એકવાર કોઈ ગુરુ પોતાના શિષ્યો સાથે એક ગામથી બીજે ગામ જતા હતા. રસ્તામાં જ સાંજ પડી ગઈ એટલે ગુરુજીએ બધાં શિષ્યોને રસ્તામાં જ રાતવાસો કરવાની સૂચના આપી અને કહ્યું કે, ‘આપણે સવારે આગળ જવા માટે પ્રયાણ કરીશું.’ સાંજનું ભોજન બનાવવાની શરૂઆત થઈ એટલે ગુરુજીએ કહ્યું કે, આજે રોટલી હું બનાવીશ. બધાં શિષ્યો આનંદમાં આવી ગયા કારણ કે આજે ગુરુની બનાવેલી પ્રસાદીની રોટલી જમવા મળવાની હતી. અને ગુરુજીને ક્યારેય રોટલી બનાવતા જોયેલા નહીં. આજે એ દર્શનનો લાભ પણ મળવાનો હતો. ગુરુજીએ પ્રથમ રોટલી બનાવી. રોટલીનો કોઈ જ આકાર નહીં. ઓસ્ટ્રેલિયાના નકશા જેવી બની. રોટલી તાવડીમાંથી નીચે ઉતારતી વખતે ગુરુજી બોલ્યા, પરફેક્ટ. શિષ્યો મનમાં હસ્યા કે, ‘આને પરફેક્ટ કહેવાય ?’ પણ કોઈ કંઈ બોલ્યું નહીં. બીજી રોટલી ત્રિકોણ આકારની થઈ અને તાવડીમાંથી નીચે ઉતારતા ઉતારતા તૂટી પણ ગઈ. ગુરુજી ફરી બોલ્યા, પરફેક્ટ.
શિષ્યો મૂંઝાયા કે, ‘ગુરુજી ગાંડા થયા છે કે શું ?’ ત્રીજી રોટલી પણ ચોરસ બની અને વચ્ચે કાણા પણ પડ્યા. આ રોટલી નીચે ઉતારતી વખતે ગુરુજી ફરીથી બોલ્યા, પરફેક્ટ. હવે ન રહેવાયું એટલે એક શિષ્યે પૂછ્યું, ગુરુજી આમાં પરફેક્ટ જેવું શું છે ? ગુરુએ હસતાં હસતાં કહ્યું, હું રાહ જ જોતો હતો તારા આ પ્રશ્નની. માત્ર કોરો લોટ ખાઈએ તો ગળે ન ઊતરે, અને પાણી નાંખીને પછી ખાઈએ તો ગળે ચોંટી જાય. આવું ન થાય અને લોટ સરળતાથી ગળેથી ઉતારીને પેટમાં જાય; એટલે એને શેકીને ખાવાની શરૂઆત થઈ. આપણે એવું માનીએ છીએ કે રોટલી ગોળ હોય તો જ એને પરફેક્ટ કહેવાય. અને આપણી આ માન્યતાને કારણે જ આકાર વગરની, ત્રિકોણ કે ચોરસ રોટલી પૂરતી શેકાયેલી હોવા છતાંય આપણને પરફેક્ટ લાગતી નથી. ઘણીવાર આપણને એવું લાગે છે કે, આ પરફેક્ટ નથી; કારણ કે એ આપણી પરફેકટની વ્યાખ્યામાં બંધબેસતું નથી. પણ આપણે ક્યારેય એ વિચારતા જ નથી કે, ‘મારી પરફેક્ટની વ્યાખ્યા કદાચ ખોટી પણ હોઈ શકે – પેલી ગોળ રોટલીની જેમ !’
- Advertisement -
માથું ભલે ગમે તે દિશામાં હોય, હૃદય સાચી દિશામાં હોવું જોઈએ
– સર વોલ્ટર રેલે