આપણે દરેક લોકોએ ઘણીવાર બસ અને ટ્રેનમાં સીટને લઈને મુસાફરો વચ્ચે ઝઘડા થતાં જોયા હશે પણ હાલ એક અલગ જ કિસ્સો સામે આવ્યો છે. જમીનથી હજારો મીટરની ઉંચાઈ પર પણ સીટ માટે ઝઘડતા લોકો જોવા મળી આવ્યા છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે બેંગકોકથી આવતી ફ્લાઈટમાં ભારતીય પેસેન્જરોએ માત્ર ઝઘડો જ નહી પણ મારપીટ પણ કરી હતી અને એ સમયે પ્લેનનો ક્રૂ સ્ટાફ સતત તેમને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

વાયરલ થયો વિડીયો
જણાવી દઈએ કે વાયરલ થયેલ આ વિડીયોમાં બે માણસો એકબીજા સાથે દલીલ કરતા જોઈ શકાય છે જ્યારે વિમાનના ક્રૂ મેમ્બર્સ પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. થોડીક જ સેકન્ડોમાં આ ઝઘડો લડાઈમાં ફેરવાઈ જાય છે અને એક માણસ તેના સાથીઓ સાથે સામે રહેલ વ્યક્તિને મારવા લાગે છે.

વાયરલ થયેલ આ વીડિયોમાં જોવા મળે છે કે વ્યક્તિ તેના ચશ્મા ઉતરે છે અને એ પછી બીજા વ્યક્તિને મારવા લાગે છે. એ સાથે જ માર મારતી વ્યક્તિના મિત્ર પણ સામે વાળી વ્યક્તિને માર મારવા લાગે છે. જો કે વિડીયોમાં જોઈ શકાય છે કે સામે વાળી વ્યક્તિ વળતો પ્રહાર નથી કરતો અને એ માત્ર પોતાનો બચાવ કરે છે.

આ સાથે જ વીડિયોમાં કેબિન ક્રૂ અને બીજા મુસાફરો લડાઈ બંધ કરવાનું કહેતા સાંભળી શકાય છે. હાલ આ ઘટના બેંગકોકથી કોલકાતાની ફ્લાઈટમાં બની હોવાનું કહેવાય છે અને આ મામલે થાઈ સ્માઈલ એરવેઝ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ સિવાય યુવક પર શું કાર્યવાહી કરવામાં આવી છે તેની પણ કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.