દિવાળી પહેલા વાઘ બારસ ઉજવવામાં આવે છે. આ દિવસે ગાયની, માતા સરસ્વતીની અને આદિવાસીઓમાં વાઘની પૂજા કરવાનું મહત્વ છે. એવામાં વાઘ બારસ સાથે જોડાયેલી કથાઓ વિશે અહીંયા જાણીશું.
ગુજરાતી પંચાગ મુજબ આસો વદ બારસ એટલે વાક્ બારસ. વાક્ નું અપભ્રંશ કરીને લોકોએ અહીં વાઘ કરી નાંખ્યુ છે. કારણ કે વાક્ શબ્દનો અર્થ વાણી, વાચા કે ભાષા થાય છે. અને વાઘના સંદર્ભે આખો તહેવાર આજે વાઘ બારસ તરીકે ઓળખવામાં માંડ્યો. દિવાળી પહેલા વાઘ બારસ, ધન તેરસ અને કાળી ચૌદસ ઉજવવામાં આવે છે. પરંતુ બારસને વાઘ બારસ કેમ કહેવાય છે તે અંગેની કથા ઓછા લોકો જાણે છે. વાઘ બારસે ગુજરાતી લોકો ઉંબરા પૂજવાનું કાર્ય કરે છે. વાઘ બારસમાં લોકો ‘વાઘ’નો અર્થ ‘વાઘ’ માને છે. પરંતુ માન્યતા અનુસાર વાઘ શબ્દનો ઉપયોગ અગાઉ ઘરેલું પ્રાણીઓના ટોળા માટે પણ થતો હતો. જો ઘેટાં, બકરા કે ગાયનું ટોળું હોય તો લોકો તેના માટે વાઘ શબ્દનો ઉપયોગ થતો હતો. અને ત્યારથી ગાય પૂજાનું મહત્વ જણાવતી આ બારસ બાઘ બારસના નામથી પ્રચલિત થઈ છે.
- Advertisement -
નવા ચોપડાની શરૂઆત
એક માન્યતા અનુસાર વાઘનો અર્થ દેવું થાય છે. જે લોકો વેપાર ધંધા સાથે જોડાયેલા છે તેમના માટે વાઘ બારસે ચોપડાનું દેવું પૂરું કરવાનો શ્રેષ્ઠ સમય હોય છે. આ દિવસે ચોપડાનું દેવું પૂરું કરવામાં આવે છે. અને નવા વર્ષની નવા ચોપડાની શરૂઆત કરવામાં આવે છે.
એક પૌરાણિક કથા અનુસાર, વાઘ નામનો રાક્ષસ હતો. જેનો વધ આસો વદ બારસના દિવસે કરવામાં આવ્યો હતો. પછી તેને આખી બજારમાં તેને ઘસેડીને ફેરવવામાં આવ્યો હતો. આ દિવસે કોઈએ વ્યાપાર ધંધો નહતો કર્યો. અને નવા વર્ષથી કામ શરૂ કર્યું હતું.
માતા સરસ્વતીની પૂજા કરાય છે
બીજી એક માન્યતા અનુસાર, તે શબ્દ વાઘ નહીં પણ “વાક” છે. જે સમય સાથે અપભ્રંશ થઈને વાઘ થયો હતો. વાક એટલે વાણી. અને વાણી એટલે કે માતા સરસ્વતી થાય છે. આથી આ દિવસે માતા સરસ્વતીની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસે માતા સરસ્વતીનું પુજન કરીને ચોપડા લખવામાં આવે તો તેમના મનની શુદ્ધિ થાય છે. આ દિવસે જો વિદ્યાર્થીઓ તેમના ચોપડાની પુજા કરે તો તેમની પર સરસ્વતી માતાની કૃપા વરસે છે.
- Advertisement -
ગાયની પૂજાનો મહિમા
વાઘ બારસે ગાય માતાની પણ પૂજા કરવાનો મહિમા છે. જે ગૌવત્વદ્વાદશી તરીકે પણ ઓળખાય છે. કથા અનુસાર, જે દિવસે દેવો અને દાનવોએ ભેગા થઈને સમુદ્ર મંથન કર્યું અને ત્યારે કામધેનુનું પ્રાગટ્ય થયું તે દિવસ આસો વદ બારસનો હતો. જે મહિલાને સંતાન ન હોય તે મહિલા આ દિવસે ગાયની પૂજા કરે છે તો તેમને સંતાન સુખ મળે છે.
આદિવાસીઓ કરે છે વાઘની પૂજા
ગુજરાત રાજ્યમાં વસતા આદિવાસીઓ પોતાના જાનમાલની સલામતી માટે આ દિવસે વાઘદેવની પૂજા કરતા હોય છે. જેમાં ખીરનો પ્રસાદ પણ ચઢાવે છે. પહેલા જંગલમાં વાઘનું પ્રમાણ વધુ હતું. જેથી તેના આદરભાવ અને ડરના કારણે આદિવાસીઓ દ્વારા તેનું પૂજન કરવામાં આવતું. જેમાં પાલતુ પશુઓના રક્ષણ અર્થે પૂજા કરવામાં આવતી. આ દિવસે લોકો ધનતેરસની પૂજનની સામગ્રી પણ ખરીદતા હોય છે.