ગંધાતા ગટરના પાણીના કારણે યાત્રિકો અને સ્થાનિકો રોષે ભરાયા
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.11
સોમનાથ મંદિર સામે આવવા જવાના રોડ ઉપર નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી રહી છે. ફરી ગટરોના ગંદા પાણી ભરાઈ જતા યાત્રિકોને હાલાકી સર્જાઇ હતી. અહિં વારંવાર ગટરના ગંદા પાણી ભરાઈ જતા હોવાના બનાવ બનવા છતાં કોઈ નક્કર કામગીરી થતી ન હોવાનું જણાય આવે છે . સોમનાથ મંદિર દિગ્વિજય દ્વાર સામે કુંભારવાળો આવેલ છે .તેમજ વીઆઈપી ગેસ્ટ હાઉસ સાગરદર્શન હોટલ તેમજ ગામમાં આવવા જવા માટેનો રસ્તો છે. ત્યારે આજે બપોરે જ ઓચિંતા ગટરના ગંદા પાણી ઉભરાઈ અને બહાર નીકળવા લાગેલ હતા. ઘડીકભરમાં જાણે તળાવ ભરાયું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો .અને રસ્તો પણ બંધ થઈ ગયેલ હતો. આખા વિસ્તારમાં ભયંકર દુર્ગંધ ફેલાઈ હતી . આ અંગે નગરપાલિકાને જાણ કરવામાં આવતા સફાઈ કામદારો દોડી આવ્યા હતા .તાત્કાલિક ધોરણે સફાઈ હાથ ધરેલ હતી જે એકાદ કલાકની જહેમત બાદ સફાઈ થઈ હતી .પરંતુ રોડ રસ્તા ઉપર કાદવ કીચડ ફેલાયા હોવાથી દર્શને આવતા યાત્રિકોમાં અને સ્થાનિકોમાં કચવાટની લાગણી ફેલાઈ હતી. પગપાળા દર્શન કરવા જાતા યાત્રિકોને હાલાકીની સામનો કરવો પડ્યો હતો. આવું એકવાર નહીં પણ છાશવારે બનતું હોય નગરપાલિકા દ્વારા કાયમી નિકાલ થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે.