પોલીસ હેડકવાર્ટર ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા શસ્ત્રપૂજન
ખાસ-ખબર સંવાદદાતા
અસત્ય પર સત્યની જીત, અધર્મ પર ધર્મની જીતના પર્વ દશેરાની દેશભરમાં ભવ્ય ઉજવણી થઇ રહી છે. દશેરાના પાવન દિવસે શસ્ત્ર પૂજનની પરંપરા છે. ત્યારે સુરત પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહી સુરત પોલીસ કમિશનર સાથે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રનું પૂજન કર્યું હતું. શસ્ત્ર પૂજન કર્યા બાદ હર્ષ સંઘવીએ રાજ્યમાંથી ઝડપાઈ રહેલા ડ્રગ્સને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું.
- Advertisement -
’ડ્રગ્સના રાવણને સળગાવવા પોલીસે દશેરાની રાહ નથી જોઈ’
સુરત પોલીસ હેડ ક્વાર્ટર શસ્ત્ર પૂજન કર્યા બાદ હર્ષ સંઘવીએ સૌથી પહેલા તો સમગ્ર ગુજરાતવાસીઓને દશેરાના પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. જે બાદ રાજ્યમાં મળતા ડ્રગ્સ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સરૂપી રાવણને સળગાવવા માટે પોલીસે દશેરા સુધી રાહ નથી જોઈ. ગુજરાત પોલીસે માત્ર ગુજરાતની ધરતી પર જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોના અનેક શહેરોમાંથી ડ્રગ્સરૂપી રાવણને પકડવાની અને સળગાવવાની કામગીરી કરી છે. અમે ડ્રગ્સની સામે અભિયાન નથી ચલાવતા, અમે એક જંગ છેડી દીધી છે. ડ્રગ્સને સંપૂર્ણરીતે સાફ કરીને જ આ જંગ બંધ કરીશું તેવી હું બધાને ખાતરી આપું છું. ડ્રગ્સ સામેની લડાઈમાં અમે જીત મેળવીને રહીશું.
કાયદામાં રહેશે તો જ ફાયદામાં રહેશે: ગૃહ રાજ્યમંત્રી
ગુજરાતમાં તમામ લોકોએ કાયદામાં જ રહેવું પડશે અને કાયદાની બોર્ડરને કોઈ ઓળંગશે તો જરૂરથી નુકસાન થશે. એટલે આ વર્ષે પણ હું કહું છું કે કાયદામાં રહેશે તો જ ફાયદામાં રહેશે. કાયદો તોડનાર દરેકને જ્યાં સુધી સજા ન થયા ત્યાં સુધી ગુજરાત પોલીસ તેની પાછળ જ રહેશે.