ભવનાથ અને અંબાજી મંદિરના ગાદીપતિ વિવાદ મામલો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.25
જૂનાગઢ ગિરનાર ક્ષેત્રમાં મંદિરના ગાદીપતિ માટે વર્ષોથી લડાઈ ચાલી આવે છે. જેમાં ભવનાથ મંદિરના મહંત માટે અનેક સંતો વર્ષોથી લડાઈ કરી રહ્યા છે. જ્યારથી ભવનાથ મંદિરના હરિગિરી બાપુ મહંત બન્યા ત્યારથી મંદિરની પરંપરાના સાધુ-સંતો હાઇકોર્ટ સુધી ન્યાયની માંગણી કરી રહ્યા છે એ હજુ મહંત પદની લડાઈ શમી નથી ત્યાં તો ગીરનાર અંબાજી શક્તિ પીઠ મંદિરના મહંત તનસુખગિરી બાપુ બ્રહ્મલીન થતાં ફરી એક નવા વિવાદે જન્મ લીધો ત્યારે સનાતન ધર્મના પ્રખર લોકો કહે છે કે, જેના હાથમાં સનાતન ધર્મની ધજા ફરકતી હોઈ તેવા સાધુ-સંતો આમને-સામને આવી ગયા છે અને બાખડી રહ્યા છે. કરવાવાળા જતાં રહ્યા પણ હવે સનાતનીઓ બાખડી રહ્યા છે. જૂનાગઢ શહેર એક ધર્મની નગરી તરીકે આદિ અનાદિ કાળથી પૂજાય છે અને સનાતન ધર્મના લોકો ધર્મની આસ્થા સાથે પૂજે છે. અને દેશ વિદેશમાં જેનું નામ છે તે ગિરનાર ક્ષેત્રમાં 33 કરોડ દેવી દેવતાનો વાસ છે તેવા ક્ષેત્રમાં આજે ધર્મની લડાઈ શરૂ થઇ છે અને એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરીને સનાતન ધર્મને જાહેરમાં લઇ આવ્યા છે. હરિગિરી બાપુ જ્યારથી ભવનાથ મંદિરના મહંત બન્યા ત્યારથી મહંત પદના ખોટા ઓર્ડર નીકળ્યા હોઈ તેવી ચર્ચા ચોરે અને ચૌટે થઇ રહી છે અને ભવનાથ મંદિરની પરંપરાના સંતો સ્થાનિક તંત્રથી લઈને છેક હાઇકોર્ટ સુધી ન્યાયની માંગણી કરીને લડતા આવ્યા છે ત્યારે હવે હરિગિરી બાપુના નજીકના પ્રેમગિરી બાપુને અંબાજી મંદિરના મહંત પદે ચાદર વિધિ કરતાં ફરી એક વાર મંદિરના મહંત પદનો નવો વિવાદ સર્જાયો છે. ગિરનારની ગોદમાં વસેલું અતિ પૌરાણિક ભવનાથ મંદિરના મહંત હરિગિરીબાપુનો જે રીતે તત્કાલીન કલેકટર રચીત રાજ દ્વારા કાઢવામાં આવ્યો તેના વિષે જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડીયાએ મીડિયા સમક્ષ એક નિવેદન આપ્યું હતું જેમાં તેને જણાવ્યું હતું કે, હરિગિરી બાપુનો જે છેલ્લો ઓર્ડર તત્કાલીન કલેકટર રચિત રાજ દ્વારા કાઢવામાં આવ્યો તે નિયમ વિરૂદ્ધ કરવામાં આવ્યો છે. સમય કરતાં વહેલો બે વર્ષનો ઓર્ડર કાઢવામાં આવતા વિવાદ સર્જાયો છે. જો નિયમ મુજબ ઓર્ડર હોઈ તો આજે જે બની રહ્યું છે તેવું ન બની શકે આમ એક વાત ચોખ્ખી છે કે કરવાવાળા જતાં રહ્યા હવે ધર્મની લડાઈ જાહેરમાં આવી ગઈ છે અને એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ સાથે જાહેરમાં બાખડી રહ્યા છે.
- Advertisement -
સનાતન ધર્મની ધજા ફરકાવનાર સાધુ-સંતો આમને-સામને
ભવનાથ મંદિરના મહંત પદનો ખોટો ઓર્ડર થયો: ધારાસભ્ય કોરડિયા
ગિરીશ કોટેચાએ જે વાત કરી તે સનાતન ધર્મ વિશે સારી વાત હતી
ગિરનાર ક્ષેત્રની પ્રાચીન નગરીમાં છેલ્લા ઘણા સમયથી ભવનાથ મંદિર ગાદીપતિ બાદ ગીરનાર અંબાજી શક્તિપીઠ મંદિરના મહંત પદ માટે હરિગિરી બાપુ અને મહેશગિરી બાપુ જે રીતે આમને સામને આવી ગયા અને જાહેરમાં સનાતન ધર્મને જે નુકશાન થઇ રહ્યું હતું તે બાબતે પૂર્વ ડે.મેયર ગિરીશભાઈ કોટેચાએ જે રીતે વાત કરી કે, બંને સંતો શાંત થઇ જાવ તે વાત ખૂબ સાચી હતી જયારે સાધુ – સંતો આમને સામને આવે ત્યારે કોઈક એવા રાજનેતા હોઈ કે તેને આગળ આવીને સનાતન ધર્મની છબી વધુ ખરડાઈ તેના કરતા બંને વચ્ચે સુખદ સમાધાનનો રસ્તો બતાવ્યો હતો તે વાતથી પણ નવો વિવાદ સર્જાયો હતો આજે જોઈએ છે કે, હજુ આ વિવાદ શમવાનું નામ નથી લેતો અને સનાતન ધર્મ હવે જાહેરમાં ચર્ચાઓ દ્વારા શરૂ થયો છે એ કેટલે અંશે વ્યાજબી તેવું લોકો ખુલ્લેઆમ બોલી રહ્યા છે.