ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના આગેવાનો સાથે વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીની બેઠક થઇ હતી
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાજ્યમાં સીએનજીના ભાવ વધતા રીક્ષા ચાલકોની હાલત કફોડી બની ગઈ છે, જેને લઈ આ પહેલા અમદાવાદમાં હડતાલની જાહેરાત થઈ હતી જોકે, રીક્ષા ચાલકોના સંગઠનોમાં ફાંટા પડી જતા હડતાલનો ફિયાસ્કો થયો હતો. ત્યારે અગાઉથી રીક્ષા ચાલકોના પ્રશ્ને રાજ્યભરમાં લડત આપતા ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનના પ્રયાસોથી ફેડરેશનના હોદ્દેદારો સાથે વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ બેઠક યોજી હતી, રીક્ષા ફેડરેશનના આગેવાનના જણાવ્યા મુજબ સીએનજીમાં રીક્ષા ચાલકોને સબસિડી આપવા મંત્રી પૂર્ણેશ મોદીએ ખાતરી આપી હતી અને સરકાર આ અંગે વિચારણા કરી ટૂંક સમયમાં નિર્ણય લેશે તેમ કહ્યું હતું.
ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનના પ્રમુખ જયંતિભાઈ પ્રજાપતિએ સાંજ સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદી સાથે તેમના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને બેઠક થઈ હતી. બેઠકમાં તેમના સહિત ગુજરાત રાજ્ય ઓટો રિક્ષા ફેડરેશનના ઉપપ્રમુખ ભરતસિંહ તેમજ ઇતિયાઝ લગા, રાજ્યના જુદા જુદા રીક્ષા એસો.ના આગેવાનો અને ફેડરેશનની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી.
ચાર મુદ્દાની માંગ હતી, જેના ઉપર ચર્ચા થઈ હતી. જેમાં સીએનજીને જીએસટીમાં લાવવામાં આવે, સીએનજી ઉપર રિક્ષા ચાલકોને સબસિડી આપવામાં આવે, સીએનજીમાંથી એક્સાઇઝ ડ્યુટી કે વેટ ઘટાડવામાં આવે, અથવા રિક્ષા ભાડામાં વધારો કરવામાં આવે.
- Advertisement -
વધુમાં જયંતિભાઈએ જણાવ્યું કે, વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ ભાઈ મોદીએ બાંહેધરી આપી કે આ ચાર મુદ્દા પર આગળ ચર્ચા વિચારણા કરી સીએનજીના ભાવ વધારાને લઈ ટૂંક સમયમાં નિરાકરણ લાવવામાં આવશે. તેમજ રીક્ષા ચાલકોને સીએનજીમાં સબસીડી મળે તે અંગે ખાતરી આપી હતી.