બાઇડને કહ્યું-પહેલા બંધકોને છોડો, પછી યુદ્ધવિરામ પર વાતચીત થશે
ખાસ-ખબર સંવાદદાતા
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો આજે 18મો દિવસ છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મંગળવારે ઈઝરાયલ પહોંચ્યા હતા. અહીં તેઓ પીએમ નેતન્યાહૂને મળ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન, મેક્રોન યુદ્ધને રોકવા માટે એક અલગ પેલેસ્ટિનિયન રાજ્ય બનાવવાની માગ કરશે તેવું જાણવા મળી રહ્યું છે. મેક્રોન પશ્ર્ચિમ કાંઠે ઇઝરાયલના કબજાને હટાવવાનો મુદ્દો પણ ઉઠાવશે.
- Advertisement -
અલ-જઝીરા અનુસાર, સોમવારે ગાઝામાં ઇઝરાયલના હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા 5,087 પર પહોંચી ગઈ છે. ગાઝામાં છેલ્લા 24 કલાકમાં લગભગ 436 લોકોએ જીવ ગુમાવ્યા છે. સોમવારે ઇઝરાયલે અલ-શાતી રેફ્યુજી કેમ્પ પર હુમલો કર્યો હતો, જેમાં ઘણી મહિલાઓ અને બાળકોનાં મોત થયાં હતાં.
સોમવારે રાત્રે હમાસે બે ઇઝરાયલી મહિલા બંધકોને છોડી હતી. 79 વર્ષીય નુરીટ કૂપર અને 85 વર્ષીય યોચેવેડ લિફશિટ્ઝનું કિબુત્ઝ બિરીમાંથી હમાસના આતંકીઓએ અપહરણ કર્યું હતું. હમાસે કહ્યું- બંને મહિલાઓને માનવતાવાદી અને સ્વાસ્થ્યનાં કારણોસર મુક્ત કરવામાં આવી છે. તેલ અવીવમાં તપાસ બાદ બંને મહિલાઓ સ્વસ્થ છે. સોમવારે ઇઝરાયલે કહ્યું હતું કે હમાસે લગભગ 222 લોકોને બંદી બનાવી લીધા છે. યુએસ પ્રમુખ બાઇડને બંધકોને મુક્ત કરવાના હમાસના નિર્ણયને આવકાર્યો હતો. તેમણે કહ્યું- હમાસ પહેલા તમામ બંધકોને મુક્ત કરે અને ત્યાર બાદ જ યુદ્ધવિરામ પર ચર્ચા કરવામાં આવશે.
ગાઝા સુધી માનવતાવાદી સહાયતા પહોંચાડવી મહત્ત્વપૂર્ણ: બાઇડન
ઇઝરાયલે સોમવારે પશ્ર્ચિમ કાંઠે અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ઘણા પેલેસ્ટિનિયનોની ધરપકડ પણ કરવામાં આવી છે. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડને ઇઝરાયલના પીએમ નેતન્યાહુ સાથે ફોન પર વાત કરી હતી. તેમણે ગાઝા સુધી પહોંચવાનું ચાલુ રાખવા માટે માનવતાવાદી સહાયની જરૂરિયાત પર ભાર મૂક્યો.