આકારણી વર્ષ 2003-04 અને 04-05ના બાકી વેરાની ઉઘરાણી થતા આશ્ર્ચર્ય: 20 વર્ષ જુનો રેકોર્ડ શોધવા દોડધામ
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં એક તરફ આવકવેરાના રિટર્ન ફાઈલીંગ અને રિફંડની પ્રક્રિયા સૌથી ઝડપી બનાવવામાં આવી છે અને ગત વર્ષના આવકવેરા રિટર્નમાં ફકત સાત દિવસમાં જ જો રિફંડ ડયુ થતુ હોય તો પણ જે તે કરદાતાને ક્રેડીટ કરવામાં આવે છે તે સમયે અચાનક જ દેશભરમાં અનેક આવકવેરા કરદાતાઓને નાણાકીય વર્ષ 2003 અને 2004 તેમજ 2004 તથા 2005ના નહી ચૂકવાયેલા ટેક્ષની નોટીસો મળવા લાગતા તેઓ આશ્ર્ચર્યમાં પડી ગયા છે. છેલ્લા કેટલાક સમયથી વ્યક્તિગત કરદાતાઓને આવકવેરા વિભાગ તરફથી અનપેઈડ ટેક્ષ એક સપ્તાહમાં જમા કરાવવા માટેની નોટીસ મળવા લાગી છે.
જયારે આવકવેરામાં રેકોર્ડ દર્શાવે છે કે આ પ્રકારનો ટેક્ષ ભરપાઈ કરવામાં આવ્યો નથી પરંતુ જે કરદાતાને આ પ્રકારની નોટીસ મળી છે તેઓ કહે છે કે ટેક્ષની રકમ તેઓએ જે તે સમયે જ ચૂકવી દીધી છે. એસેસમેન્ટ વર્ષ 2003-04 અને 2004-05માં જે નોટીસો ફટકારવામાં આવી છે તેમાં બાકી વેરાની રકમ અત્યંત ઓછી પણ દર્શાવાઈ છે જયારે કેટલાક પાસે મોટી રકમની ડિમાન્ડ કરવામાં આવી છે અને તેથી કરદાતાઓ હવે તેમના બે દશકા જેટલા જુના ટેક્ષ પેમેન્ટ, ચલણને શોધવા માટેની પ્રક્રિયામાં વ્યસ્ત થઈ ગયા છે. મોટાભાગના કરદાતાઓએ આ જુનો રેકોર્ડ નષ્ટ કરી દીધો હોવાનું પણ માનવામાં આવે છે અને તેથી તેને આ નોટીસનો જવાબ આપવાનું મુશ્ર્કેલ બની રહ્યું છે. જો કે નિષ્ણાંતો માને છે કે આવકવેરા વિભાગે જુની સીસ્ટમમાંથી નવી સીસ્ટમમાં જે માઈગ્રેશન કર્યુ તેના કારણે આ પ્રકારની ટેક્ષ નોટીસ જનરેટ થઈ હોય તેવું શકય છે. કેટલાક કરદાતાઓને ચાલુ વર્ષના રિફન્ડની સામે તેની આ બે દશકા જુની જવાબદારી સેટલ કરી દેવાની નોટીસ પણ આપવામાં આવી છે. પરંતુ મોટાભાગના કેસમાં જુના રેકોર્ડ ઉપલબ્ધ નહી હોવાથી તેમના માટે હવે જવાબ કઈ રીતે આપવો તેની કાનુની સલાહ લેવાનું શરુ થયું છે. આવકવેરા વિભાગ 10 વર્ષ સુધીના એસેસમેન્ટ રીઓપન કરી શકે છે. પરંતુ આવકવેરા કરદાતા પાસેથી જુની નોટીસના આધારે ટેક્ષ ડીમાન્ડ કરવામાં કોઈ મર્યાદા નથી.