દર અઠવાડિયે કેટલીક ઘટનાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે.
– પરખ ભટ્ટ
તો, ‘ખાસ ખબર’ આપના સમક્ષ ટ્વિટર, વોટ્સએપ, ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધમધોકાર વાયરલ થયેલી પોસ્ટ્સ પ્રસ્તુત..
- Advertisement -
પધારો, વેક્સિન દેવી!
અમેરિકામાં કોરોના વાયરસના કેસ ફરી ધમાકાભેર વધી રહ્યા છે. કેલિફોર્નિયા અને મિશિગન હવે હોટેલ-રેસ્ટોરાંમાં જમણવાર બંધ કરી ચૂક્યા છે. ફિલાડેલ્ફિયામાં પણ મેળાવડા ભરવાની મનાઈ ફરમાવાઈ ગઈ છે. દરરોજ દોઢ લાખ જેટલા સરેરાશ નવા કેસ આખા અમેરિકામાં જોવા મળી રહ્યા છે. શિકાગો પણ લોકડાઉન ભણી આગળ વધી રહ્યું છે. બીજી બાજુ, ભારતમાં દિલ્હી પણ આંશિક લોકડાઉન લાગુ પડે તેવી નોબત આવી છે. ગુજરાતમાં પણ અમદાવાદ, રાજકોટ અને સુરત ખાતે કેસમાં વધારો નોંધાયો છે. હાલ, જે પ્રકારના કર્ફ્યૂ ગુજરાતમાં લાદવામાં આવ્યા છે, એ લોકડાઉનથી કમ થોડા છે? અગત્યની વાત એ પણ છે કે, ફાઇઝર કંપનીની વેક્સિનની અસરકારકતા 95 ટકા સુધીની છે, તે પ્રયોગોમાં પૂરવાર થઈ ચૂક્યું છે. મોદીસાહેબે આવનારા અઠવાડિયાઓમાં વેક્સિન પહોંચાડવાનું મોટું એલાન પણ કરી દીધું છે. અનેક દેશોએ અબજો વેક્સિનના ઑર્ડર આપી દીધા છે. બ્રિટનમાં તો 91 વર્ષના વૃદ્ધા માર્ગારેટ કિનનને વેક્સિનનો ડોઝ અપાઈ પણ ગયો. સમગ્ર વિશ્વમાં તેઓ પહેલા એવા સામાન્ય મહિલા છે, જેમને વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે. ફાઇનલી, રસી આવી રહી છે મિત્રોંઓઓઓ..!
અલે બાબા, ક્યા કલ લહે હો? અનુશ્રુત કે બાલ મત કાટો!

આપણે સૌ નાનપણમાં વાળંદ પાસે વાળ ન કપાવવા માટે ઘણા ધમપછાડા કર્યા છે. કેટલાક હોંશિયારોએ તો તાવ અથવા અશક્તિનું બહાનું કાઢીને મમ્મી-પપ્પાને મનાવી પણ લીધા હશે. મોટેભાગે મહિનાના પહેલા અથવા છેલ્લા રવિવારે વાળંદ પાસે જવાની વાતથી જ આપણે ગભરાઈ જતાં હતાં. તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક એવો વીડિયો વાયરલ થયો, જેણે સૌકોઈ ભારતીયોને પોતપોતાનું બચપણ યાદ અપાવી દીધું. ત્રણેક વર્ષના એ બચ્ચાનું નામ: અનુશ્રુત! દેખાવે એકદમ ગોળમટોળ. કાલીઘેલી ભાષા અને આંખમાંથી દડદડ વહેતાં આંસુ. અનુશ્રુત રડતો જાય ને પોતાની ભાષામાં વાળંદને કહેતો જાય, ‘અરે બાબા.. અનુશ્રુત કે બાલ મત કાંટો. ઐસા ક્યોં કર રહે હો? મૈં બહુત ગુસ્સા હૂં. મૈં તુમ્હેં મારૂંગા. મૈં તુમ્હારી કટિંગ કરૂંગા!’ સોશિયલ મીડિયા પર આ વીડિયો એટલી હદ્દે વાયરલ થયો કે તન્મય ભટ્ટ, શ્રદ્ધા ડાંગર સહિતના કલાકારોએ પોતપોતાના અકાઉન્ટમાં તે અપલોડ કર્યો. અનુશ્રુત અને તેનો વાળંદ રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બની ગયા.
- Advertisement -
લક્ષ્મી બાદ રામસેતુને કારણે અક્ષયનો ક્ષય!


લક્ષ્મી બોમ્બ ફિલ્મને કારણે પહેલેથી જ વિવાદમાં ઘેરાયેલા અક્ષયકુમારે દિવાળી પર એક નવી ફિલ્મ અંગે જાહેરાત કરી: રામસેતુ! ઘણો જ રસપ્રદ કહી શકાય તેવો વિષય. પરંતુ સોશિયલ મીડિયાને ફિલ્મના પોસ્ટર સામે વાંધો પડી ગયો. ફિલ્મની ટેગલાઇન છે: કલ્પના કે હકીકત? આ ત્રણ શબ્દો સામે એમને એટલો બધો વાંધો પડી ગયો કે અક્ષયકુમાર વિરૂદ્ધ નવું ‘બહિષ્કાર’ કેમ્પેઇન શરૂ થઈ ગયું. લોકોનું કહેવું છે કે, ફિલ્મ-મેકર રામસેતુને કલ્પના કહી જ કેવી રીતે શકે? અરે, પણ ભાઈ. પહેલા ફિલ્મ આવવા તો દો, પછી નક્કી કરજો કે વિરોધ કરવો છે કે નહીં.

કશું જ જાણ્યા-સમજ્યા-વિચાર્યા વગર ઝંડા લઈને નીકળી પડવાનો કોઈ અર્થ ખરો? વાસ્તવમાં, ફિલ્મના પોસ્ટર પરથી સ્પષ્ટ દેખાઈ આવે છે કે અક્ષયકુમાર આર્કિયોલોજિસ્ટની ભૂમિકામાં છે. ફિલ્મના મેકર્સ પણ અત્યંત અભ્યાસુ છે. અરૂણ ભાટિયા અને વિક્રમ મલ્હોત્રા તેના નિર્માતા છે, જ્યારે અભિષેક શર્મા ડિરેક્ટર! ક્રિયેટિવ પ્રોડ્યુસર ધર્મગ્રંથોના અભ્યાસુ એવા ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી જોડાયા છે, એવામાં ફિલ્મ આડે રસ્તે ફંટાય એવી શક્યતાઓ નહીવત છે.
મોનોલિથ એલિયન પ્રજાતિનું કારસ્તાન?

ગયા મહિનાના આખરી સપ્તાહમાં એક વિચિત્ર ઘટના યુટાહમાં બની. અમેરિકાની વાઇલ્ડલાઇફ એજન્સીને 10-12 ફૂટ ઊંચો મોનોલિથ મળી આવ્યો, જેને યુટાહની એ વેરાન જગ્યા પર કોણ લાવ્યું એ વિશે કોઈ માહિતી નહોતી. ધાતુની ઉભી પ્લેટ જેવો દેખાતો ત્રણ બાજુ ધરાવતો આ મોનોલિથના અસ્તિત્વ બાબતે હજુ આશ્ચર્ય શમ્યું નહોતું, એટલામાં થોડા જ દિવસોની અંદર એ મોનોલિથ યુટાહમાંથી ગાયબ થઈ ગયો. યુટાહના એ વેરાન વિસ્તારમાં કડક ચોકીપહેરો હોવા છતાં આવડા મોટા મોનોલિથને ત્યાંથી કોણ ખસેડી ગયું? એ રહસ્ય હજુ પણ અકબંધ છે. ત્યારબાદ કેલિફોર્નિયા અને રોમાનિયામાં પણ આવા મોનોલિથ દેખાયા. વૈજ્ઞાનિકો પાસે તેનો કોઈ જવાબ નથી. કેટલાક લોકોનું કહેવું છે કે મોનોલિથ એ વાસ્તવમાં એલિયન દ્વારા બેસાડવામાં આવ્યા હોવા જોઈએ. પરંતુ તે વાતને ટેકો આપતી કોઈ થિયરી હજુ વિજ્ઞાન પાસે નથી. સોશિયલ મીડિયા પર તે અંગેના મીમ્સ બહુ જ ચગ્યા છે. ભારતમાં અગર આવા મોનોલિથ દેખાય તો લોકો તેનો શો ઉપયોગ કરે, એ બાબતે પણ ઘણી ટીખ્ખળ ચાલી રહી છે. મહત્વની વાત એ છે કે, આ અઠવાડિયે સ્પેસ એક્સ કંપનીના માલિક એલન મસ્કએ પણ એલિયન-મેસેજ ડિકોડ કરીને પોતાના ટ્વિટર પર મૂક્યો છે, જે કહે છે: પપૃથ્વીના દ્વાર ખોલી આપવા બદલ ધન્યવાદ! શું ખરેખર એલિયન્સ આપણી ધરા પર પગ મૂકી ચૂક્યા છે?
જગતના તાતની તાકાત

કૃષિ કાયદા વિરૂદ્ધ ચાલી રહેલાં કિસાનોનો વિરોધ હવે રાજકીય સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે. બ્રિટન, અમેરિકા, કેનેડા જેવા મોટા મોટા દેશોમાં પણ તેના પડઘા સંભળાયા છે. સોશિયલ મીડિયા પર છેલ્લાં કેટલાય અઠવાડિયાથી આ જ મુદ્દો હોટ-ટોપિક બન્યો છે. 8મી ડિસેમ્બરના રોજ થયેલાં નભારત-બંધ-ના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. પરિસ્થિતિ એવી છે કે, સરકાર હવે ઝૂકે તો નબળી દેખાય એમ છે. બીજી બાજુ, ખેડૂતો પણ નમતું જોખવા તૈયાર નથી. વાટાઘાટના તમામ દરવાજા બંધ કરી ચૂકેલાં ખેડૂતોની એક જ માંગ છે: કાયદો રદ્દ કરો! આવામાં કોંગ્રેસ, બસપા સહિતની રાજકીય પાર્ટીઓ પોતાના અંગત લાભ માટે ખેડોઓતોના ખભે બંદુક રાખીને ગોળી મારી રહી છે. બોલિવૂડ સેલિબ્રિટી પણ આમાં સામેલ થઈ ચૂક્યા છે. પ્રિયંકા ચોપરા, દિલજિત દોસાંજ, કંગના રનૌત વગેરેની ટિપ્પણીઓથી વાતાવરણમાં ગરમાટો પ્રસરી ગયો છે. જોવાનું એ રહ્યું કે સરકાર કયો મધ્યસ્થી માર્ગ અપનાવીને આ મુદ્દા પર પૂર્ણવિરામ મૂકે છે!


