ભોગવાદના સમર્થકો કહે છે કે તમારા મનમાં અને દેહમાં ઊઠતી તમામ કામનાઓ અને વાસનાઓ મન ભરીને માણી લો, એ પછી જ ધર્મ અને અધ્યાત્મમાં તમે મન પરોવી શકશો. ભર્તૃહરિ કહી ગયા છે, ’કામવાસના ભોગવવાથી શાંત થતી નથી; જેવી રીતે અગ્નિને ઠારવા માટે ઘી હોમવામાં આવે તો આગ શમવાને બદલે વધારે ભડકે છે. તેવી જ રીતે કામવાસના ભોગવવાથી વધુ જોર કરે છે.’ આપણા ધર્મમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષને ચાર પુરુષાર્થો માન્યા છે. કામને મર્યાદામાં રહીને સ્વીકારવામાં આવ્યો છે. જો તે વકરી જાય તો આગના ભડકામાં બધું સ્વાહા થઇ જાય.
ઊધઇને શરૂઆતથી જ ડામી દેવી જોઇએ. જો ઊધઇને વધવા દેવામાં આવે તો આગળ જતાં તેનો મોટો રાફડો બની જાય છે. કામનું પણ એવું જ છે. આ મુદ્દાની આટલી જ મર્યાદિત ચર્ચા પર્યાપ્ત છે. તેજીને ટકોરો. સિગારેટ પીવાના શોખીનો વ્યસન છોડવા માટે આવું વિચારે છે: ’શરૂઆતમાં રોજની વીસને બદલે પંદર સિગારેટો ફૂંકીશું, પંદર દિવસ પછી રોજની દસ, મહિના પછી પાંચ, આમ કરતાં કરતાં છ મહિનામાં રોજની એક સિગારેટ ઉપર આવીશું. એક વર્ષને અંતે સાવ બંધ કરી દઇશું.’ આવા લોકો ક્યારેય ધૂમ્રપાન બંધ કરી શકતા નથી. મેં જૂજ લોકોને ધૂમ્રપાન છોડી દેતા જોયા છે. એ એવા લોકો હતા, જેમણે આંગળીઓ વચ્ચે સળગતી, અડધી પિવાઇ ગયેલી મનગમતી બ્રાન્ડને એક ઝાટકે ફેંકી દીધી હોય. એટલું જ નહીં, પણ ખિસ્સામાંથી સિગારેટનું પાકીટ અને લાઇટર બંનેનો ઘા કરી દીધો હોય. તમારે ખરેખર કામનાઓથી મુક્ત થવું છે? તો એ કામ આજે જ કરો, અત્યારે જ કરો.