વિશ્ર્વામિત્રી નદીના પૂરના પાણીનું સંકટ ટળ્યા બાદ હવે મહાકાય મગરોની લટારનું સંકટ ઊભું
વડોદરામાં મગરોએ રાત માથે લીધી, એક બંગલાના કમ્પાઉન્ડમાં 12 ફૂટનો મગર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વડોદરામાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે મગરોએ તંત્ર તેમજ લોકો માટે જોખમ વધારી દીધું છે. ગઈકાલે રાતે કલાકોના ગાળામાં જુદા-જુદા વિસ્તારોમાંથી 9 મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પૂરના પાણી ઉતરી ગયા પછી પણ અનેક સ્થળોએ મગરો તેમજ અન્ય જળચરો પાણીમાં પરત ફરતા નથી. પરિણામે મગરો રહેણાંક વિસ્તારોમાં મકાનો સુધી આવી જવાના બનાવો બની રહ્યા છે. જેને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો છે.
ફોરેસ્ટ વિભાગ દ્વારા પણ જીવદયા કાર્યકરોની મદદ થી ત્રણ દિવસથી મગર અને જળચરોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલ સુધી 23 જેટલા મગર અને 80 થી વધુ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. દરમિયાનમાં ગઈ મોડી રાતે જુદા-જુદા વિસ્તારમાં મગરો આવી જવાના બનાવ બનતા 9 મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જે પૈકી જાંબુવાના શુભ બંગ્લોના કમ્પાઉન્ડમાં 12 ફૂટનો મગર આવી જતા તેનું ભારે જહમત બાદ ફોરેસ્ટની ટીમે રેસ્ક્યુ કર્યું હતું.
આ ઉપરાંત ખિસકોલી સર્કલ, ખાસવાડી, નવલખી કુત્રિમ તળાવ, મુજમહુડા, ગુજરાત ટ્રેક્ટર નજીક, જાંબુઆ સહિતના વિસ્તારોમાંથી બીજા આઠ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કમાટીબાગમાં એક મોટો કાચબો આવી જતા તેમને પણ સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યો હતો.
- Advertisement -
વડોદરામાં પુર બાદ પીવાના પાણીના ફાંફા : છાણી અને હરણી ગામના લોકો પાંચ દિવસથી તરસ્યા
વડોદરામાં વિશ્ર્વામિત્રીના પૂરના લીધે લોકોની હાલત કફોડી બની ગઈ છે. એમાં પણ લોકોને પીવાના પાણીના ફાંફા પડી ગયા છે. શહેરના ઉત્તર ઝોનમાં છાણી તથા હરણી ગામના લોકો છેલ્લા પાંચ દિવસથી પાણી પ્રશ્ર્ન પરેશાન છે. વડોદરાના વોર્ડ નંબર એકના કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ આજે પાંચમા દિવસે પણ આ બંને વિસ્તારના નાગરિકોને પીવાના પાણીનું વિતરણ થઈ શકશે નહીં. કારણ કે બંને પાણીની ટાંકીઓ પાણીમાં ગરકાવ થઈ ગયેલી હતી. બંને પાણીની ટાંકીઓનું લોકાર્પણ 2015 માં કરવામાં આવ્યું હતું. આ એ જ 24ડ્ઢ7 ટાંકી છે, જેની મોટા ઉપાડે વાતો કરવામાં આવતી હતી. છાણી પાણીની ટાંકી થી પ્રભાવિત દોઢથી બે લાખની વસ્તી તથા સંપૂર્ણ હરણી ગામ તથા એરપોર્ટ પાછળનો આખો પટ્ટો મળીને ત્રણથી ચાર લાખની વસ્તી પાંચ દિવસથી પાણીની કાગડોળે રાહ જોઈ રહી છે.