લક્ષ્મણ જ્યારે મૂર્છીત થઈ ગયા ત્યારે લંકાના જે વિખ્યાત વૈદ્યને હનુમાનજી ઉઠાવી લાવ્યા હતા, તેનું નામ હતું : સુષેણ
હમણાં અચાનક જ હાથમાં એક રસપ્રદ હિન્દી પુસ્તક આવી ગયું. તેમાં રામાયણને લગતી અલગ-અલગ હજારેક જેટલી રોચક માહિતી છે. આપણે તેમાંથી કદાચ પચાસ-સો વાતોથી પરિચિત હોઈશું, પરંતુ નેવું ટકા વાતો તો અત્યંત ઓછી જાણીતી અને રસપ્રદ છે. કોઈ પ્રકરણ નામો વિશે છે તો કોઈ આંકડાઓ અંગે તો કોઈ સંબંધો અંગે છે. ‘1000 રામાયણ પ્રશ્ર્નોત્તરી’ નામનાં આ પુસ્તકમાં લેખક રાજેન્દ્ર પ્રતાપસિંહ છે. તેમને થેન્કસ કહીને પુસ્તકમાંની માહિતી વિશે વાત કરીએ.
પ્રથમ પ્રકરણ છે, નામ વિશે. રાવણે સીતાનું હરણ જેમાં કર્યું એ વિમાનનું નામ પુષ્પક હતું- એ બધાને ખ્યાલ છે. પરંતુ શું આપણે એ જાણીએ છીએ કે, લક્ષ્મણ જ્યારે મૂર્છીત થઈ ગયા ત્યારે લંકાના જે વિખ્યાત વૈદ્યને હનુમાનજી ઉઠાવી લાવ્યા હતા, તેનું નામ શું હતું? એમનું નામ હતું : સુષેણ. અચ્છા, રાજા જનકનું સાચું નામ શું હતું? જવાબ છે: સિરધ્વજ. સવાલો અનેક છે: એ ગુપ્તચરનું નામ શું હતું- જેનાં કહેવાથી રામે સીતાનો ત્યાગ કર્યો હતો? એનું નામ: દુર્મુખ. શ્રીરામે જે તીર્થમાં ડૂબકી લગાવી મહાપ્રયાણ કર્યું એનું નામ હતું, ગોપ્રતાર. મહર્ષિ વિશ્ર્વામિત્ર ઋષિ બન્યા એ પહેલાં વિશ્ર્વરથ નામે ઓળખાતાં. વાલી અને સુગ્રિવનાં પિતાનું નામ: ઋક્ષરાજ. રાજા જનકનાં પુરોહિતનું નામ હતું, શતાનંદ.
હવે થોડો કપરો પ્રશ્ર્ન : શ્રીરામે જે વૃક્ષની આડશ લઈને વાલીનો વધ કર્યો હતો, એ વૃક્ષ કયુ? જવાબ છે: સાલ વૃક્ષ. રાજા જનકનાં નાના ભાઈનું નામ શું હતું? ઉત્તર છે, કુશધ્વજ. સમુદ્ર મંથનમાંથી જે અશ્ર્વ નીકળ્યો હતો તેનું નામ ભાગ્યે જ કોઈ જાણતું હશે. તેનું નામ ઉચ્ચૈશ્રવા. અશોક વાટિકામાં સીતાને રખાયા હતા એ પણ આપણને બધાને ખ્યાલ છે પરંતુ આ ઉદ્યાનનું બીજું એક નામ પણ હતું, ખ્યાલ છે? એ નામ એટલ: પ્રમદાવન.
મહર્ષિ વાલ્મિકીનું નાનપણનું નામ રત્નાકર હતું. લંકા દહન કર્યા બાદ હનુમાનજી જે પર્વત પર ચડીને સમુદ્ર ઓળંગીને આવ્યા હતા તેનું નામ હતું: અરિષ્ટ. વશિષ્ટ ઋષિની ગાયનું નામ હતું, સુરભી. કુબેરનો સેનાપતિ કોણ હતો? એ હતો- મણિભદ્ર. વિભિષણના એક દાસે પક્ષીનું રૂપ ધારણ કરીને લંકાની સૈન્યશક્તિની માહિતી મેળવી હતી. એ દાસ એટલે, અનલ. રાવણનું નામ પૂર્વજન્મમાં પ્રતાપભાનુ હતું. સમુદ્ર મંથનમાંથી જે મણી પ્રાપ્ત થયો તેનું નામ છે, કૌસ્તુભ. કુબેરના હાથીનું નામ: હિમપાંડુ. યમનાં હાથીનું નામ, મહાપદ્મ. વરૂણ દેવતાનાં હાથીનું નામ: સૌમનસ. શ્રીરામે અશ્ર્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો એ જાણીતી વાત છે. પણ આ યજ્ઞનાં અશ્ર્વનાં મસ્તક પર જે પત્ર બાંધવામાં આવતો- તેનું નામ શું? તેનાં માટેનો ખાસ શબ્દ છે: જયપત્ર.
- Advertisement -
રામાયણનો સૌથી નાનો કાંડ છે, અરણ્યકાંડ અને સૌથી મોટો યુદ્ધકાંડ
રામાયણમાં જે નગરીનું નામ લવપુર છે, એ જ હાલનું લાહૌર
રામાયણમાં યુદ્ધનાં અનેક વર્ણનો છે. પરંતુ શું આપણે જાણીએ છીએ કે, શત્રુ દ્વારા છોડવામાં આવેલા શસ્ત્રને નાકામ કરવાની વિધિનું નામ શું છે? એ છે: રભસ. અલગ પ્રકારનો પ્રશ્ર્ન : એ રાક્ષસનું નામ શું હતું, જેણે સીતાની હત્યા ન કરવા રાવણને સમજાવ્યો હતો? જવાબ છે: સુપાર્શ્ર્વ. રામાયણનો સૌથી નાનો કાંડ છે, અરણ્યકાંડ અને સૌથી મોટો યુદ્ધકાંડ. રાવણે સુગ્રિવ પાસે મોકલેલા દૂતનું નામ હતું, શુક. ગેરૂ સમાન લાલ વર્ણ ધરાવતા વાનર સેનાપતિનું નામ હતું, ગવય. ચાંદી જેવા ચળકતા વર્ણવાળા વાનર સેનાપતિનું નામ હતું, શ્ર્વેત. સગ્રિવના મંત્રીનું નામ હતું, પ્રભાવ.
રામાયણમાં જે નગરીનું નામ લવપુર છે, એ જ હાલનું લાહૌર. રામાયણમાં મધુપુરી તરીકે જેનું વર્ણન છે- એ આજનું મથુરા. ઈન્દ્રનાં ઉદ્યાનનું નામ: નંદન. ઈન્દ્રનાં સારથિનું નામ: માતલી.
અચ્છા, રાવણ તો પરમ શિવભક્ત હતો- પરંતુ મેઘનાદ જે દેવીની પૂજા કરતો હતો, એ દેવી એટલે: નિકુંભિલા. હનુમાનજીના માતા પૂર્વજન્મમાં એક અપ્સરા હતા. ત્યારે તેમનું નામ હતું : પુંજિકસ્થલા. લક્ષ્મણની મૂર્ચ્છા દૂર કરવા હનુમાનજી સંજીવની બુટી લેવા ગયા અને આખો પર્વત ઉઠાવી લાવ્યા. એ પર્વત એટલે દ્રોણગિરિ. મંથરાનું એક નામ કુબ્જા પણ હતું. લંકામાં રાક્ષસોનાં કુળદેવતાનું સ્થાનક હતું, એ ચૈત્ય પ્રાસાદ તરીકે ઓળખાતું હતું. વનવાસમાં ગયેલા રામ-સીતાને પરત અયોધ્યા લાવવા ભરત જે નૌકામાં ગયા તેનું નામ હતું- સ્વસ્તિક. આજની બિયાસ નદી એટલે રામાયણ કાળની વિપાશા નદી. ઉત્તર કુરૂ પ્રદેશમાં કુબેરનું એક અદ્વિતિય ઉદ્યાન હતું. નામ: ચિત્રરથ.
રાવણનાં શૌર્યની આપણે બહુ કથાઓ સાંભળી- વાંચી છે. પરંતુ સહસ્ત્રાર્જુને તેને હરાવી- બંદી બનાવીને જેલમાં ધકેલી દીધો હતો. બાદમાં રાવણનાં પિતાએ ખૂબ વિનંતી કરી તેથી તેને મુક્ત કર્યો. વાલીએ પણ છ-છ મહિના સુધી રાવણને પોતાની બગલમાં દબાવી રાખ્યો હતો. રાવણની તપશ્ર્ચર્યા વિશે તો આપણે ઘણું વાંચ્યું છે, પરંતુ શું એ ખ્યાલ છે કે વિભિષણે પાંચ હજાર વર્ષ સુધી એક પગ પર ઊભા કરીને તપ કર્યું હતું? શ્રીરામનાં રાજ્યાભિષેક માટે પાંચસો નદીઓનું જળ કોણ લાવ્યું હતું? જવાબ: જાંબુવંત. એક ઋષિ એવા પણ હતા જે ભયંકર ગુસ્સામાં આવી ગંગાનું સમસ્ત જળ પી ગયા હતા. નામ: જહનું. રાજકુમાર પુરુએ પોતાનાં પિતાની આજ્ઞાથી પિતાનું વૃદ્ધત્વ ગ્રહણ કરીને પોતાનું યૌવન પિતાને આપી દીધું હતું. તમને ખ્યાલ છે, રાવણે સ્વયં યમરાજ સામે પણ યુદ્ધ કર્યું હતું! રામ-લક્ષ્મણે રાક્ષસ વિરાધનો વધ કરીને જમીનમાં દાટી દીધો હતો.અયોધ્યાનાં એ ક્યા પ્રતાપી રાજા હતા- જેમનાં પુત્રોએ પૃથ્વી વિંધી નાંખી હતી? એ રાજા એટલે- સગર. રામાયણમાં એક પાત્ર એવું પણ છે- જેણે શિરનાં જોરે તપસ્યા કરી હતી. એ પાત્ર એટલે શંબુક. એ કોણ હતો જેણે સોળ હજાર સ્ત્રીઓને બંદી બનાવીને રાખી હતી અને એક લાખ સ્ત્રી સાથે લગ્ન કરવા માંગતો હતો? એ હતો દુંદુભી. રાવણ અને યમરાજ વચ્ચેનાં યુદ્ધની વાત તો આપણ કરી. પણ વધુ એક વિગત એ છે કે, રાવણનાં ડરથી તેણે કાગડાંનું રૂપ ધારણ કરી લીધું હતું. એક પાત્ર એટલે અતિરથિ. એ દસ હજાર મહારથીઓ સામે એકલાં હાથે યુદ્ધ કરવા સમર્થ હતો. અને હા…. પેલા રાજકુમાર પુરુએ પોતાનું યૌવન પિતાને આપ્યું હતું- એ પિતા એટલે યયાતિ!
(આવતીકાલે બીજો લેખાંક)