બોલિવૂડ સિંગર પાર્થિવ ગોહિલ ગરબામાં ખેલૈયાઓને ઝુમાવશે: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ખાસ હાજર રહેશે
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં નવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવાયો છે અને આગામી શરદપૂનમ સુધી ગરબાનો જ માહોલ જળવાયેલો રહેવાનો હોય તેમ રાજકોટમાં અભૂતપૂર્વ દિવ્ય કાર્યક્રમ યોજાનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીખીત ગરબા પર રાજકોટમાં એક લાખ લોકો રાસો રમશે અને તેના ગીનીસ સહિત ત્રણ વર્લ્ડ રેકોર્ડ સર્જાશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો હાજર રહેશે.દેશના લોકલાડિલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાજીની ભક્તિ-આરાધના જાણીતા છે.
તેઓએ માતાજીની ભક્તિને ઉજાગર કરતો એક ગરબો લખ્યો હતો તેને નવરાત્રીના આગલા દિવસે રિલીઝ કરવામાં આવ્યો હતો. સીંગર ધ્વનિ ભાનુશાળીના સૂર-અવાજમાં સંગીતકાર તનિષ્ક બળચીએ સંગીતમય ઢાળ આપ્યો હતો. વડાપ્રધાન મોદી લિખિત ‘ગરબો’ ધ્વનિ ભાનુશાળીના કંઠ સાથે રીલીઝ કરાયા બાદ ખુદ વડાપ્રધાને ટવીટ કરીને પ્રશંસા કરી હતી. ટવીટમાં લખ્યું હતું કે વર્ષો અગાઉ લખાયેલા ગરબાની મનમોહક પ્રસ્તુતી માટે ટીમને ધન્યવાદ વર્ષોથી મેં કાંઈ લખ્યુ નથી પરંતુ છેલ્લા થોડા દિવસોમાં નવો ગરબો લખવામાં સફળ થયો છું. રાજકોટમાં આ ગરબા પર એક લાખ લોકોના રાસનો અદભૂત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને તેમાં અનેકવિધ રેકોર્ડ થશે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા તથા ટીમ દ્વારા આયોજીત કાર્યક્રમને ‘માડી’ નામ આપવામાં આવ્યુ છે અને તેમાં ગરબા રમવાનો વર્લ્ડ રેકોર્ડ થશે. રેસકોર્ષ મેદાનમાં એક સાથે એક લાખ લોકો વડાપ્રધાન મોદી લિખિત ‘ગરબો’ પર રાસ રમશે. આ તકે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તથા ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. બોલીવુડ સિંગર અને ગરબા સ્પેશ્યાલીસ્ટ પાર્થિવ ગોહિલ આ ગરબાના તાલે એક લાખ લોકોને ઝુમાવશે. રાસની રમઝટ બોલાવશે. શરદ પુનમની રાત્રે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં યોજાનારા આ કાર્યક્રમથી ત્રણ રેકોર્ડ સર્જાશે. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, વર્લ્ડબુક ઓફ રેકોર્ડમાં લંડન તથા ઈન્ડીયન ટ્રેડીશ્નલ બુક ઓફ રેકોર્ડમાં તેને સ્થાન મળશે. રાજકોટ-ગુજરાતની ઓળખ જ ‘ગરબો’ છે અને નવરાત્રી તો ઠીક, અન્ય ઉત્સવોમાં પણ લોકો ગરબાના તાલે ઝુમતા અચકાતા નથી. નવરાત્રી પછી પણ શરદ પુનમ સુધી ગરબાનો માહોલ જામેલો જ હોય છે ત્યારે રાજકોટના રેસકોર્ષ મેદાનમાં યોજાનારો કાર્યક્રમ અભૂતપૂર્વ અને અવિસ્મરણીય-યાદગાર બની રહેવાનું સ્પષ્ટ છે.