાવના શૈક્ષણિક સંકુલ, સાંદિપની ઈંગ્લીશ મિડીયમ સ્કુલ, વિવેકાનંદ વિદ્યાલય, ન્યુ એરા શૈક્ષણિક સંકુલ સહિત અનેક શૈક્ષણિક સંકુલો ગઈકાલે સરદાર પટેલની જન્મજયંતીની જાહેર રજામાં ચાલુ જોવા મળી હતી ત્યારે આવી શૈક્ષણિક સંકુલ પર જીલ્લા શિક્ષણ અધિકારી તેમજ તાલુકા શિક્ષણ અધિકારી કડક પગલાં લે તેવી આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિપુલભાઈ રબારીએ માંગ કરીને સરદાર જયંતિ નિમિત્તે સમગ્ર વિશ્વ જ્યારે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણી કરી રહ્યુ હોય ત્યારે જાહેર રજાઓમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખતી ખાનગી શાળાઓ ઉપર અંકુશ મૂકવા તેઓએ માંગ ઉઠાવી છે. રાજ્ય સરકાર દ્વારા શાળાઓની વિવિધ રજાઓ જાહેર કરવામાં આવતી હોય છે ત્યારે હળવદમાં આ જાહેર રજાઓના નિયમોનો ઉલાળીયો કરીને શિક્ષણ ચલાવતી શાળાઓ સામે કાર્યવાહી કરવાની જવાબદારી કોની ? અગાઉ પણ બકરી ઈદ, ગાંધી જયંતીની જાહેર રજાઓ પર ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ ચાલુ હતી ત્યારે આવી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ પર લગામ કસવામાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ ભેદી મૌન સેવી લીધું છે. આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી પ્રવિણભાઈ આંબરીયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, નોટીસ આપીશું અને ફરી વખત આકરી કાર્યવાહી પણ કરીશું. આવી ઘટનાઓને લઈને ખાનગી શાળાઓમાં ઉચ્ચ શિક્ષણ આપવાની ઘેલછામાં બાળકોની આઝાદી છીનવાઈ રહી હોય તેવું હાલ લાગી રહ્યું છે.