છોટાઉદેપુરની સાપણ નદીમાં ઘોડાપૂર, અમરેલીનો સૌથી મોટો ખોડિયાર ડેમ ફરી છલકાયો, 46 ગામડાંને એલર્ટ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી શુક્રવારે સવારે 6 વાગ્યા સુધી 73 તાલુકાઓમાં મેઘરાજાની હાજરી નોંધાઈ છે. જેમાં સૌથી વધુ મોડાસામાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. તો આજે વહેલી સવારથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મેઘરાજા હેત વરસાવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
- Advertisement -
આગામી ત્રણ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે કારણ કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 35થી 45 કિમી પ્રતિ કલાકની ઝડપે રહેશે. જ્યારે આજે હવામાન વિભાગ દ્વારા ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ધારી નજીક આવેલો શેત્રુંજી નદીમાં પુર આવતા ફરીવાર ધારી ખોડિયાર ડેમ ઓવરફ્લો થતા પાણીની આવક વધતા બે દરવાજા બે બે ફૂટ ખોલવાની ફરજ પડી છે. નદીના પટમાં અવરજવર નહિ કરવા માટે સૂચના આપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં 34 ગામડા અને ભાવનગર જિલ્લાના 12 ગામડાને તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે. નદી કાંઠાના ગામડાના લોકોએ નદી નજીક અવર જવર નહિ કરવા અને ગ્રામ્ય વિસ્તારના લોકોએ એલર્ટ સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવી છે.
સાતમ-આઠમના તહેવારોમાં વરસાદની આગાહી
બીજી તરફ આગામી એક સપ્તાહ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદ થશે તેવી આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી છે. ઉપરાંત હવામાન વિભાગ દ્વારા પણ આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ભાગોમાં ક્યાંક હળવાથી મધ્યમ તો ક્યાંક ભારેથી ભારે વરસાદની સંભાવના છે. એટલે કે, રાજકોટમાં સૌથી પ્રખ્યાત અને ધામધૂમથી ઉજવાતા સાતમ-આઠમના તહેવારમાં વરસાદનું વિઘ્ન આવી શકે છે. કારણ કે, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી તથા હવામાન વિભાગ દ્વારા આગામી 24, 25 અને 26 ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.