ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
પ્રાચીનકાળથી વર્તમાન સુધી ભવ્ય ભારતીય સંસ્કૃતિ અને ગૌરવશાળી સમૃદ્ધ ઇતિહાસનું વિચાર નિરૂપણ કરતા રાષ્ટ્રીય ચિંતન ઈ મેગેઝિનનો વિમોચન સમારોહ અખાત્રીજના શુભ દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય ખાતે યોજાયો હતો. ઉપરોક્ત સમારોહના મુખ્ય વક્તા તરીકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના અઘ્યક્ષ, ડો.વિશાલભાઈ જોશી દ્વાર ઈ મેગેઝિન સંદર્ભે ઉત્કૃષ્ટ પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવેલ.તેમના જણાવ્યા પ્રમાણે, રાષ્ટ્રીય ચિંતન ઈ મેગેઝિન પંચ તત્વ પર આધારિત વિચારો પર કાર્યરત રહેશે જેમાં શ્રીરામ – કૃષ્ણ સમયથી લઈ વર્તમાન સુધીનો ભવ્ય ભારતીય ગૌરવશાળી ઇતિહાસ તથા વર્તમાન સમયમાં રાષ્ટ્ર – સમાજ માટે આવશ્યક રાષ્ટ્રીય વિચારધારાને પોષક વિષયોને આવરી લઈ શ્રેષ્ઠ મેગેઝિન રૂપે કાર્યરત રહી સમાજને ઉત્કૃષ્ટ સાહિત્ય આપશે.આ તકે રાષ્ટ્રીય ચિંતન ઈ મેગેઝિનના સંપાદક ડો.સંજય કોરિયા દ્વારા જણાવાયું કે સાંપ્રત સમયમાં રાષ્ટ્ર વિરોધી તથા ભ્રામક વિચાર માહિતી સમાજ સમક્ષ વિવિધ સ્વરૂપે આવી રહી છે ત્યારે સત્યતા સાથે જાગૃત રહી આપણી સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરા તથા આપણા ગૌરવશાળી ઇતિહાસને સમાજ સમક્ષ યોગ્ય સ્વરૂપે પ્રગટીકરણ હેતુ આ દ્વિમાસિક ઈ મેગેઝિન શરૂ કરવામાં આવ્યું છે. ઉપરોક્ત સમારોહમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નગર સંઘચાલક પિયુષભાઈ માદાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તથા વિશાળ સંખ્યામાં પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહી આ મેગેઝિનને આવકારેલ છે. જયારે આભારવિધિ હરેશભાઈ બાલસ દ્વારા કરવામાં આવી હતી, અધ્યયન મંડળની ઘોષણા તથા માહિતી જયદેવભાઈ શિશાંગીયા દ્વારા આપવામાં આવી હતી અને કાર્યક્રમનું સુચારૂ સંચાલન પ્રો.અજયભાઈ ટિટા દ્વારા કરવામાં આવેલ.