મહાનગરપાલિકાની ગોકળગાયની ગતિએ કરાતી કામગીરીના કારણે ફરી પાછળ ધકેલાયું
ટોપ-10 લિસ્ટમાં સુરત પ્રથમ અને અમદાવાદ છઠ્ઠા ક્રમે: રાજકોટ 12મા ક્રમેથી છેક 45મા ક્રમે ફંગોળાયું
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટના 100 શહેરોનું રેન્કિંગ જાહેર કરાયું છે જેમાં રાજકોટ શહેર અગાઉ 12મા ક્રમે હતું ત્યાંથી છેક 45મા ક્રમે ફેંકાઇ ગયું છે. જ્યારે સુરત દેશભરમાં વધુ એક વખત પ્રથમ ક્રમે આવ્યું છે.ભારત સરકારે તમામ સ્માર્ટ સિટીમાં ડાયનેમિક રેન્કિંગના આધારે સુરતને પહેલો ક્રમ આપ્યો છે અને અમદાવાદ દેશભરમાં છઠ્ઠા ક્રમે આવ્યું છે. જ્યારે આ રેન્કિંગ લિસ્ટ જાહેર થયું ત્યારે તે લિસ્ટમાં રાજકોટનું નામ શોધવું પડે તેવી સ્થિતિ સર્જાઇ ગઇ હતી ! રાજકોટ મહાપાલિકા દ્વારા ગોકળગાયની ગતિએ સ્માર્ટ સિટી પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી હોય રાજકોટ સ્માર્ટ સિટીના રેન્કિંગમાં સતત પાછળ ધકેલાઇ રહ્યું છે.
મિનીસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સિટી મિશન અંતર્ગત પસંદ થયેલા 100 શહેરોએ પૂરા કરેલા પ્રોજેક્ટ, કાર્યરત પ્રોજેકટ, ગ્રાન્ટના વપરાશના ફાઇનાન્સિયલ સર્ટિફિકેટ, એડવાઇઝરી ફોરમ મિટિંગ જેવા માપદંડના આધારે ડાયનેમિક રેન્કિંગ જાહેર કર્યું છે. ડાયનેમિક રેન્કિંગમાં 128.80 સ્કોર સાથે સુરત ટોચના ક્રમે છે.
- Advertisement -
જ્યારે 120.39 સ્કોર સાથે આગ્રા બીજા ક્રમે, 119.18 સ્કોર સાથે વારાણસી ત્રીજા ક્રમે, 117.05 સ્કોર સાથે ભોપાલ ચોથા ક્રમે, 116.67 સ્કોર સાથે ઇન્દોર પાંચમા ક્રમે અને 105.25ના સ્કોર સાથે અમદાવાદ છઠ્ઠા ક્રમે છે. ડાયનેમિક રેન્કિંગના ટોચના દસ શહેરોમાં સુરત અને અમદાવાદ સિવાય રાજ્યના એક પણ શહેરનો સમાવેશ નથી, એક સમયે આ રેન્કિંગમાં 12મા ક્રમે સ્થાન મેળવનાર રાજકોટ શહેર તો ઉપરોક્ત રેન્કિંગમાં છેક 45માં ક્રમે ફેંકાઇ ગયું છે.