‘રાજકોટમાં પગ મૂકશો તો તમારા પર પ્રાણઘાતક હુમલો થશે!’
કલેક્ટર કચેરીમાં ચાલતાં બેફામ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાની સજા મળી!
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શું તમે કદી એવું જોયું છે કે, સ્વયં કોઇ જિલ્લા કલેક્ટર કોઇ અરજદારને પોતાનાં લેટરહેડ પર ધમકી આપતો પત્ર લખે? શું તમે કદી એવું નિહાળ્યું છે કે, ખૂદ કલેક્ટર જ ઓફિશિયલી, ઓન પેપર કોઇને એવી ધમકી આપતા હોય કે, “જો તમે રાજકોટમાં પ્રવેશ કરશો તો આપનાં પર ગમે ત્યારે પ્રાણઘાતક હુમલો કરવામાં આવશે…”
રાજકોટ જિલ્લાના દહીસરડા(તા. પડધરી) ગામનાં યુવાન ભરત લખમણભાઇ ચાવડાને આવા પત્રો પાઠવાયા છે. એક વખત નહીં, અનેક વખત. તત્કાલિન જિલ્લા કલેક્ટર અરૂણ મહેશબાબુના સિગ્નેચર સાથે! કહેવાની જરૂર નથી કે, મહેશબાબુના હસ્તાક્ષર નકલી છે. પરંતુ સાથે એ કહેવાની જરૂર પણ ખરી કે, લેટરહેડ અસલી છે. અર્થાત કલેક્ટર ઓફિસનાં જ કોઇ ગઠિયાએ અથવા ગઠડીએ આ કાંડ કર્યા છે.
અરૂણ મહેશબાબુની અસલી સહીને મળતી આવતી નકલી સહી કરીને કોણે આચર્યો ગુનો?: તપાસ જરૂરી
શું કોઈ કલેક્ટર ઑન-પેપર કોઈને ધમકી આપે? અશક્ય… તો ધમકી આપી કોણે?
- Advertisement -
પત્રોમાંની વિગત જોઇએ તે પહેલાં આવા પ્રકરણનું મૂળ જાણવું જરૂરી છે. મૂળ દહીંસરડાના યુવાન ભરત ચાવડાને તત્કાલિન જિલ્લા કલક્ટર રેમ્યા મોહનનાં કાર્યકાળ દરમિયાન 2019માં કોમ્યુટર ઓપરેટર (અઝટઝ) તરીકે કરાર આધારિત નોકરી મળી હતી. પગાર હતો: 4700 રૂપિયા. આ નોકરી દરમિયાન ભરત ચાવડાને સતત એવો વિચાર આવતો હતો કે, માત્ર 4700 રૂપિયામાં આ બધાં ઓપરેટરો પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવતાં હશે ?
તેઓ ઉંડા ઉતર્યા અને જાણ્યું તો ખ્યાલ આવ્યો કે, અનેક ઓપરેટરો, વિવિધ પ્રમાણપત્રો, દાખલાંઓમાં ચિક્કાર પૈસા બનાવી રહ્યાં છે. જે દાખલાં બે-પાંચ દિવસે નીકળે તેમ હોય, એ 15 મિનિટમાં પણ નીકળી જાય- જો તમે “નૈવેદ્ય” ધરો તો જ! ઐ સડો એટલો હદ સુધી વ્યાપેલો હતો કે તેમાં કેટલાંક અધિકારીઓ પણ ગળાડૂબ હતાં. ભરત ચાવડા આ આખા કૌભાંડની વિગતો મેળવી રહ્યાં છે એ વાતની સ્ટાફમાં પણ જાણ થઇ ગઇ. તેથી સ્થાપિત હિતોએ તેમની વિરૂદ્ધ અંદરખાને ઝૂંબેશ આદરી. અને છેવટે તેમને હાંકી કાઢવામાં આવ્યા. એ પછી પણ આગળ જતાં તત્કાલિન કલેક્ટર રેમ્યા મોહને ભરત ચાવડાને ફરજ પર પરત લીધાં. ફરી તેમને હાંકી કાઢયા. કારણકે, ભ્રષ્ટાચારના વાતવરણમાં તેઓ સેટ થઇ શકતા ન હતાં. ટૂંકમાં તેઓ ટોળાનો ભાગ બનવા તૈયાર ન હતાં.
તારીખ 9 ડિસેમ્બર, 2021નાં રોજ ભરત ચાવડાએ કલેક્ટરના વ્હોટસએપ ગ્રુપમાં અઝટઝ ઓપરેટર વિભાગમાં ચાલતાં ભ્રષ્ટાચાર અંગે ફરિયાદ કરી. જેમાં તેમણે અઝટઝ ઓપરેટર ગિરિરાજસિંહ જગુભા જાડેજા અને એક મહિલા ઓપરેટર વિરૂદ્ધ આક્ષેપો કર્યા હતા. (જુઓ તસવીર)
સ્થાપિત હિતો સામે રણશિંગુ ફુંકયા પછી ભરત ચાવડાની માઠી બેઠી. થોડાં સમયમાં તેમને કલેક્ટર કચેરીના અધિકૃત લેટરહેડ પર લખાયેલાં, કલેક્ટરનાં હસ્તાક્ષર ધરાવતાં ધમકીભર્યા પત્રો મળવાની શરૂઆત થઇ ગઇ. તેમાં તત્કાલિન કલેક્ટર અરૂણ મહેશબાબુના નકલી હસ્તાક્ષર પણ હતાં. તારીખ 15 એપ્રિલ , 2022નાં રોજ કલેક્ટર ઓફિસમાંથી લખઆયેલા પત્રમાં ભરત ચાવડાને જણાવવામાં આવ્યું કે, “ગિરિરાજસિંહ જાડેજા દ્વારા અન્ય ઇસમો/ એજન્યો પાસેથી કાળા બજારના રેશનકાર્ડના કામો આપના દ્વારા ન કરવામાં આવતા હોઇ આપને માનસિક અને શારિરિક ત્રાસ આપવામાં આવતો હતો. પરંતુ આપની પ્રામાણિકતા અડગ હતી. જેથી આપની સામે કોઇ મહિલા ઓપરેટરને મેદાનમાં ઉતારવામાં આવેલ. હવે આપ કલેક્ટર કચેરી કે રાજકોટની હદમાં પ્રવેશ કરશો તો તેની કિંમત આપે ચૂકવવાની રહેશે. જે આપને વિદિત થાય. ”
આમ, એક જ પત્રમાં ભરત ચાવડાને પ્રામાણિકતાનું પ્રમાણપત્ર પણ અપાયું અને રાજકોટમાં પ્રવેશ કરવા સામે ધમકી પણ આપવામાં આવી! તારીખ 26 સપ્ટેમ્બર, 2022નાં રોજ જિલ્લાં કલેક્ટરના લેટરહેડ પર, કલેક્ટરની અદલ પરંતુ નકલી સાઇન સાથે ભરત ચાવડાને એક પત્ર મળ્યો. આ પત્રમાં લખાયું હતું કે, ‘હાલ આપના માટે રાજકોટ શહેરમાં આવવા-જવા પર કડક પ્રતિબંધ લગાવવામાં આવેલ હોવા છતાં આપ પોલીસ કમિશનરશ્રીની કચેરી સુધી પહોંચી જવા તે ઉચિત નથી. આપને પોલીસ કમિશનરશ્રી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બોરીસાગર પણ નહીં બચાવી શકે. અને જો રાજકોટમાં આપ ભૂલેચૂકે પ્રવેશ કરશો તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના વડા તેમજ ગુજરાત પંચાયત પસંદગી સેવા સમિતિ બોર્ડના ચેરમેનશ્રીને તથા પી.એસ.આઈ. રીક્રુટમેન્ટ બોર્ડ, ગુજરાત પોલીસના વડા, લોકરક્ષક દળના વડાને આપના દ્વારા પરીક્ષાની નોંધાવવામાં આવતી ઉમેદવારીઓ રદ્દ કરાવવી પડશે. તથા આપના પર પ્રાણઘાતક હુમલો ગમે ત્યારે કરવામાં આવશે. જે આપને વિદિત થવા સારૂં!’
ભરત ચાવડાને આવા પત્રો ખૂદ કલેક્ટરના લેટરહેડ પર મળે, અસલી જેવી જ નકલી સાઈન હોય… તેનો અર્થ એ થયો કે, કલેક્ટર કચેરીમાં જ અનેક લોકો ફુટેલાં છે. બેશક, અરૂણ મહેશબાબુને આવી હરકતો સાથે કશું જ લાગતું વળગતું ન હોય પરંતુ જવાબદાર કૌભાંડિયાઓને પકડવા પણ અત્યંત જરૂરી છે.
ખૂબ દોડ્યાં ભરત ચાવડા, કશું જ વળ્યું નહીં!
પોતાને મળતા ધમકીભર્યા પત્રો મામલે ભરત ચાવડાએ ન્યાય મેળવવા કોઈ પ્રયાસો બાકી રાખ્યા નથી. તેઓ સ્થાનિક તંત્રથી માંડીને છેક મુખ્યમંત્રી સુધી જઈ આવ્યા છે. પરંતુ તેમને હજુ ન્યાય મળ્યો નથી.