એકત્રીસ ડિસેમ્બર હોય કે વેલેન્ટાઇન ડે હોય કે બીજો કોઈ તહેવાર….પ્રજાને મજા કરવાનું બહાનું જોઈતું હોય છે એટલે ઉજવણી કરવાના બહાના લોકો શોધતા રહે છે.
એકત્રીસ ડિસેમ્બર ની ઉજવણી જેટલી યુરોપ કે અમેરિકામાં નહિ થતી હોય એના કરતાં વધારે કદાચ ભારતમાં થતી હશે. .
- Advertisement -
ખાવ પીવો અને જલસા કરોની વૃત્તિ વધુને વધુ વ્યાપક બની છે. હમણાં કોઈએ એક સ્ટેટમેન્ટ આપેલું કે ચીનમાં લોકો ટેકનિકલ ને સાયન્ટીફિક સ્ટાર્ટ અપ ડેવલપ કરે છે જ્યારે ભારતમાં અગ્રગણ્ય સ્ટાર્ટ અપ નું કામ છે : ફૂડ ડિલિવરી કરવાનું !!
ભારત અતિ તડકો અને અતિ ભેજ વાળો દેશ હોવાને લીધે પ્રમાણમાં આળસુ પ્રમાદી અને ઓવર ધાર્મિક લોકોનો દેશ ગણાય છે. ભારતીય લોકોને ખાવું પીવું અત્યંત પસંદ છે. સોશિયલ મીડિયાના પ્રભાવને લીધે છેલ્લા કેટલાક સમયથી બહારનું ખાવાનો ચસ્કો ભારતીયોને હદુપ્રાંત વધ્યો છે. ફૂડ ડિલિવરી એપ્લિકેશન્સ ભારતના શહેરોમાં ડેઇલી લાખોને હિસાબે ફૂડ પાર્સલ ડિલિવર કરે છે. જાણે ઘરનું ખાવું હરામ હોય એમ અમુક વર્ગને બહારનું ખાવાનું વળગણ લાગ્યું છે. એકપણ કિરાણા સ્ટોર કે મોલ કે પાનનો ગલ્લો વેફર કે બીજા તૈયાર નાસ્તાના પડીકા વિનાનો દેખાશે નહિ. ગામડામાં નળમાં ચોખ્ખું પાણી આવે કે ના આવે, ત્યાં કોલ્ડ ડ્રિંકની બોટલ ચોક્કસ મળતી હશે.
ભારતીય લોકોમાં આ ખાવા પીવાના વળગણ પાછળ કોણ જવાબદાર છે? શું લોકો એવા ખાઉધરા છે ??? ના…. એની પાછળ જવાબદાર છે — અલ્ટ્રા પ્રોસેસડ ફૂડ તરીકે ઓળખાતો બજારુ ખોરાક.
- Advertisement -
યુ પી એસ એટલે કે અલ્ટ્રા પ્રોસેસડ ફૂડ ની વ્યાખ્યા તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા અગિયાર લાંબી લિટીઓમાં થયેલી છે પણ એવી પાંડિત્ય ભરી વ્યાખ્યામાં પડવું ના હોય તો સાદી રીતે સમજી શકાય કે જે ખોરાકમાં એની શેલ્ફ લાઇફ વધારવા માટે , સ્વાદ વધારવા માટે એની ફ્રેશનેસ અને પ્રાકૃતિકતાને હણી લેવામાં આવી હોય એને અલ્ટ્રા પ્રોસેસડ ફૂડ કહેવાય.
દાત:એક તાજુ સમોસુ હોય એને અલ્ટ્રા પ્રોસેસ ફૂડ ના કહેવાય પણ જો એને લાંબો સમય સાચવી રાખવા અને એના સ્વાદને વધાવરવા એમાં અમુક રસાયણો નાખવામાં આવે તો એને યુ પી એફ કહેવાય.
ભારતમાં યુ પી એફ નું માર્કેટ દિન પ્રતિદિન રાજાની કુંવરીની જેમ વધતું ચાલ્યું છે. તહેવારો આવે એટલે ચોકલેટો ની જાહેરાતો આવે છે, ચોકલેટ યુ પી એફ છે. પણ અખબારો અને ચેનાલોમાં આવેવા લાગે છે કે મીઠાઈઓ હાનિકારક છે, એમાં કેલેરીઓ હોય છે, એમાં ફલાણું અને ઢિંકણું હોય છે — એવી સ્ટોરીઝ ચલાવવામાં આવે છે જેથી લોકો દેખાવમાં આકર્ષક અને લાંબો સમય સાચવી શકાતી ચોકલેટ ખરીદવા આકર્ષાય. આપણી દેશી મીઠાઈઓ યુપીએફ નથી, તે જાણ ખાતર.
ભારતમાં વેચાતી યુ પી એફ આઈટમો માં ચોકલેટ સર્વાધિક વેચાણ ધરાવે છે. એના પછી નમકીન ને નામે વેચાતા ફૂડ પડીકા આવે છે.. શ્રમિક થી લઈને ધનવાન સુધીના સહુ આ પડીકા પાછળ પાગલ બન્યા છે. (પ્લાસ્ટિક કચરો થાય તે વળી બીજું મોટું નુક્સાન).ભારતમાં તળીને બનાવવામાં આવતી ચીજો પામ તેલમાં (વટ થી) તળવામાં આવે છે. વિદેશમાં આ પ્રકારની ચરબી /વસા ઉપર કડક નિયંત્રણ છે.ભારતમાં તો આઈસ્ક્રીમ ને નામે ફ્રોઝન દીઝર્ટ તરીકે ઓળખાતી ઠંડી ચીજ વેચાતી હતી (અને એ પણ મોટી જાણીતી કંપની દ્વારા!!) જેને બનાવવા પામ તેલનો ઉપયોગ થયેલ હોય.આઈસ્ક્રીમ એને જ કહી શકાય જેની બનાવટમાં દૂધનો ઉપયોગ થયો હોય. પણ ભારતમાં વર્ષો સુધી પામ તેલ માંથી બનતો ફ્રોઝન દિઝર્ટ આઈસ ક્રીમ ને નામે વેચાતો હતો.
અમેરિકા અને યુરોપના દેશોએ આ પ્રકારના ફૂડથી થતા નુકસાન ને ઓળખીને એના ઉપર નિયંત્રણો લાદયા છે આથી ભારત જેવા દેશોમાં કે જ્યા કાયદાકીય નિયંત્રણો હજી એટલા કડક નથી ત્યાં આ ફૂડ કંપનીઓ બેફામ માર્કેટિંગ કરીને પગપેસારો કરવા મથી રહી છે.
આ યુ પી એફ એટલે કે અલ્ટ્રા પ્રોસેસડ ફૂડ ની લોકોને રીતસર લત લાગે છે. આપણને દૂધ દહી કે શાકની લત નથી લાગતી પણ યુ પી એફ તરીકે ઓળખાતા ફૂડ ની લત લાગવી બહુ સામાન્ય છે. અનેક બાળકો આજે આ પ્રકારના ફૂડ (નુડલ્સ, પાસ્તા, ચોકલેટ, આઈસ્ક્રીમ, ડોનટ, કેક, પેસ્ટ્રી, સોડા વગરે) ના આદતી બની ગયેલા જોવા મળે છે.
આ ફૂડ ખાઈને કસરત કરી લઈશું તો કશું થશે નહિ એવું માનવા વાળો વર્ગ પણ બહુ મોટો છે કેમકે આ ભ્રામક માન્યત્તા નો ખુબ પ્રચાર થયેલો છે. સોડા સાયન્સ નામની પુસ્તકની લેખિકા સુઝાન ગ્રીનહાલ લખે છે કે કેલેરીઝ બાળીને બહારનું ખાવાના અનિષ્ટો થી બચી શકાય તે પણ એક મોટો પ્રોપગેન્ડા છે. ખરેખર તો પ્રોસેસ કરેલો પડીકા બંધ ખોરાક કસરત કરો કે ના કરો , ખરાબ અસર કરે જ છે. આ ખોરાક માણસના મગજને હેક કરીને એને પોતાનો ગુલામ બનાવે છે. જેમ સિગારેટ લત લાગે એમ આવા ફૂડની પણ લત લાગે છે.
સિગારેટ બનાવનાર કંપનીઓ એ ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ માં ખૂબ રોકાણ કરેલું છે એ પણ કેવો સંયોગ !!



