ગોંડલ તાલુકાના નાના મહિકા ગામે બે સગાભાઈના મોતથી પરપ્રાંતિય ખેત મજૂર પરિવારમાં ગમગીની
ખાસ-ખબર ન્યૂઝ ગોંડલ
- Advertisement -
ગોંડલ તાલુકાના નાના મહિકા ગામે કૂવામાં પડી જતાં બે પરપ્રાંતિય બાળકોના મોતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, ધીરૂભાઈ પોપટભાઈ વિરડીયાની વાડીએ મજૂરી કરવા આવેલ પરપ્રાંતિય પરિવારના બે બાળકો 60 ફૂટ ઉંડા કૂવામાં પડતાં મોત થયાનો બનાવ સામે આવ્યો છે. પરપ્રાંતિય બે-બે બાળકોના મોતને લઈને ખેત મજૂર પરિવારમાં હૈયાફાટ રૂદનથી ગમગીની છવાઈ હતી.
મળતી માહિતી મુજબ, ગોંડલ તાલુકાના નાના મહિકા ગામે મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના ખેડખાલ ગામેથી ત્રણ મહિના પહેલાં મજૂરી કરવા આવેલ પરિવાર અકસ્માતનો ભોગ બન્યો છે. મૃતક બાળકો 4 વર્ષીય રીતિક ધર્મેન્દ્રભાઈ જાદવ અને 2 વર્ષીય અશ્વીન ધર્મેન્દ્રભાઈ જાદવ બંન્ને સગા ભાઈઓ છે. બન્ને સગાભાઈઓ રમતાં રમતાં અકસ્માતે કૂવામાં પડ્યા હોવાની પણ વિગતો મળી રહી છે.
અકસ્માતની પ્રાથમિક વિગતો મુજબ, સવારે બાળકો ન મળતાં બન્ને પુત્રના પિતા આસપાસના વિસ્તારમાં આવેલ ખેતીવાડી વિસ્તારમાં ગોતવા લાગ્યા હતા. તે દરમિયામ પિતાએ કૂવામાં નજર કરતાં કૂવામાં બન્ને છોકરાના ચંપલ પાણીમાં તરતા હતા. ત્યાર બાદ કાથાની દોરીમાં ખપારી બાંધી અને કૂવામાં નાખતાં જ ખપારીમાં એક બાળક આવી ગયું હતું, પરંતુ બીજુ બાળક ન મળતાં નાના મહિકા ગામના સરપંચ વિજયભાઈ વિરડીયાએ શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશભાઈને સમગ્ર ઘટનાની જાણ કરતાં દિનેશભાઇએ ફાયર સ્ટાફને જાણ કરી હતી. જેથી ગોંડલ નગરપાલિકા ફાયરના તરવૈયા સાથે શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી.
- Advertisement -
આમ બંને મૃતદેહમાં એકના મૃતદેહને તેમના પિતાએ અને બીજાના મૃતદેહને ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડની ટીમે ગણતરીની મિનિટોમાં પાણીમાંથી બહાર કાઢ્યો હતો. જે બાદ પરપ્રાંતિય બંને બાળકોના મૃતદેહને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફત ગોંડલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.