લંડનના ઓરલ હાઇજીન નિષ્ણાતોએ કરેલા એક અભ્યાસમાં કહેવાયું છે કે સવારે ઊઠીને થૂંક કાઢી નાખ્યા પછી પાણી પીવું જોઈએ, જ્યારે સ્વસ્થ રહેવા માટે મહર્ષિ વાગ્ભટે લખેલા આયુર્વેદશાસ્ત્રમાં બ્રાહ્મમુરતમાં પાણી પીધા પછી દંતધાવન કરવાનું કહેવાયું છે.
લંડનના ઓરલ હાઇજીન નિષ્ણાતોએ કરેલા એક અભ્યાસમાં કહેવાયું છે કે સવારે ઊઠીને થૂંક કાઢી નાખ્યા પછી પાણી પીવું જોઈએ, જ્યારે સ્વસ્થ રહેવા માટે મહર્ષિ વાગ્ભટે લખેલા આયુર્વેદશાસ્ત્રમાં બ્રાહ્મમુરતમાં પાણી પીધા પછી દંતધાવન કરવાનું કહેવાયું છે. મૉડર્ન સાયન્સ માને છે કે મોં સાફ કરીને પછી જ પાણી પીવું જોઈએ, જ્યારે પૌરાણિક વિજ્ઞાન લાળમાં રહેલાં અસંખ્ય ફાયદાકારક તત્ત્વોનો લાભ લેવા માટે મોં સાફ કર્યા વિના જ પાણી પીવાનું કહે છે. જાણીએ આ બન્ને માન્યતાઓ પાછળનાં કારણો.
પહેલાં મરઘી આવી કે ઈંડું?
આ સવાલ જેટલો પેચીદો છે એટલો જ મૂંઝવણભર્યો સવાલ છે સવારે ઊઠીને બ્રશ કરીને પાણી પીવું કે બ્રશ કર્યા પહેલાં?
- Advertisement -
માત્ર દાંત સ્વસ્થ રાખવા માટે જ નહીં, ઓવરઑલ સ્વસ્થ રહેવા માટે પણ ઓરલ હાઇજીન ખૂબ જ મહત્ત્વનું છે. સવારે ઊઠીને પાણી પીવાની આદત બહુ સારી છે એવું તો બધા કહે છે, પણ પાણી પીતાં પહેલાં બ્રશ કરી લેવું કે પછી બ્રશ કરવું એ બાબતે મૂંઝવણ છે.
મહર્ષિ વાગ્ભટે લખેલા શાસ્ત્રમાં માનવની વહેલી સવારની લાળને દિવસભરની લાળ કરતાં અનેકગણા ઉત્તમ ગુણવાળી ગણવામાં આવી છે. મૉડર્ન મેડિસિન પણ ઍટલું તો સ્વીકારે છે કે લાળમાં એવાં કેમિકલ્સ અને પ્રોટીન્સ રહેલાં છે જેનાથી મોંમાં પેદા થતા બૅક્ટેરિયા ખતમ થઈ જાય છે અને મોં ચોખ્ખું રાખે છે. શ્વાસની દુર્ગંધ તેમ જ પેઢાં, ગલોફાં અને જીભની સ્વચ્છતા માટે કુદરતી રીતે પેદા થતી લાળ ખૂબ મોટો ફાળો ભજવે છે. ત્વચાની બીમારીઓમાં પણ સવારે ઊઠ્યા પછીની પહેલી લાળ અસરગ્રસ્ત જગ્યાએ લગાવવાથી ફાયદો થવાનું ‘અષ્ટાંગ હૃદય’માં નોંધાયું છે. રાજીવ દીક્ષિત જેવા ઍક્ટિવિસ્ટે સવારના થૂંકનો ઘણો પ્રચાર કર્યો હતો. તેમણે તો સવારે ઊઠીને પહેલું થૂંક આંખમાં આંજવાનું પણ કહ્યું હતું.
લાળ સારી કહેવાય?
- Advertisement -
સવારની લાળ ખરેખર ગુણકારી છે કે નહીં એ બાબતે આજકાલ પેટના નિષ્ણાતો અને ઑલ્ટરનેટિવ થેરપીના નિષ્ણાતો વચ્ચે ખાસ્સો મતભેદ છે. લાળ ઘણી ગુણકારી છે એવું માનતા આયુર્વેદાચાર્ય ડૉ. સંજય છાજેડ કહે છે, ‘માણસ એક જ એવી પ્રજાતિ છે જે પડવા-આખડવાથી થોડુંક વાગે તોય સીધો ડૉક્ટર પાસે જાય છે. બાકી પ્રાણીઓમાં નાના-મોટા જખમને આપમેળે જ હીલ થવા દેવામાં આવે છે. તમે જોયું હોય તો સ્વચ્છતાના આગ્રહીઓ આપણે દરેક વાતમાં ઍન્ટિબૅક્ટેરિયલ અને ઍન્ટિસેપ્ટિક દવાઓની શોધમાં ફરતા રહીએ છીએ, પણ મોટા ભાગનાં જંગલી પ્રાણીઓ હોય કે પાળતુ પ્રાણીઓ; શરીરને ચોખ્ખું રાખવા તેમ જ જંતુરહિત રાખવા માટે પોતાની લાળનો જ ઉપયોગ કરે છે. રસ્તે રમતા ડૉગી અને કૅટ્સ હોય કે ગાય-ભેંસ જેવાં સમજુ પ્રાણીઓ, પોતાના શરીરને સાફ રાખવા માટે પોતાની જ લાળનો ઉપયોગ કરે છે. ક્યાંક નાનો ઘા થયો હોય તો પહેલાં એને ચાટી-ચાટીને સાફ કરી દેશે. ડૉગી પણ જેવું પોતાનું બચ્ચું જન્મે એટલે તરત જ એને પોતાની જીભથી જ સાફ કરી દે છેને?’
બ્રાહ્મમુરતમાં પાણી
મોટા ભાગે આપણે સવારે ઊઠીએ ત્યારે મોંમાં થોડુંક થૂંક ભરાયેલું હોય છે. આ થૂંકમાં ખૂબ મોટી માત્રામાં ગુણકારી તત્ત્વો રહેલાં હોવાથી વહેલી સવારે ઊઠીને મોં સાફ કર્યા પહેલાં જ તાંબાના લોટામાં ભરેલું પાણી પી જવું જોઈએ એવું સૂચન આયુર્વેદશાસ્ત્રમાં છે. આ વિશે વધુ સમજાવતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘ખોરાકના પાચન માટે લાળ બહુ જ જરૂરી છે. લાળ નહીં હોય તો તમને ભોજનનો સ્વાદ નહીં આવે. ઇન ફૅક્ટ, ભોજનનું વિઘટન થવાની શરૂઆત ખોરાકમાં લાળ ભળવાના સ્તરે જ શરૂ થઈ જતી હોય છે. મોંમાં પાચન માટે જરૂરી રસદ્રવ્યો સતત પેદા થતા રહેતાં હોય છે. ઊંઘ દરમ્યાન મોંમાં જમા થયેલાં રસદ્રવ્યો લાળમાં જમા થતાં હોય છે. સવારે ઊઠીને પાણી પીવાથી લાળ પણ પેટમાં જતી રહે છે. એની સાથે પાચનની પ્રક્રિયા સુધરે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ રોજ સવારે ઊઠીને બ્રાહ્મમુરતમાં પાણી પીએ છે તેનું પાચન ખૂબ જ સારું રહે છે. અલબત્ત, અહીં એક વાત યાદ રાખવી જરૂરી છે કે સમય બ્રાહ્મમુરતનો કહેવાયો છે. આપણે સવારે આઠ વાગ્યે પથારીમાંથી ઊઠીને સીધા પાણી પીએ એમ નહીં. બ્રાહ્મમુરત એટલે સવારે સૂર્યોદય થાય એની જસ્ટ પહેલાંનો સમય. સરેરાશ છ વાગ્યા પહેલાંનો સમય એવું ગણી શકાય. શરીરની આંતરિક સ્વચ્છતાનો કાર્યક્રમ રાતના ચોક્કસ સમયગાળા દરમ્યાન થતો હોય છે. એટલે પાચનતંત્રને સ્વસ્થ રાખવું હોય તો ખાવાનું અને પાણી કયા સમયે તમે લો છો એ પણ એટલું જ મહત્ત્વનું છે. બીજું, દૈનિક ક્રિયાઓમાં પહેલાં બ્રહ્મપાન કરવાનું અને પછી દંતધાવન કરવાનું સ્પષ્ટ કહેવાયું છે એનો મતલબ એ કહી શકાય કે લાળ પેટમાં જાય એમાં કોઈ વાંધો નથી.’
બ્રશ કરીને પછી જ પીઓ
આયુર્વેદના મતથી ઘણો જ જુદો મત છે મૉડર્ન મેડિસિનનો. પ્રાર્થના સમાજમાં આવેલી એચ. એન. રિલાયન્સ ફાઉન્ડેશન હૉસ્પિટલના ગૅસ્ટ્રોએન્ટરોલૉજી ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. ચેતન ભટ્ટ કહે છે, ‘સવારે પાણી પીવું ગુણકારી છે, પણ એ બ્રશ કર્યા પછી જ. એનું કારણ છે ઓરલ હાઇજીન. રાતે સૂતાં પહેલાં તમે જે કંઈ ખાધું હોય એના અવશેષો મોંમાં રહી ગયા હોય તો એને કારણે સડો પેદા કરતા બૅક્ટેરિયા પણ મોંમાં જમા થયા હોઈ શકે છે. આ બૅક્ટેરિયાને પેટમાં ગલ્પ કરી જવાને બદલે બહાર થૂંકી કાઢવાનું જ બહેતર છે. સવારે પાણી પીવાનું કહેવાયું છે એનું કારણ છે જઠરમાં એકઠા થયેલા ઍસિડને થોડોક ડાઇલ્યુટ કરીને પાચનક્રિયા સરળ થાય. કદાચ પહેલાંના જમાનામાં બ્રશ કર્યા પહેલાં પાણી પીવાની વાત કહેવાયેલી એ સમયે ઠીક હશે, પણ હાલમાં તો એટલા બધા બૅક્ટેરિયા અને વાઇરસ મોંની લાળમાં પનપે છે કે ન પૂછો વાત. આ બૅક્ટેરિયામાં પણ હવે તો એટલું જિનેટિક મ્યુટેશન થઈ ગયું છે કે આખી રાત મોંના થૂંકમાં જમા થયેલા બૅક્ટેરિયા સારા જ હોય એવું ધારી ન શકાય. આવા બૅક્ટેરિયા કે વાઇરસ પેટમાં જાય તો એનાથી થતું નુકસાન વધુ છે. ગૅસ્ટ્રોએન્ટરોલૉજીની દૃષ્ટિએ જોઈએ તો બ્રશ કરીને પાણી પીવાના ફાયદા વધારે છે અને બ્રશ પહેલાં પાણી પીવાને કારણે સમસ્યા થવાના ચાન્સિસ વધુ છે. બીજું, ઘણા લોકો એક લિટર પાણી પી જતા હોય છે. એટલુંબધું પાણી પીવાની જરૂર નથી. તાંબાના લોટામાં કે માટલામાં ભરી રાખેલું હૂંફાળું અથવા તો રૂમ ટેમ્પરેચર પર હોય એવું એક ગ્લાસ પાણી પીવાની આદત પણ પૂરતી છે.’
બ્રશ ન કરો તો કોગળા તો કરો જ
મૉડર્ન મેડિસિનના નિષ્ણાતોનું કહેવું છે કે ભલે તમે પાણી પીતાં પહેલાં ઍટ લીસ્ટ કોગળા કરીને મોં સાફ કરી લો. આ વાત સાથે સહમત થતાં ડૉ. ચેતન ભટ્ટ કહે છે, ‘માત્ર ઓરલ હાઇજીન જ નહીં, પેટ પણ ખરાબ હોય તોય મોંમાં રાત દરમ્યાન ખરાબ બૅક્ટેરિયાનો જમાવડો થયો હોઈ શકે છે. વળી જો દાંતમાં કોઈ પણ પ્રકારનો રોગ હોય તો-તો વધુ મુશ્કેલીઓ પેદા થાય. એટલે જ ટૂથપેસ્ટ લગાવીને મોં સ્વચ્છ કર્યા પછી જ પાણી પીવું એવો આગ્રહ રાખવાની જરૂર નથી, પરંતુ પાણીથી કોગળા કરીને મોં સાફ કરેલું હોવું મસ્ટ છે.’
સવારે સૂર્યોદય પહેલાં ઊઠીને તાંબાના લોટામાં ભરી રાખેલા પાણીનું બ્રાહ્મપાન કરીને પછી દંતધાવન કરવાનું આયુર્વેદ શાસ્ત્રોમાં કહેવાયું છે. જોકે એ માટે આ ક્રિયા બ્રાહ્મમુરતમાં ઊઠીને કરેલી હોય એ જરૂરી છે. ઊંઘ દરમ્યાન મોંમાં જમા થયેલાં રસદ્રવ્યો લાળમાં જમા થતાં હોય છે. સવારે ઊઠીને પાણી પીવાથી લાળ પણ પેટમાં જતી રહે છે. એની સાથે પાચનની પ્રક્રિયા સુધરે છે.
– આયુર્વેદાચાર્ય
બૅક્ટેરિયામાં પણ હવે તો એટલું જિનેટિક મ્યુટેશન થઈ ગયું છે કે આખી રાત મોંના થૂંકમાં જમા થયેલા બૅક્ટેરિયા સારા જ હોય એવું ધારી ન શકાય. આવા બૅક્ટેરિયા કે વાઇરસ પેટમાં જાય તો એનાથી થતું નુકસાન વધુ છે. ગૅસ્ટ્રોએન્ટરોલૉજીની દૃષ્ટિએ જોઈએ તો બ્રશ કરીને પાણી પીવાના ફાયદા વધારે છે અને બ્રશ પહેલાં પાણી પીવાને કારણે સમસ્યા થવાના ચાન્સિસ વધુ છે.
– ગૅસ્ટ્રોએન્ટરોલૉજિસ્ટ