ખાસ-ખબર સંવાદદાતા
મોરબી તાલુકા વિસ્તારમાં ચોરી કરવાના ઈરાદે આવેલ દ્વારકા જીલ્લાના સલાયાની ચોર ટોળકી ચોરીને અંજામ આપે તે પહેલા જ મોરબી તાલુકા પોલીસે દબોચી લઈને જાતે ફરીયાદી બની ગેંગ કેસ મુજબનો ગુન્હો નોંધાવવામાં આવ્યો છે.
મોરબી તાલુકા પોલીસનો સ્ટાફ બુધવારે રાત્રીના પેટ્રોલીંગમાં હતો ત્યારે મોરબી જેતપર રોડ ઉપર બેલા ગામ પાસે લોર્ડ્સ હોટલવાળા શોપીંગ સેન્ટરની દુકાનો તથા એટીએમ નજીક ત્રણ ઈસમોની ટોળી ચોરી લુંટ કરવાની પેરવીમાં હોય જેથી પોલીસને આ ટોળકી શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેઓને કોર્ડન કરી પકડીને ચેક કરતા તેઓ પાસે લોખંડનું કટર તથા ડીસમીસ જેવા સાધનો મળી આવ્યા હતા જેથી તાલુકા પોલીસ ટીમે આરોપી અકરમ રજાકભાઇ ઇસાકભાઇ સંધાર (રહે. હુશેની ચોક, ગોદી વિસ્તાર, સલાયા તા. જામ ખંભાળીયા જી. દેવભુમી દ્રારકા), એઝાઝ રજાકભાઇ ઇસાકભાઇ સંધાર વાઘેર (રહે. હુશેની ચોક, ગોદી વિસ્તાર, સલાયા તા. જામ ખંભાળીયા જી. દેવભુમી દ્રારકા) અને સુલતાન આદમભાઇ હુશેનભાઇ બારોયા (રહે. હાલ જામનગર, રેલ્વે સ્ટેશન પાસે, વસીલા ચોક, જામનગર મૂળ થરી વિસ્તાર, બંદર રોડ, સલાયા તા.જામ ખંભાળીયા જી. દેવભુમી દ્વારકા) ની પ્રાથમિક પૂછતાછ કરતા આરોપીઓએ લોખંડના કટર, ડીસમીસ, પાના જેવા ચોરી કરવામાં મદદરૂપ થાય તેવા સાધનો તથા ચોરાઉ બજાજ કંપનીની સીએનજી રિક્ષા રજી. નંબર જીજે 36 યું 0698 સાથે ચોરી કરવાના ઇરાદે ફરતા હોવાની કબૂલાત આપી હતી. ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલા ત્રણેય શખ્સો મારામારી સહિતના કુલ 33 જેટલા ગુન્હાઓમાં સંડોવાયેલ હોય ત્રણેય રીઢા ગુનેગારો વિરૂદ્ધ તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.