સૌથી વધુ પોરબંદર, ઉપલેટા, ધોરાજી, જેતપુર અને મોરબીના રસ્તા તૂટયા
350 કિ.મીના રસ્તા રીપેર કરવા એજન્સી પાસે ભાવ મંગાવાયા : બે દી’માં જ ટેન્ડર
ગેરન્ટી પીરીયડમાં 47 કિ.મી.ના રસ્તાનું સમારકામ શરૂ : નગરપાલિકા કમિશનર
રાજકોટ જિ.પં.ના 42 રસ્તાઓને 3.20 કરોડનું નુકશાન, 7 માર્ગ હજુ બંધ
રાજકોટ શહેર અને જિલ્લામાં ગત તા.13 અને 14ના તેમજ 29ના રોજ પડેલા ભારે વરસાદમાં રસ્તાનો ખો બોલી ગયો છે. શહેર ઉપરાંત જિલ્લાના ગ્રામિણ માર્ગો પણ ધોવાયા છે. જિલ્લામાં 20 માર્ગો બંધ કરાયા હતા જે પૈકી 13 શરૂ થયા છે જયારે 7 હજુ પણ બંધ હોવાની વિગતો સાંપડે છે. રાજકોટ જિલ્લા પંચાયતના સુત્રોએ જણાવ્યું હતું કે, જિલ્લાના 42 માર્ગોમાં ધોવાણ થયા છે. જેમા સમારકામની કામગીરી હાથ ધરવામા આવી છે. પ્રાથમિક અંદાજ પ્રમાણે આ માર્ગોમાં 3.20 કરોડની નુકશાની પહોંચી છે જેનો રિપોર્ટ સરકારને કરી દેવાયો છે. પડધરી, લોધીકા, કોટડાસાંગાણી, ઉપલેટા, જામકંડોરણાના માર્ગોમાં વધારે મુશ્કેલી ઉભી થઈ હતી. 20 રસ્તા બંધ થયા હતા તેમાંથી પડધરીના ડેમસાઈટ ખજૂરડી -ખોડાપીપર રોડ,રંગપર- સરપદડ, ગઢાળા એપ્રોચ રોડ, જીવાપર -જસાપર રોડ, સાણથલી- ઈશ્વરીયા રોડ બંધ છે. જો કે, તેના વૈકિલ્પક માર્ગો શરૂ હોવાથી પરિવહનની કોઈ મુશ્કેલી ઉભી થઈ નથી.
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં ગત 12 અને 13 સપ્ટેમ્બરના રોજ 25 ઈંચ સુધી વરસાદ પડતા ખેતીની જમીન અને રસ્તાનું ધોવાણ થયું છે તેમા રાજકોટ જિલ્લાની 6 નગરપાલિકા વિસ્તારમાં 103.75 કિલોમીટરના રસ્તાનું ધોવાણ થયું છે જયારે જામનગર જિલ્લાની ચાર નગરપાલિકામાં 7.02 કિલો મીટરના રસ્તા તૂટી ગયા છે.પોરબંદર જિલ્લાની ત્રણ પાલિકા વિસ્તારમાં 90.30 કિલોમીટર, મોરબીની 4 પાલિકા વિસ્તારમાં 21.90 કિલો મીટરના રસ્તા તૂટી ગયા છે પોરબંદર પંથકમાં વરસાદ નહીવત પડયો છે પરતું ભાદર સહિતના ડીમમાંથી પાણી છોડવામાં આવતા રસ્તા ધોવાઈ ગયા છે. આમ સૌથી વધુ પોરબંદર, ઉપલેટા, ધોરાજી, જેતપુર અને મોરબી પાલિકાના રસ્તાનો કચ્ચરઘાણ નિકળ્યો છે જયારે કચ્છની 7 નગરપાલિકામાં 113.95 કિલો મીટરના રસ્તા ધોવાઈ ગયા છે. નગરપાલિકા કમિશ્નર વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર-કચ્છની 30 પાલિકામાં કુલ 397 કિલોમીટરના રસ્તાનું ધોવાણ થયું છે તેમાંથી 47 કિલો મીટરના રસ્તા ગેરેન્ટી પીરીયડવાળા છે બાકીના રસ્તા રીપેર કરવા માટે ભાવ માંગવામાં આવ્યા છે અમુક પાલિકામાં રસ્તા રીપેર માટે ટેન્ડર પણ જારી થઈ ગયા છે અને અમુક પાલિકામાં બે દિવસમાં ભાવ નક્કિ કરવામાં આવનાર છે.
- Advertisement -
આગામી 20 તારીખ સુધીમાં તમામ 30 પાલિકામાં રીપેરીંગ કામ શરૂ થઈ જશે.