DCBએ કુવાડવા પાસેથી યાકુબના 3.58 લાખના દારૂ સાથે બેને ઝડપી લીધા
LCBએ કાળીપાટ પાસે ચોરખાનામાં છુપાવી 1.15 લાખનો દારૂ લઈ નીકળેલી બેલડીને પકડી પાડી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ડીસીબીએ કુવાડવા હાઇવે ઉપર દરોડો પાડી કુખ્યાત બુટલેગરનો 3,58,260 રૂપિયાનો દારૂ ટ્રકમાં લઈને આવતા બે શખ્સોને દબોચી લીધા હતા જ્યારે એલસીબીએ કાળીપાટ પાસે દરોડો પાડી વીંગરમાં ચોરખાનું બનાવી તેમાં 1,15,200નો દારૂ-બીયરનો જથ્થો છુપાવી આવતા બે શખ્સોને ઝડપી લીધા છે પોલીસે કુલ બે દરોડામાં 4 શખ્સોને 4.74 લાખના દારૂ બીયર સહિત 22.73 લાખનો મુદામાલ કબજે કરી યાકૂબની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ આર ગોંડલીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પરમાર અને ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હિરેન સોલંકી અને ગોપાલભાઈ પાટિલને મળેલી બાતમી આધારે રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર કુવાડવા પાસે વોચ ગોઠવી હતી વોચ દરમિયાન બાતમીવાળો ટ્રક પસાર થતાં અટકાવી જડતી લેતા તેમાંથી કેમિકલના 39 કેરબા મળી આવ્યા હતા જે તોડીને જોતાં અંદરથી જુદી જુદી બ્રાન્ડનો 3,58,260 રૂપિયાનો દારૂ બીયર મળી આવતા પોલીસે ટ્રકમાં બેઠેલા મૂળ પોરબંદરના રેલનગરના લાલચંદ ઉર્ફે લાલો ગગનદાસ અડવાણી અને પરસાણાનગરમાં રહેતા સાહિલ અહેમદભાઈ મોટાણીને ઝડપી લઈ પૂછતાછ કરતાં કુખ્યાત બુટલેગર યાકુબ મુસા મોટાણીએ દારૂનો જથ્થો મોકલાવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે દારૂ, ટ્રક, મોબાઈલ સહિત 10,73,260 રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે જ્યારે એલસીબી ઝોન 1 પીએસઆઈ બી વી બોરીસાગર અને ટીમે પેટ્રોલિંગમાં હતી ત્યારે મનરૂપગિરિ ગોસ્વામી અને હિતેશભાઈ પરમારને મળેલી બાતમી આધારે કાળીપાટ પાસે વોચ ગોઠવી હતી ત્યારે બાતમીવાળી ટાટા વીંગર કાર પસાર થતાં અટકાવી જડતી લેતા સીટ નીચે ચોરખાના બનાવી છુપાવેલો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 1,15,200ના દારૂ સાથે સુરતના કામરેજના ધર્મેશ ગોવિંદભાઇ કાથરોટીયા અને દીક્ષિત મનસુખભાઇ સતાસીયાને દબોચી લઈ દારૂ, કાર, મોબાઈલ સહિત 11,60,200નો મુદામાલ કબજે કર્યો છે આ દારૂનો જથ્થો કોને આપવાનો હતો તે મુદે તપાસ હાથ ધરી છે.