ગુજરાત હાઈકોર્ટ દ્વારા તમામ પીટીશનોના સ્ટે રદ્દ કરવામાં આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
રાજકોટ જિલ્લાના સુનીલભાઈ નવીનભાઈ પારેખ દ્વારા કે જેઓ હાલ પંજાબના મોહાલી ખાતે રહે છે, તેઓએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં એ મતલબની ફરિયાદ આપેલી હતી કે તેઓના સસરા ચુનીલાલ પિતાંબર દોશીએ રાજકોટના કોઠારીયાના જુના સ.નં. 57 પૈકી અને નવા સ.નં. 219, 220, 221ની ખેડવાણ જમીન એ. 6-4 ગુંઠા દસ્તાવેજ અનુ. નં. 41-1960થી ખરીદ કરેલી અને ત્યારબાદ તે જમીન બીનખેતી કરી કુલ 19 પ્લોટો પાડવામાં આવેલ અને જેમાં તેઓએ અલગ અલગ ભાગીદારોએ પોતાના નામના દસ્તાવેજો બનાવેલા હતા, તે પૈકી તેઓના સસરાના ભાગે પ્લોટ નં. 8, 17, 4 આવેલા હતા. ઉપરોક્ત પ્લોટ પૈકી પ્લોટ નં. 8 તથા પ્લોટ નં. 17ને ફેન્સીંગ કરી એક વોચમેન પ્રતાપભાઈ જાદવને રાખેલા હતા ત્યાર બાદ તેઓ સને 2018માં રાજકોટ આવ્યા ત્યારે તેઓને જાણવા મળ્યું કે ઉપરોક્ત ચોકીદારની સંમતિથી તેઓના બંને પ્લોટોમાં ગેરકાયદેસર કબ્જો થઈ ગયો છે અને આ કબ્જો રાજુભાઈ તથા બાલાભાઈ બોળીયાના માણસોએ કર્યો છે જેથી તેઓ આ બાબતે મળ્યા ત્યારે તેઓએ તેમને જણાવ્યું કે તેઓએ આ પ્લોટો ખરીદ કરેલ છે અને ત્યારબાદ તેઓએ ઉપરોક્ત દસ્તાવેજ અંગે તપાસ કરતાં તેઓના પ્લોટ અલગ અલગ દસ્તાવેજ બની ગયા હતા અને આ દસ્તાવેજ બનાવનાર તેઓના સસરા નહીં પરંતુ અન્ય કોઈ બોગસ વ્યક્તિઓ હતા અને જેના આધારે અન્ય 3 બોગસ દસ્તાવેજો બનાવેલા અને પ્લોટો પચાવી પાડેલા જે અંગેની ફરિયાદ તેઓ દ્વારા કરવામાં આવેલી. ફરિયાદી અંગે આજીડેમ પોલીસ સ્ટેશન દ્વારા આઈ.પી.સી. કલમ 406, 420, 465, 467, 468, 471, 34, 120(બી) તથા લેન્ડગ્રેબિંગ એક્ટની રકમ 5(સી) મુજબનો 12 આરોપીઓ વિરૂદ્ધ ગુન્હો નોંધેલો હતો.
- Advertisement -
ગુન્હો નોંધાયા બાદ આ કામના આરોપી કિશન બાલાભાઈ બોળીયા, ગોવિંદ બાલાભાઈ બોળીયા, ભરત બાલાભાઈ બોળીયા દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદ સામે રીટ પીટીશન કરવામાં આવેલી અને જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવેલો હતો ત્યાર બાદ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એકસાથે તમામ લેન્ડગ્રેબિંગની સ્ટેની અરજીઓ રદ કરવામાં આવેલી હતી. જેની સામે ઉપરોક્ત આરોપીઓએ નામદાર સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરેલી હતી.
જે પીટીશન અન્વયે આરોપીઓના વકીલ મારફત એવી દલીલ કરવામાં આવી કે તેઓ શુદ્ધબુદ્ધિના ખરીદનાર છે અને તેઓએ જાહેર નોટીસ આપી પ્લોટો ખરીદ કરેલા છે તેમજ કહેવાતા તમામ દસ્તાવેજો નામદાર અદાલત દ્વારા રદ કરવામાં આવેલા છે અને પ્લોટનો કબ્જો પણ હાલ ફરિયાદી પાસે જ રહેલો છે અને તેઓ ત્રીજા દસ્તાવેજથી ખરીદનાર હોય અને તેઓએ કોઈ બોગસ દસ્તાવેજ બનાવેલા ન હોય પરંતુ રજિસ્ટર વેચાણ દસ્તાવેજથી પ્લોટ ખરીદ કરેલો હોય તેઓને આ ગુન્હામાં ખોટી રીતે ફીટ કરી દીધા છે અને રાગદ્વેશના આધારે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ઉપરોક્ત તમામ દલીલો તથા કાયદાની પરિસ્થિતિને ધ્યાને લઈ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા ઉપરોક્ત ત્રણેય આરોપીઓ કિશન બાલાભાઈ બોળીયા, ગોવિંદ બાલાભાઈ બોળીયા, ભરત બાલાભાઈ બોળીયાને ગુન્હા બાબતે કોઈપણ જાતની કાર્યવાહી કરવી નહીં તેવો સ્ટે આપવામાં આવેલો હતો. જેમાં નામદાર સુપ્રીમ કોર્ટમાં બચાવ પક્ષ વતી વિરાટભાઈ પોપટ તથા રાજકોટના યુવા એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, જયવીર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, સાગરસિંહ પરમાર તથા જયપાલસિંહ સોલંકી એડવોકેટ તરીકે રોકાયેલા હતા.