ભાજપ-કમિશનર હાય હાયનાં નારા સાથે ઉગ્ર વિરોધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
રાજકોટનાં ઇન્દિરા સર્કલે સિટી બસના અકસ્માતમાં 4 નિર્દોષ લોકોના મોત નિપજ્યા હતા. આ અંગે એકમાત્ર ડ્રાઇવરની ધરપકડ કરવા સિવાય કોઈપણ પગલાં નહીં લેવામાં આવતા હવે કોંગ્રેસ આક્રમક મૂડમાં છે. કોંગ્રેસના આગેવાનોએ આજે(22 એપ્રિલ) સૌપ્રથમ જિલ્લા પંચાયત ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. બાદમાં તેઓ પગપાળા પોલીસ કમિશ્નરને રજૂઆત કરવા પહોંચ્યા હતા.
જોકે પોલીસ કમિશ્નરે માત્ર 5-6 વ્યક્તિઓને રજૂઆત માટે આવવાનું કહ્યું હતું. જેને લઈને પોલીસ કમિશ્નર કચેરીએ કોંગ્રેસનાં આગેવાનોએ પોલીસ કમિશ્નર ભાજપના પીઠું હોવાના આરોપ સાથે રામધૂન બોલાવી હતી. અને હાય રે ભાજપ હાય હાય તેમજ હાય રે કમિશ્નર હાય હાયનાં નારા સાથે ઉગ્ર વિરોધ પ્રગટ કર્યો હતો. આ તકે મહિલાએ બંગડી બતાવી હતી. જોકે અંતે ડીસીપીએ કોંગ્રેસની રજૂઆત સાંભળતા મામલો થાળે પડ્યો હતો.
- Advertisement -
રાજકોટ મનપાનાં વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ આ તકે જણાવ્યું હતું કે, પોલીસ કમિશ્નર ભાજપનું પીઠ્ઠું બનીને કામ કરી રહ્યા છે. અને ભાજપની તરફેણમાં જ બધા નિર્ણયો લે છે. લોકશાહીમાં વિપક્ષનું ખાસ મહત્વ હોય છે. પરંતુ આ પોલીસ કમિશ્નર જ્યારથી આવ્યા છે ત્યારથી વિપક્ષને સાંભળતા નથી. એટલું જ નહીં ચોથી જાગીર એવા મીડિયાનું પણ ધ્યાનમાં લેતા નથી.
ઇન્દિરા સર્કલ પાસે થયેલા અકસ્માતમાં માત્ર ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી સંતોષ માની લેવામાં આવ્યો છે. એજન્સી સામે કોઈપણ પગલાઓ લેવામાં આવ્યા નથી. આ અંગે અમે રજૂઆત કરવા આવ્યા તો માત્ર 5 વ્યક્તિઓને આવવાનું કહેવાય છે. જેને લઈને અમે પોલીસ કમિશ્નર કચેરીમાં રામધૂન બોલાવી તેમજ નારા લગાવી વિરોધ કરી રહ્યા છીએ. આ અકસ્માતના બનાવમાં ભાજપના પદાધિકારીઓની સંડોવણી હોય પોલીસ કમિશ્નર કાર્યવાહી નહીં કરતા હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.