સિરામિક, એન્જિનિયરિંગ અને મશીન ટૂલ્સ આધારિત રાજયની પ્રથમ પ્રી સમિટ રાજકોટ ખાતે યોજાઇ હતી, જેમાં આશરે રૂ.1280 કરોડથી વધુ રકમના રોકાણોના સાત કરાર – એમ.ઓ.યુ. સાઈન થયા હતા.
ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન, ગાય સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામીણ આવાસ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અને સામાજિક ન્યાય અધિકારિતા અને મહિલા બાળ કલ્યાણ અધિકારી વિભાગના મંત્રી ભાનુબેન બાબરિયાની વિશેષ ઉપસ્થિતિમાં આ ‘‘આઇકોનિક ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પ્રિ-સમિટ’’ યોજાઇ હતી. જેનું આયોજન રીજેન્સી લગુન રિસોર્ટ એન્ડ કન્વેન્સન ખાતે રાજ્ય સરકાર દ્વારા યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)૧૦ની આવૃત્તિના ભાગરૂપે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરાયું હતું.
- Advertisement -
આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલે અધ્યક્ષસ્થાનેથી ઉદબોધન કરતા કહ્યું હતું કે, આ સમિટ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારત @2047ના સપનાને સાકાર કરવા માટે એક મૂલ્યવાન પ્લેટફોર્મ પ્રદાન કરશે. વડાપ્રધાનના દૂરંદેશી નેતૃત્વ હેઠળ 2003માં શરૂ કરવામાં આવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને વ્યૂહાત્મક ભાગીદારી માટેના સૌથી પ્રતિષ્ઠિત વૈશ્વિક ફોરમ તરીકે પ્રસ્થાપિત થઈ છે, અને ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે દેશનું અગ્રણી રાજ્ય બન્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી 10મી આવૃત્તિમાં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત ઇન્ડસ્ટ્રી લીડર તરીકે વૈશ્વિક નકશા પર સ્થાન મેળવવા માટે સજ્જ થઈ રહ્યું છે.
મંત્રી પટેલે ગૌરવપૂર્વક ઉમેર્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) ના પૂર્વાર્ધરૂપે રાજ્ય સરકારે ઉદ્યોગોને અનુરૂપ સરળ નીતિઓ બનાવી છે, જેના અનુસંધાને આ વખતે દરેક જિલ્લામાં સમિટ કરી જિલ્લા સ્તરે ઔદ્યોગિક વાતાવરણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર રાજકોટ ખાતે યોજાયેલી સિરામિક અંગેની પ્રિ-સમિટના આયોજનનો ઉદ્દેશ સિરામિક ઉદ્યોગના પ્રમુખ હિતધારકોને એક મંચ પર એકત્રિત કરવાનો, રોકાણો આકર્ષિત કરવાનો અને ગુજરાતના સિરામિક તેમજ એન્જિનિયરિંગ અને મશીન ટુલ્સ ઉદ્યોગમાં વિકાસની તકોને ઉજાગર કરવાનો છે.
મંત્રી પટેલે કહ્યું હતું કે, રાજ્ય સરકાર સિરામિક, શિક્ષણ, બાયોટેક્નોલોજી, એડવેન્ચર ટુરિઝમ, હેલ્થકેર અને લાઈફ સાયન્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ વગેરે જેવા ક્ષેત્રોમાં પ્રી-સમિટ સેમિનાર અને કાર્યક્રયોજીમો યોજી રહી છે. રાજકોટ ખાતેની આ પ્રી સમિટનો ઉદ્દેશ નીતિ સુસંગતતા, અસરકારક રોકાણોને સુનિશ્ચિત કરીને સમાવિષ્ટ અને ટકાઉ વિકાસ માટેના પ્લેટફોર્મ તરીકે VGGS ને પ્રદર્શિત કરવાનો છે. આ શ્રૃંખલાનો પ્રથમ કાર્યક્રમ સિરામિક, એન્જિનિયરિંગ અને મશીન ટુલ્સ પર આધારિત છે.
- Advertisement -
જી.આઈ.ડી.સી. જોઇન્ટ મેનેજિંગ ડિરેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ધ્વની દલાલે કર્યું હતું.
રાજકોટમાં આયોજિત આ પ્રી સમિટમાં આશરે રૂ. 1280 કરોડથી વધુ રકમના રોકાણોના 7 કરાર – એમ.ઓ.યુ. સાઈન થયા હતા. જેના કારણે ભવિષ્યમાં રોજગારીની તકો સર્જાશે. જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે, સાથે રોજગારીની વિપુલ તકોના કારણે લોકોનું જીવનધોરણ પણ વધુ ઊંચું આવશે.
આ સમિટમાં એમ.ઓ.યુ કરનારમાં મોરબી સિરામિક એસો , રાજકોટ એન્જિ.એસો., સન સાઈનવ વિટરિફાઇડ ટાઇલ્સ ગ્રુપ, ઓરબીટ બેરિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, સતાણી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, મિલેનિયન પ્રા. લિમિ., જ્યોતિ સીએનસી ઓટોમેશન લિમિટેડનો સમાવેશ થાય છે.
આ સમિટમાં સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય સર્વ ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, અગ્રણી રાજુભાઈ ધ્રુવ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, એમ.એસ.એમ.ઇ. કમિટી ચેરમેન પાર્થભાઈ ગણાત્રા, રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશનના નરેન્દ્રભાઈ પાંચાણી, મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા સહિતના અગ્રણીઓ ઉપરાંત, ઇન્ડિયન સિરામિક સોસાયટીના પ્રેસિડેન્ટ અને પ્રિઝમ જ્હોનસન લિ.ના ઓપરેશન્સ અને બિઝનેસ હેડના પ્રેસિડેન્ટ સુદીપ્ત સાહા, વર્લ્ડ એકેડેમી ઓફ સિરામિકવર્લ્ડ એકેડેમી ઓફ સિરામિક્સના શિક્ષણવિદ ડૉ. લલિત મોહન મનોકા, ઇન્ડિયાના ટેક્નિકલ સિરામિક્સના મેનેજિંગ ડાયરેક્ટર અને સ્થાપક સંજય સરાવગી, ઇસરો (ISRO) સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ગ્રુપ ડાયરેક્ટર નીતિન ઠાકર તેમજ મધરસન ગ્રુપના દેબજ્યોતિ ભટ્ટાચારજી, કલેક્ટર પ્રભવ જોશી, મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ, એડી.પોલિસ કમિશ્નર વિધિ ચૌધરી, રાજકોટ જી.આઇ.ડી.સી.ના ડી.એમ. આશિષ મારુ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કિશોરભાઈ મોરી, જી.આઇ.ડી.સી.ના પ્રાદેશિક મેનેજર તપન પાઠક, રોનક મન્સૂરી, અગ્રણી ઉદ્યોગપતિઓ, રોકાણકારો, શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા.
જી.આઇ.ડી.સી. દ્વારા મોરબીથી 12 કિ.મી. દૂર પાનેલી-જાંબુડિયા ગામમાં 425 હેક્ટરમાં સિરામિક પાર્કનું નિર્માણ થશે
દેશના 90 ટકા સિરામિકનું ઉત્પાદન મોરબીમાં થાય છે. મોરબી ખાતે પ્રતિ દિન 4 મિલિયન સ્કેવર મીટર ટાઇલ્સનુ ઉત્પાદન થાય છે. આ સિરામીક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાતની 10મી આવૃત્તિના ભાગરૂપે, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા મોરબીના પાનેલી ખાતે 425 હેક્ટર વિસ્તારમાં સ્ટ્રેટેજિક ઇન્ટ્રીગ્રેટેડ સિરામિક પાર્ક ઉભો કરવામાં આવશે. જે અંગેની શોર્ટ ફિલ્મ આ પ્રસંગે પ્રદર્શિત કરવામાં આવી હતી. મોરબીમાં 1800 થી પણ વધુ સિરામિક ઉદ્યોગોના એકમો આવેલા છે. મોરબી જિલ્લાના સિરામિક ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર રૂ. 50,000 કરોડ છે અને વાર્ષિક નિકાસ લગભગ રૂ.15,000 કરોડની છે.
મોરબીની ટાઇલ્સ મોટા ભાગે ઇસ્ટ એશિયા, યુ.એસ, યુરોપ, આફ્રિકા, મિડલ ઇસ્ટમાં નિકાસ કરવામાં આવે છે. હીરાસર એરપોર્ટથી આ પાર્ક 70 કિ.મી. દૂર થશે. જ્યારે નવલખીથી 48 કિ.મી, કંડલાથી 139 કિ.મી. અને મુન્દ્રાથી 195 કિ.મી.નું અંતર થશે. જ્યારે થાનના સિરામિક એકમોથી 49 કિ.મી. દૂર થશે. આ પાર્કથી સિરામિક ઉદ્યોગને વધુ વેગ મળશે.
વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ રાજકોટ સમિટમાં સિરામિક, એન્જિનિયરિંગ એન્ડ મશીન ટુલ્સ વિષયો ઉપર ચર્ચા કરાઈ
આ સમિટમાં ‘‘સિરામિક આઉટલુક: ચેલેન્જીસ, ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ વે ફોરવર્ડ’’ થીમ પર સુદીપ્ત સાહા, એચ. એલ. રાય, પર્વેશ અગ્રવાલ, લલિતમોહન મનોહા દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે એડવાન્સ્ડ સિરામિક: ન્યુ એજ એપ્લિકેશન્સ એન્ડ ફ્યુચર પોટેન્શિયલ થીમ ડો. ટી. કાર્થીક, સંજય સર્વાગી, બી. વી. મનોજકુમાર, ડો. ભાસ્કરપ્રસાદ સાહા, કિંગશુક પોદર દ્વારા પરામર્શ કરવામાં આવ્યો હતો. ‘‘ઇમર્જિંગ ટ્રેન્ડ્સ ઇન એન્જિનિયરિંગ એન્ડ મશીન ટુલ્સ ઇન્ડસ્ટ્રી’’ થીમ અંગે રોહિંટન આર., રાજેન્દ્ર શાહ, અનુપ વાઢવા, નીતિન ઠાકર દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમજ ‘‘ડેવલપિંગ ફ્યુચર-રેડી વર્કફોર્સ ઇન એન્જનિયરિંગ એન્ડ મશીન ટુલ્સ ઇન્ડસ્ટ્રી’’ થીમ વિશે દેબોજ્યોતિ ભટ્ટાચાર્યજી, રાજેશ મંડલીક, અભિષેક પાઠક, વી. સેલ્વરાજ દ્વારા પેનલ ચર્ચા કરાઇ હતી.