અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો ઝડપાયો હોવાનું અનુમાન
દોઢેક વર્ષ પૂર્વે આધેડને મહુવા દરિયા કિનારેથી મળ્યો હતો જથ્થો, ભત્રીજાને કહી વેચાણની હતી પેરવી
ખાસ-ખબર ન્યૂઝ ભાવનગર
- Advertisement -
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાંથી મહુવા પોલીસે બાતમીના આધારે પાડેલાં દરોડામાં સમુદ્રી ખજાના અને તરતું સોનું તરીકે ઓળખાતી અને વૈશ્વિક બજારમાં જેની ખૂબ માંગ છે એવી 12 કરોડની કિંમત ધરાવતી વ્હેલ માછલીની 12 કિલો ઉલ્ટી સાથે મહુવા પંથકમાં રહેતાં આધેડ અને તેના ભત્રીજાને ઝડપી પાડયા હતા. વન વિભાગની સાથે પોલીસે પાંડેલાં સયુંક્ત દરોડામાં ડાયવર્કસના કારખાનામાં છૂપાવેલાં આ કિંમતી જથ્થાને ઝડપી બન્ને વિરૂદ્ધ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. દોઢેક વર્ષ પૂર્વે મળેલાં કિંમતી જથ્થા અંગે બન્ને સોશિયલ મીડિયામાં રિલ્સ જોઈ ઉલ્ટીને ઉંચી કિંમતે વેચી રોકડી કરવાની પેરવીમાં હોવાનું પોલીસ પૂછપરછમાં ખુલ્યું હતું.
મહુવા સહિત સમગ્ર ભાવનગર જિલ્લામાં ચર્ચા સાથે આશ્ચર્યનું કેન્દ્ર બનેલાં બનાવની વિગત એવી છે કે, ભાવનગર જિલ્લાની મહુવા પોલીસને બાતમી મળી હતી કે, મહુવાના ભવાનીનગર વિસ્તારમાં આવેલાં શ્રી ચામુંડા ડાયવર્કસ નામના કારખાનામાં વ્હેલ માછલીની ઉલ્ટી (એમ્બરગ્રીસ) નામનો મુલ્યવાન પદાર્થ છૂપાવવામાં આવ્યો છે અને તેના વેચાણની પેરવી ચાલી રહી છે. બાતમીના આધારે મહુવાના મદદનિશ પોલીસ અધિક્ષકે સ્થાનિક પોલીસ ઉપરાંત, એફએસએલ તથા વન વિભાગની રેન્જ ફોરેસ્ટ ટીમને સાથે રાખી આજે બપોરે બાતમીના સ્થળે દરોડો પાડયો હતો. જયાંથી પોલીસે રામજી રાહાભાઈ શિયાળ (ઉ.વ.56, રહે.વિજળી બારૂ પાસે, ગઢડા ગામ, તા.મહુવા, જિ.ભાવનગર ) અને જયદીપ મગનભાઈ શિયાળ (ઉ.વ.22, રહે.ચામુંડા સોસાયટી,મહુવા, જિ.ભાવનગર)ને 12.030 કિલો ગ્રામ વ્હેલ માછલીની ઉલ્ટી (એંબરગ્રીસ) કિંમત રૂ.12 કરોડ 30 હજાર તથા એક મોબાઈલ કિંમત રૂ.3 હજાર મળી કુલ રૂ.12 કરોડ 33 હજારના જથ્થા સાથે ઝડપી પાડયા હતા.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલાં બન્ને ઈસમો પૈકી રામજી શિયાળ અન્ય આરોપી જયદીપના મોટાબાપુ થતા હોવાનું ખુલ્યું હતું.