નાનાવડા સરકારી સ્કૂલનાં 43 વર્ષિય શિક્ષક દિપક વેકરિયા, 24 વર્ષિય રણજીત યાદવ અને 40 વર્ષિય આશિષ અકબરીએ અંતિમ શ્ર્વાસ લીધા
ખાસ-ખબર સંવાદદાતા
યુવાવસ્થામાં હાર્ટએટેકથી મોત થવાની ઘટનાઓ વધી રહી છે.રાજકોટમાં છેલ્લા કેટલાંક દિવસોથી આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. દરરોજ કોઈને કોઈ યુવાન વ્યકિતનું હૃદય બેસી ગયાના અહેવાલો મળી રહ્યા છે. ત્યારે વધુ ત્રણ યુવાનોના હાર્ટએટેકથી મોત થયાનું જાણવા મળી રહ્યું છે. જેમાં પડધરી તાલુકાનાં નાનાવડા ગામની સરકારી સ્કુલનાં શિક્ષક, રાજકોટનાં મોરબી રોડ પર રહેતા યુવાન અને માર્કેટીંગ યાર્ડમાં મજુરી કરતાં 24 વર્ષિય બિહારી શ્રમીકનું હાર્ટએટેકથી મોત થયાનું જાણવા મળે છે. જુદા જુદા કિસ્સાઓની વિગતો મુજબ પડધરી તાલુકાનાં રંગપર ગામે રહેતા અને નાના વડા સરકારી સ્કુલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં દિપકભાઈ કાનજીભાઈ વેકરીયા ઉ.વ.43 આજે વહેલી સવારે 5-30 વાગ્યે પોતાના ઘેર હતા ત્યારે અચાનક બેભાન થઈ જતાં તેમને તત્કાલ રાજકોટની સીનર્જી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહી ટુંકી સારવાર દરમ્યાન તેઓનું મોત થયુ હતું. પોલીસે મૃતદેહ પીએમ અર્થે રાજકોટ સીવીલ હોસ્પીટલમાં ખસેડયો હતો. પરિવારજનોની પૂછપરછમાં જાણવા મળેલ કે શારીરીક વિકલાંગ દિપકભાઈ 10 વર્ષની સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવે છે. 2 ભાઈ 1 બહેનમાં સૌથી મોટા હતા. તેમને સંતાનમાં એક 15 વર્ષની દિકરી છે અને પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પટેલ પરિવારમાં શોક છવાયો હતો. બીજા બનાવમાં મુળ બિહાર અને હાલ રાજકોટનાં જુના માર્કેટીંગ યાર્ડ પાછળ હુડકો કવાર્ટરમાં રહેતા રણજીતકુમાર ઉપેન્દ્રભાઈ યાદવ ઉ.વ.24 જુના માર્કેટીંગ યાર્ડમાં મજુરી કામ કરતા હતા ગઈકાલે બપોરે બે વાગ્યે તે માર્કેટીંગ યાર્ડનાં બકાલા વિભાગમા હતો ત્યારે ચાલીને જતો હતો ત્યારે અચાનક ચાલતા ચાલતા ઢળી પડયો હતો. તત્કાલ તેને રાજકોટની સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો પણ સારવાર મળે તે,પહેલાં જ મોત નીપજયુ હતું તે ઢળી પડયો તે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને વિડીયો પણ વાયરલ થયો છે. રણજીતકુમાર માર્કેટીંગ યાર્ડના બકાલા વિભાગમાં ત્રણેક વર્ષથી મજુરી કરતો હતો તે 2 ભાઈ 2 બહેનમાં નાનો હતો તેને સંતાનમાં એક મહિનાની દીકરી છે. પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા શ્રમીક પરિવારમાં કલ્પાંત છવાયો હતો. ત્રીજા કિસ્સામાં મૃતકનું નામ આશીષ પરસોતમભાઈ અકબરી ઉ.વ.40 રહે. આનંદ એવન્યુ સોસાયટી શેરી નં.1 મોરબી રોડ છે. અગાઉ ચાંદીકામ કરતા હતા. 7 વર્ષ પહેલા હાર્ટએટેક આવતા તે પથારીવશ થઈ ગયા હતા. ગઈકાલે પથારીમાં જ તેને એટેક આવી જતા તત્કાળ સારવારમાં ખસેડતા ડોકટરે મૃત જાહેર કર્યા હતા. આશીષભાઈ 2 ભાઈ, એક બહેનમાં વચેટ હતા. તેને સંતાનમાં એક દીકરી છે.યુવાનનાં મોતથી પરિવારમાં શોક છે આ તરફ આશીષભાઈની આંખોનું ચક્ષુદાન કરેલ છે.