ગૌશાળાને ઢોર સાચવવાની સહાય રૂ.2500થી 4000 કરાઈ
રખડતા ઢોરને ખવડાવવા-પીવડાવવા સહિતની જવાબદારી હવે ટ્રસ્ટ નિભાવશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં એકસાથે 55 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપવામાં આવી છે જોકે તેમાં બે મોટા કામ એટલે કે 13 કરોડના ખર્ચે બે બ્રિજ તેમજ 22.33 કરોડ રૂપિયાના ખર્ચે નવું ઈન્ડોર સ્ટેડિયમ છે. આ બંનેના ટેન્ડરને મંજૂરી અપાતા હવે કામ ચાલુ કરાશે. બીજી તરફ વરસાદી પાણીના નિકાલ માટે 2.72 કરોડ રૂપિયાના ખર્ચે પાઈપ ગટર નાખવાના કામો પણ મંજૂર કર્યા છે. આ સિવાય રખડતા ઢોરના નિભાવ માટે મનપાએ નવી વ્યવસ્થા ઊભી કરીને ઢોર ડબ્બો સામાજિક સંસ્થાઓને સોંપી પશુદીઠ ખર્ચ આપવાનો નિર્ણય તેમજ ઢોર ડબ્બામાંથી ગૌશાળાને અપાતા પશુઓમાં સહાયની રકમમાં વધારો કરવા નિર્ણય લેવાયો છે. આ કારણે મનપાને રખડતા ઢોર માત્ર સાચવવા પાછળ વર્ષે 3 કરોડનો ખર્ચ થશે. મનપા જે ઢોર પકડે તેને ઢોર ડબ્બે રાખે છે અને એક એનિમલ હોસ્ટેલ પણ છે. ઢોર ડબ્બે સંખ્યા વધે તો ગૌશાળા અને પાંજરાપોળને આપી એક વખતની આર્થિક સહાય પણ કરે છે. હાલ સૌથી મોટો ઢોર ડબ્બો છે તેનું સંચાલન જીવદયા ઘરને સોંપાયું છે અને તેમાં જેટલા પશુ છે તે માટે મોટા પશુદીઠ પ્રતિદિન 50 રૂપિયા અને નાના પશુની 35 રૂપિયાની સહાય અપાશે. આ ઉપરાંત ત્યાં ઢોરની સંખ્યા ક્ષમતા કરતા વધી જાય તો ગૌશાળા અને પાંજરાપોળને અપાશે જે સહાય પહેલા 2500 રૂપિયા પ્રતિ ઢોર હતી તે હવે 4000 રૂપિયા કરી દેવાઈ છે. જ્યારે રોણકી એનિમલ હોસ્ટેલ ખાતેની ગૌશાળાનું સંચાલન ઓમ વચ્છરાજ ગૌસેવા ચેરિટેબલ ટ્રસ્ટને સોંપાયું છે જ્યાં મોટાપશુ દીઠ 28 અને નાના પશુદીઠ પ્રતિદિન 14 રૂપિયાની સહાય અપાશે. આ રીતે રાજકોટ મહાનગરપાલિકાને રખડતા ઢોરને સાચવવા 3 કરોડ રૂપિયાનો ખર્ચ થાય તેવો અંદાજ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઢોર પકડ ઝુંબેશ માટે વધારાનો સ્ટાફ મૂકવા પણ મંજૂરી અપાઈ છે તેથી તે ખર્ચ પણ વધશે.ઉપરાંત રૂપિયા 6 કરોડના ખર્ચે 50 ટીપરવાન ખરીદવા તેમજ જુદા-જુદા વિસ્તારમાં પેવિંગ બ્લોક નાખવા 2.92 કરોડનો ખર્ચ મંજૂર કરાયો છે.
રસ્તાની ચકાસણીની દરખાસ્ત પરત, ટેન્ડરની સૂચના
શહેરમાં વિવિધ રોડ-રસ્તા બનતા હોય ત્યારે તેમાં થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન માટે બાંધકામ શાખાએ નક્કી કરેલી એજન્સીની દરખાસ્ત કરી હતી જેને પરત કરાઈ છે અને ટેન્ડર કરીને જ કામ આપવા માટે સૂચન કરાયું છે.