ફ્રેન્ચાઇઝીના સ્વાર્થને કારણે ટીમ ઇન્ડિયાને નુકસાન?

  • નિલેશ દવે

IPL ચાલુ હોય અને તમામ ટીમોએ લગભગ બધી મેચ રમી લીધી હોય અને છેલ્લા તબક્કામાં હોવા છતાં કોઈ ટીમ પ્લે ઓફમાં પહોંચશે એ નક્કી ન હોય ત્યારે સામાન્ય રીતે લોકોમાં એ ચર્ચા જોર પકડતી હોય છે કે કઈ ચાર ટીમ પ્લે ઓફમાં આવશે અને કઈ ટીમ આઈપીએલ જીતશે, પરંતુ તેને બદલે હાલ જે ચર્ચા જોર પર છે એ છે કે સ્ટાર ખેલાડી રોહિત શર્મા ઓસ્ટ્રેલિયાના પ્રવાસપર જશે કે નહીં? જે દિવસે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ તે દિવસથી જ આ મુદ્દે વિવાદ ચાલુ થઈ ગયો છે, કેટલાક લોકો વિરાટ કોહલી અને રોહિત શર્મા વચ્ચે અટંસ હોવાની અટકળો લગાવે છે તો કેટલાક લોકો સૌરવ ગાંગુલી અને બીસીસીઆઈ સામે આંગળી ચીંધી રહ્યા છે, પરંતુ મુંબઈ ખાતેના ક્રિકેટના સૂત્રો કંઈક અલગ જ વાત કરી રહ્યા છે અને જો તેમની વાત સાચી હોય તો તે ભારતીય ક્રિકેટ માટે જોખમી છે. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે જ્યારે ટીમની પસંદગી કરવા માટે રાષ્ટ્રીય પસંદગીકારોની બેઠક શરૂ થઈ એ પહેલાં બીસીસીઆઈ સાથે સંલગ્ન તમામ કોન્ટ્રેક્ટેડ ખેલાડીઓના ફિટનેસ રિપોર્ટ બોર્ડના ફિઝિયો નીતિન પટેલ પાસે પસંદગીકારોએ માગ્યો હતો. આઈપીએલની શરૂઆતથી જ ખેલાડીઓની ફિટનેસ પર નજર રાખવા માટે નીતિન પટેલે દુબઈમાં ડેરો જમાવ્યો છે. આઈપીએલ દરમિયાન જો કોઈ ખેલાડીને ફિટનેસ સંબંધી કોઈ પણ ઈશ્યૂ થાય તો તેનો તરત જ નિકાલ કરીને તે ખેલાડીની ટીમ ઈન્ડિયાના પ્રવાસ માટે ફીટ કરી દેવો તે જવાબદારી બીસીસીઆઈએ નીતિન પટેલને સોંપી છે અને તે જવાબદારી તે પૂરી પણ કરી રહ્યા છે. તો રોહિત શર્માને મામલે ચૂક ક્યાં થઈ ગઈ? મુંબઈના સૂત્રોના અહેવાલ પ્રમાણે આઈપીએલની શરૂઆત પહેલા જ રોહિત શર્માને હેમસ્ટ્રીંગની સમસ્યા હતી. એ સમયે સમસ્યા એટલી ગંભીર ન હતી, પરંતુ તેનો ઈલાજ કરવો અને રોહિતને આરામ આપવાની જરૂર હતી, પરંતુ એ સમયે મુંબઈ ઇન્ડિયન્સ રોહિત શર્માને ગુમાવવા તૈયાર ન હતી. મુંબઈ ઇન્ડિયન્સ ચાર વખત આઈપીએલ જીતી ચૂકી છે અને ચારેમાં રોહિતનો ફાળો મોટો છે. પાંચમી વખત આ સ્પર્ધા જીતવા માટે રોહિતની મુંબઈ ઈન્ડિયન્સને ખૂબ જરૂર હતી એ હકીકત છે. આથી ઈજા સાથે જ મુંબઈએ રોહિતને રમાડવાનું ચાલુ રાખ્યું. જે સમયે મુંબઈ લગભગ પ્લે ઓફ માટે નક્કી થઈ ગઈ ત્યાર પછી જ રોહિતને આરામ આપવામાં આવ્યો. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સના મેનેજમેન્ટે ટીમ ઈન્ડિયાના ફિઝિયો નીતિન પટેલને અંધારામાં રાખ્યા હોવાનું સૂત્રો જણાવે છે. હવે જ્યારે ઓસ્ટ્રલિયાના પ્રવાસ માટે ટીમની જાહેરાત કરવાનો સમય આવ્યો ત્યાં સુધીમાં રોહિતની ઈજા ગંભીર બની ગઈ હતી. નીતિન પટેેલે ત્યાર બાદ રોહિતના રિપોર્ટ અન્ય બે સ્પેશિયાલિસ્ટોને બતાવ્યા ત્યારે તેમણે પોતાના અહેવાલમાં એમ લખ્યું કે રોહિતને ટિયર-2 હેમસ્ટ્રીંગ ઈંજરી છે અને તેને સંપૂર્ણ રિકવર થતાં ચારથી છ મહિનાનો સમય લાગી શકે તેમ છે. આ અહેવાલ બાદ બીસીસીઆઈએ જાહેર કરવું જરૂરી હતું કે શું તેઓ રોહિતને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે લઈ જશે અને ત્યાં ગયા બાદ તેની ઈજાનું એસેસમેન્ટ કરશે? કે તેને બેંગલોર સ્થિત ક્રિકેટ એકેડમીમાં મોકલાશે યા જ્યાં સુધી ફિટ ન થાય ત્યાં સુધી પડતો મૂકાશે? આ કોઈ ખુલાસો ન થતાં પસંદગીકારોએ ત્રણેય ફોરમેટમાંથી રોહિતની બાદબાકી કરી, જોકે આમ કરવામાં પસંદગીકારોએ એક ભૂલ કરી કે તેમણે હાલની પરિસ્થિતિમાં વાઈસ કેપ્ટનની જાહેરાત કરવાની જરૂરત ન હતી, વળી જે દિવસે ટીમની જાહેરાત કરાઈ એ જ દિવસે મુંબઈ ઇન્ડિયન્સે એક વીડિયો રિલીઝ કર્યો જેમાં રોહિતને પ્રેક્ટિસ કરતો દેખાડવામાં આવ્યો હતો. આને લઈ બીજે જ દિવસે સુનિલ ગાવસકરે પણ ટિપ્પણી કરી કે જો રોહિત આઈપીએલમાં પાછો રમતો દેખાશે તો શું તે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે કે નહીં આનો જવાબ કોણ આપશે? અને આ વિવાદનો જન્મ થયો.
આ બધા વિવાદની વચ્ચે સૌથી વધુ ખરાબ હાલત ભારતીય ટીમના ફિઝિયો નીતિન પટેલની થઈ છે. તેમની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી છે કેમ કે ભારતીય ટીમના ફિઝિયો બન્યા એ પહેલાં નીતિન પટેલ મુંબઈ ઇન્ડિયન્સના ફિઝિયો હતા અને સ્વાભાવિક છે કે જે ફ્રેન્ચાઈઝી સાથે તમે કોઈ પણ રીતે વર્ષો સુધી જોડાયેલા હો તો તમારા સંબંધ જે તે ફ્રેન્ચાઈઝી સાથે સારા હોય, આને કારણે નીતિન પટેલ તરફ પણ શંકાની સોય જઈ રહી છે, પરંતુ તે વાતમાં દમ એટલા માટે ઓછો હોય તેવું લાગે છે કેમ કે આઈપીએલ કરતાં નીતિન પટેલને ભારતીય ટીમની ચિંતા વધુ હોય અને એટલે જ તે દુબઈમાં બાજનજર રાખીને બેઠા છે. આ સમગ્ર વિવાદનું મૂળ ફ્રેન્ચાઈઝીઓની નીતિ છે. તમામ ફ્રેન્ચાઈઝી કે ટીમો આઈપીએલને એટલી ગંભીરતાથી લે છે કે ભારતીય ટીમનો પણ ઈન્ટરેસ જળવાય તેવું તેવો વિચારી જ નથી શકતાં. આઈપીએલની શરૂઆતની મેચોમાં જ રોહિતને આરામ અપાયો હોત તો કદાચ અત્યારે એની ઈજા જેટલી ગંભીર છે તેટલી વકરી ના હોત, વળી એ સમય દરમિયાન એની સારવાર કરાઈ હોત તો કદાચ રોહિત ભારતના ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ શકત. ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં જો ભારત હારશે તો શું આ ફ્રેન્ચાઈઝીઓ કે જે આઈપીએલ માટે થઈને ટીમ ઈન્ડિયાનો વિચાર નથી કરતી તેની સામે બીસીસીઆઈ શું પગલાં લેશે?