ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદર જિલ્લાના હાઈવે પર વાહન ચાલકો વધુ ગતિએ વાહન ચલાવતા હોય છે, વધુ ગતિએ કાર ચલાવતા વાહનચાલકોને ટ્રાફિક શાખા પોરબંદરની ઈન્ટરસેપ્ટર કાર તથા વિશ્વાસ પ્રોજેક્ટ દ્વારા લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા દ્વારા ઈ-ચલણ આપવામાં આવે છે. જેમાં ઓવર સ્પીડના ભંગ બદલ પ્રથમ વખત રૂ.2000, ત્રિપલ સવારી દરમ્યાન રૂ.100, ચાલુ વાહને મોબાઈલ ફોનના ઉપયોગના ગુનામાં રૂ. 500 તેમજ અન્ય ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડ કરવામાં આવે છે.
- Advertisement -
ઘણા વાહનચાલકો દ્વારા સમય મર્યાદામાં ઈ-ચલણ ભરવામાં આવતા નથી, જેથી આવા વાહનચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ ટ્રાફિક પીએસઆઈ કે.બી.ચૌહાણ તથા કે.એન. અઘેરાને સૂચના આપેલ છે. જેથી જે વાહનચાલકો અથવા માલિકોના ઈ-ચલણ ભરવાના બાકી હોય તેઓએ દિન 5માં પોતાના મોબાઈલમાં આવેલ મેસેજમાં જણાવ્યા મુજબની લિંક દ્વારા ઓનલાઈન દંડની રકમ ભરપાઈ કરવી અથવા કમાન્ડ એન્ડ કંટ્રોલ શાખા, પોલીસ અધિક્ષકની કચેરી પાછળ, પોરબંદર ખાતે રૂબરૂ દંડની રકમ ભરી શકે છે, તેમ છતા ઈ ચલણ મુજબ દંડની રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો વાહન ચેકિંગ દરમ્યાન પેન્ઈડિંગ આવેલા ચલણ વાળા વાહનો મળશે તો સ્થળ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની નોંધ લેવા જણાવાયું છે.