શાપર પાનગેટ વિસ્તારની ઘટના : એસિડ સાથે દારૂ પીધા બાદ યુવરાજ અને વિશાલને હોસ્પિટલ ખસેડાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ નજીકના શાપર વિસ્તારમાં બે યુવાનોને ખતરનાક અખતરો ભારે પડ્યો છે. દેશી દારૂમાં એસિડ ભેળવી નશો વધે તેવા ભ્રમમાં પીને તેઓ ગંભીર હાલતમાં પહોંચ્યા છે. ઘટનામાં 19 વર્ષીય યુવરાજ રાઠોડની હાલત ગંભીર છે, જ્યારે 18 વર્ષીય વિશાલ પરમાર પણ સારવાર હેઠળ છે.
વિશાલ પરમાર શાપરમાંથી દેશી દારૂની બે કોથળી લાવ્યો હતો. તેને એવું લાગ્યું કે દારૂમાં એસિડ ભેળવવાથી નશો વધારે થાય અને મજા વધે. આ ખોટા વિશ્વાસમાં તેણે એક કરિયાણાની દુકાનમાંથી બાથરૂમ સાફ કરવાનું એસિડ ખરીદ્યું અને બંને મિત્રોએ શાપર પાનગેટ પાસે બેઠા રહી દારૂમાં એસિડ ભેળવીને પીધું.
પીધા પછી થોડીજ ક્ષણોમાં બંનેને છાતીમાં અત્યંત બળતરા થવા લાગી. યુવરાજે તાત્કાલિક તેના મામા મહેશભાઈને ફોન કરી જાણ કરી કે, અમે પાનગેટ પાસે રોડ પર છાતી પીડા સાથે પડ્યા છીએ, અમને હોસ્પિટલ લઈ જાવ. પરિવારે તાત્કાલિક પહોંચીને એમ્બ્યુલન્સ બોલાવી અને બંનેને પહેલા શાપર હોસ્પિટલ અને પછી રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યા.ડોક્ટરો મુજબ યુવરાજ રાઠોડની હાલત અત્યંત ગંભીર છે. યુવરાજ ચાની હોટલમાં કામ કરે છે અને પિતૃવિહિન છે. ચાર ભાઈ-બહેનમાં નાનો છે. બીજી તરફ વિશાલ ડ્રાઇવિંગ કરતો છે અને પિતા પણ ડ્રાઇવર છે. બંને યુવાનો આ ખોટા અખતરના કારણે ગંભીર પરિણામ ભોગવી રહ્યા છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકી અને શાપર પોલીસે ઘટનાની નોંધ લઈ વધુ તપાસ શરૂ કરી છે. એસિડ ક્યાંથી લાવ્યું અને શું કોઈ તૃતીય વ્યક્તિ દ્વારા તેમને આ પ્રકારની સલાહ આપવામાં આવી હતી તે મુદ્દે તપાસ ચાલી રહી છે.આ ઘટના યુવાનો માટે ગંભીર ચેતવણીરૂપ છે. ખોટી સમજ અને જોખમી અખતરાઓના કારણે તાત્કાલિક આફતો સર્જાઈ શકે છે. દારૂ જેવી હાનિકારક વસ્તુમાં એસિડ જેવી જીવલેણ વસ્તુ ભેળવી જીવન જોખમમાં મૂકવું ઊંડી અણજાણતાનું પરિણામ છે.