દેવજી ફતેપરા અને પૂર્વ મંત્રીની દરાર વચ્ચે રાજકોટમાં અખીલ ભારતીય કોળી સમાજની બેઠક મળી, કુંવરજી બાવળિયા હાજર
બેઠકમાં કોળી સમાજ પ્રભુત્વ ધરાવે ત્યાં ટિકિટની માગણી કરાશે એવી ચર્ચા કરાઇ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વિધાનસભાની ચૂંટણી આ વર્ષે યોજાનાર છે ત્યારે દરેક સમાજ અલગ અલગ મુદ્દાઓને લઇને સંમેલનો, બેઠકો, શક્તિપ્રદર્શન કરી રહ્યા છે. પાટીદાર સમાજની જેમ કોળી સમાજ પણ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ પોતાની માગો ઉઠાવી રહ્યો છે. પરંતુ કોળી સમાજના બે આગેવાનો દેવજી ફતેપરા અને કુંવરજી બાવળિયા વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. બંને આગેવાનોની દરાર વચ્ચે ગઇકાલે રાજકોટમાં અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી. જોકે આ બેઠકમાં કુંવરજી બાવળિયા હાજર રહ્યા હતા.
આ બેઠકમાં અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ ઉપરાંત ભાજપના કોર્પોરેટર બાબુ ઉધરેજીયા પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં રાજકોટ શહેર અને જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખની વરણી કરવામાં આવી હતી. તેમજ સમાજને ગુજરાત સરકારમાં નેતૃત્વ મળે તેવી ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતમાં કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટની માગણી કરવામાં આવશે તેવો સૂર બેઠકમાં ઉઠ્યો હતો.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, 13 દિવસ પહેલા ભાજપના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા રાજકોટની મુલાકાતે આવ્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં કોળી સમાજનું સંમેલન યોજાશે. સૌરાષ્ટ્રભરના કોળી સમાજના લોકોને એકત્ર કરી રાજકોટમાં સંમેલન યોજાશે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં વધુ ને વધુ અમારા સમાજને ટિકિટ મળે એવી માગ કરવામાં આવશે. મુસ્લિમ સમાજ જેમ મતદાન કરે છે તેમ અમારો કોળી-ઠાકોર સમાજ મતદાન કરે છે. મેં કુંવરજીભાઈ સાથે સમાધાન કર્યું નથી અને એ થાય એવું લાગતું પણ નથી, મારા સંમેલનમાં કુંવરજીભાઈ અને મહેન્દ્ર મુંજપરાને નો એન્ટ્રી આપવામાં આવી છે.