સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતના મુસાફરોની માંગને અનુલક્ષીને તેમજ સુવિધાઓને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લેવાયો છે. આ અંગે સુરતના સાંસદ તથા કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશે ટ્વીટ કરીને માહિતી આપી છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નાગરિકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુરતથી મહુવા જતી ટ્રેનને અઠવાડિયામાં પાંચ દિવસ દામનગરમાં સ્ટોપેજ મળશે. તો વલસાડથી વડનગર જતી ટ્રેનને વિસનગરમાં દરરોજ સ્ટોપેજ મળશે. જેના કારણે હજારો મુસાફરોને લાભ મળશે. આ અંગે રેલવે રાજ્યમંત્રી દર્શના જરદોશે ટ્વીટ કરીને માહિતી આપી છે.

ટ્વીટ કરીને આપી માહિતી
દર્શનાબેન જરદોશે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ‘સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના નાગરિકોની સુગમતા માટે ભારતીય રેલ દ્વારા નીચે મુજબની ટ્રેનોને નવા સ્ટોપેજ આપવામાં આવ્યા છે. (1) ટ્રેન નં. 20955/20956 સુરત – મહુવા (સપ્તાહમાં 5 દિવસ)ને દામનગર ખાતે સ્ટોપેજ, (2) ટ્રેન નંબર 20959/20960 વલસાડ – વડનગર (દરરોજ)ને વિસનગર ખાતે સ્ટોપેજ.’

મુંબઈ જતાં ગુજરાતીઓને મજા
પશ્ચિમ રેલ્વે મુસાફરોની સુવિધામાં વધારો કર્યો છે. રેલવે વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે નવી બે ટ્રેન શરૂ કરવામાં આવી છે. જેમાં બાંદ્રા ટર્મિનસ-ભુજ અને બાંદ્રા ટર્મિનસ-ભાવનગર બે ટ્રેનો વિશેષ ભાડા પર સ્પેશ્યલ ટ્રેન તરીકે ચલાવવાનો નિર્ણય કર્યો છે.

બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશ્યલ ટ્રેન
બાંદ્રા ટર્મિનસ-ભુજ સુપર ફાસ્ટ સ્પેશ્યલ ટ્રેન 25મી જાન્યુઆરી 2023 બુધવારના રોજ 7.25 સાંજે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે 10.25 કલાકે સવારે ભુજ પહોંચશે. આ ટ્રેન પરત મુંબઈ શુક્રવારે 27 જાન્યુઆરી 2023ના રોજ ભુજથી બપોરે 13.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 4.15 કલાકે બાંદ્રા પહોંચશે.બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશ્યલ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, વિરમગામ, ધ્રાંગધ્રા, સામખ્યારી, ભચાઉ અને ગાંધીધામ સ્ટેશનો પર ઉભી રહેશે. તેમજ આ ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે એસી 2-ટાયર, 3-ટાયર તેમજ સ્લીપર કોચ અને જનરલ કોચ હશે.

બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સ્પેશ્યિલ ટ્રેન
બાંદરા ટર્મિનસ-ભાવનગર સ્પેશ્યિલ ટ્રેન બાંદરા ટર્મિનસથી શુક્રવારે 27 મી જાન્યુઆરીના રોજ સવારે 9.15 કલાકે પહોંચશે અને રાતે 11.45 કલાકે ભાવનગર પહોંચશે. આ ટ્રેન ભાવનગરથી પરત ગુરૂવારે 26 જાન્યુઆરીએ ભાવનગરથી બપોરે 2.50 કલાકે ઉપડશે જે ટ્રેન બીજા દિવસે સાનારે 6 કલાકે બાંદરા ટર્મિનસ પહોંચશે.

ક્યાં ક્યાં સ્ટેશને ઉભી રહેશે ટ્રેન
બાંદરા ટર્મિનસ-ભાવનગર સ્પેશ્યિલ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા જંક્શન, અમદાવાદ જંક્શન, સુરેન્દ્રનગર, બોટાદ, ધોળા, સોનગઢ અને ભાવનગર સ્ટેશન પર ઉભી રહેશે. તેમજ આ ટ્રેનમાં મુસાફરોની સુવિધા માટે એસી 2-ટાયર, 3-ટાયર તેમજ સ્લીપર કોચ અને જનરલ કોચ હશે.