કેસ અને દવા બારી પર લાંબી લાઈનો, ઘઙઉમાં કલાકો રાહ જોવી પડે છે
શરદી-ઉધરસનાં 1263 કેસ, ઝાડા-ઉલટીનાં 256 કેસ, સામાન્ય તાવનાં 173 કેસ નોંધાયા
ખાસ-ખબર સંવાદદાતા
હાલ સવારે અને રાત્રે શિયાળો અને દિવસ દરમિયાન ઉનાળા જેવો અનુભવ થાય છે. આથી મિશ્ર વાતાવરણને કારણે રોગચાળો સતત વકરી રહ્યો છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો હાલ જોવા મળી રહી છે. છેલ્લા થોડા સમયમાં ઝાડા-ઊલટી અને ડેન્ગ્યુનાં કેસોમાં નોંધપાત્ર વધારો નોંધાતા સિવિલ અધિક્ષકે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. સિવિલ હોસ્પિટલ સિવાય શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા ખાનગી ક્લિનિકોમાં પણ દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. છેલ્લા એકાદ સપ્તાહથી સિવિલ હોસ્પિટલ અને મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળે છે. લાંબા સમય બાદ મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1695 કેસ નોંધાયા છે. જેમાં શરદી-ઉધરસનાં 1263 કેસ, ઝાડા-ઉલટીનાં 256 કેસ, સામાન્ય તાવનાં 173 કેસ નોંધાયા છે. મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાનાં પણ વધુ 1-1 કેસ સામે આવ્યા છે. અન્ય ખાનગી હોસ્પિટલો તેમજ નાના-મોટા ક્લિનિકમાં સારવાર લેતા દર્દીઓની સંખ્યા ઘણી વધુ છે. ત્યારે લોકો સાવચેતી રાખે તે ખાસ જરૂરી છે. જોકે, સિવિલમાં દર્દીઓને જે લાઈન લાગે છે એ જોતા મનપાના ચોપડે નોંધાયેલા કેસથી વિપરિત છે. જેમાં હોસ્પિટલમાં પહોંચતાની સાથે જ દર્દીઓ અને તેના સગાઓની ભીડ જોવા મળી રહી હતી. પાર્કિંગની જગ્યામાં પણ વાહનોને પાર્ક કરવાની જગ્યા ખૂટી હોવાનું જણાયું હતું. બહારની સાઈડમાં આવેલ કેસ બારી તેમજ અંદર આવેલ દવાની તમામ બારીઓ પર દર્દીઓની લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી. આ ઉપરાંત સ્ત્રીરોગ વિભાગમાં પણ ખૂબ જ મોટી કતારો જોવા મળી હતી.
તમામ વિભાગોનાં કેસ કઢાવ્યા બાદ ડોક્ટરને બતાવવા માટે પણ અલગ લાઈનો લાગેલી જોવા મળી હતી. એટલું જ નહીં ડોક્ટરની મુલાકાત બાદ દવા લેવા માટેની દવાબારીમાં પણ દર્દીઓએ ફરી લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડતી હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું. એટલું જ નહીં વિવિધ રિપોર્ટ કરાવવા માટે પણ દર્દીઓને વધુ એક લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડતી હતી. તાજેતરમાં ધારાસભ્ય દર્શિતા શાહની મુલાકાત બાદ સિવિલમાં દર્દીઓની આ લાઈનો ઓછી કરવા કેસબારી અને દવાબારીમાં વધારો કરવાની વાતો સિવિલ હોસ્પિટલનાં સત્તાધીશો દ્વારા કરવામાં આવી હતી. જોકે આ માટે ખાસ કોઈ પગલાં લેવાયા હોવાનું જોવા મળ્યું નહોતું. રોગચાળાની સ્થિતિ અંગે જણાવતા ડો. ત્રિવેદીએ કહ્યું હતું કે, હાલ મિશ્ર ઋતુ હોવાથી રોગચાળો વધ્યો છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ હોવાને કારણે આ હોસ્પિટલમાં 11 જિલ્લામાંથી દર્દીઓ આવતા હોવાથી સ્વાભાવિક રીતે દર્દીઓની ભીડ જોવા મળે છે. હાલમાં ઓપીડી બેઝ રોગચાળો વધ્યો છે. જેમાં મોટાભાગના દર્દીઓને જરૂરી રિપોર્ટ બાદ દવા આપવામાં આવતા જ ત્રણ-ચાર દિવસમાં સાજા થઈ જાય છે. દાખલ દર્દીની સંખ્યામાં ખાસ મોટો વધારો થયો નથી.
ગત માસની સરખામણીએ આ મહિને ઓપીડી કેસોમાં સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. જેમાં પણ ખાસ કરીને ઝાડા-ઉલટી અને ડેન્ગ્યુનાં દર્દીઓમાં ઘણો મોટો ઉછાળો નોંધાયો છે. આ ઉપરાંત સામાન્ય તાવ તેમજ શરદી-ઉધરસનાં કેસો અને મચ્છરજન્ય મેલેરિયા જેવા રોગના દર્દીઓ પણ સતત સામે આવી રહ્યા છે. જોકે, ચિકનગુનિયાનો કોઈ પણ કેસ સામે આવ્યો ન હોવાનો આશ્ચર્યજનક દાવો તેમણે કર્યો હતો. તેમજ કોઈ પણ પ્રકારની બીમારીનાં લક્ષણો જણાય ત્યારે કોઈ મેડિકલ સ્ટોર્સમાંથી દવા લેવાને બદલે ડોક્ટરની સલાહ લેવા માટે સિવિલ કે અન્ય કોઈ ખાનગી હોસ્પિટલની મુલાકાત લેવા અપીલ કરી હતી.