રાજ્યની સરકારી મેડિકલ કોલેજો સહિતના 1300થી વધુ તબિબોએ વધુ એક વખત હડતાલનું હથીયાર ઉગામ્યું છે.
જેમાં રાજકોટ પીડીયુ મેડીક્લ કોલેજના 180 તબિબી પ્રોફસેર તેમજ રાજકોટ જીલ્લા અને અન્ય જીલ્લાના પીએચસી, સીએચસીના મેડિકલ ઓફિસરો મળી 350 જેટલા તબિબો પણ આ હડતાલમાં સામેલ થયા છે. અગાઉ પણ તબિબી પ્રોફેસરો અને રાજયભરના પીએચસી, સીએચસી સહિતના તબિબોએ પોતાની લાંબા સમયથી પડતર માંગણીઓનો ઉકેલ લાવવા સરકારને રજૂઆતો કરી હતી અને તેના પડઘા પડતા સરકારે તમામ માંગણીઓનો તત્કાલ ઉકેલ લાવવાની ખાત્રી આપતાં હડતાલ સમેટી લેવામાં આવી હતી.
પરંતુ સરકારની ખાત્રી માત્ર ‘લોલીપોપ’ સાબિત થઇ હોય તેમ લાગતાં આજથી રાજ્યભરના 1300થી વધુ તબીબોએ સરકાર સામે હવે આક્રમક રીતે લડતના મંડાણ કર્યા છે. જેમાં રાજકોટ પીડીયુના અને રાજકોટ જીલ્લાના મળી 350 તબિબો, પ્રોફેસરો સામેલ થયા છે. તે અંતર્ગત આજે પીડીયુ મેડિકલ કોલેજ ખાતે તબિબોએ બેનર્સ સાથે સુત્રોચ્ચાર અને દેખાવો કર્યા હતાં અને પોતાની માંગણી દોહરાવી હતી.