વેરાવળની સ્પે. કોર્ટે 10 હજારનો દંડ સાથે સગીરાને 2 લાખની સહાયનો હૂકમ
ખાસ-ખબર સંવાદદાતા
સુત્રાપાડાના પ્રાચીનાં એક ઈસમે તેની સાવકી પુત્રી સાથે અવાર નવાર તેણીની મરજી વિરૂઘ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જે બનાવ અંગે સુત્રાપાડા પોલીસમાં આઇપીસી કલમ મુજબ ગુન્હો નોંધાયો હતો. જેની તપાસ સીપીઆઇ મુસ્તાકઅલી ઉસ્માનભાઈ મસીએ કરી ચાર્જશીટ કોર્ટમાં રજુ કરતા સ્પે. (પોકસો) કોર્ટના જજ કિર્તી જે. દરજીની કોર્ટમાં કેસ ચાલેલ. જેમાં ગીર સોમનાથના ડિસ્ટ્રીકટ પબ્લીક પ્રોસીકયુટર કેતનસિંહ ડી. વાળાએ સમગ્ર કેસનુ પ્રોસીકયુશન ચલાવેલ. જેમાં કેસને સાબિત કરવા માટે ફરીયાદી તથા અન્ય સાહેદો તેમજ પંચ વિટનેસ, ડોકટર, પોલીસ સહિતના સાહેદોને તપાસેલ અને જુબાની દરમ્યાન દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ હતા.આ કેસમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ દલીલ કરતાં જણાવેલ કે, સમાજમાં દીકરીઓ સલામત રહે તે માટે સરકારે સ્પે. પોકસો એકટની જોગવાઈ કરવામાં આવી છે અને સગીરાએ જે જુબાની આપી છે તે જ માત્ર પુરતી છે તેમ છતાં મેડીકલ એવીડન્સ તથા અન્ય સાહદોની જુબાની પણ બનાવને તેમજ ભોગ બનનારની જુબાનીને સમર્થન કરતી જુબાની આપેલી છે તેમજ આરોપી સાવકો પિતા થાય છે.
જેથી સમાજમાં સગીર વયની દિકરીઓ સલામત રહે તે માટે સખ્ત સજા કરવા જણાવતી દલીલો કરી હતી. જેને ધ્યાને લઈ સ્પે. (પોકસો) જજ કિર્તી જે.દરજીએ આરોપી સાવકા પિતાને આઈ.પી.સી. કલમ 376(એ) (બી) તથા 376 (2) (એફ) (એન) મુજબના ગુન્હામાં તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂા.10,000નોદંડ ફટકારી અને જો દંડ ન ભરે તો વધુ ચાર માસની સાદી કેદની સજા અને સમગ્ર સજા એક સાથે ભોગવવા હુકમ કરેલ તેમજ સરકારની યોજના મુજબ ભોગ બનનારને રૂ. 2 લાખની સહાયની રકમ ચુકવવા આદેશ કર્યો હતો.