તા.13ના હેમુ ગઢવી નાટ્યગૃહમાં બે એકાંકી નાટકો રજૂ થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રંગમંચ એટલે પ્રયોગ અને નાટક એટલે સમાજનો અરીસો. આજના પ્રગતિશીલ સમયમાં જ્યારે બધું જ ઝડપથી બદલાતું રહે છે ત્યારે કલા એક એવું માધ્યમ છે જે માણસને સ્થિરતાનો અનુભવ કરાવે છે. રાજકોટ પ્રયોગશીલ નાટકો ક્ષેત્રે તો વૈવિધ્ય સાથે ઓળખ મેળવી જ રહ્યું છે પણ છેલ્લા 5 વર્ષમાં નવયુવાનો દ્વારા રજૂ કરવામાં આવતા નાટ્યપ્રયોગોમાં કોમર્શિયલ અને પ્રોફેશનલ ટચ પણ એટલો જ સુંદર રીતે જોઈ શકાય છે.
કલાના નવ રસમાંથી સૌથી વધુ લોકપ્રિય રસ હોય તો એ હાસ્ય રસ અને ભયાનક રસ. લગભગ દરેક માણસને સસ્પેન્સ અને કોમેડી નાટકો જોવા પસંદ હોય જ છે અને લોકોની એ જ અપેક્ષાને ધ્યાનમાં લઈને આગામી તા. 13 જૂનના રોજ હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે રીસેટ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્માણ પામેલા બે એકાંકી નાટકો શિવમ ફાઉન્ડેશનના કલાકારો પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે. આકાશવાણી રાજકોટના સમર્થ ઉદ્ઘોષક એવા દેવેન શાહ લિખિત ‘હા હું પારમીતા સાન્યાલ’ તથા વિરાણી હાઈસ્કૂલના ખૂબ જ જાણીતા શિક્ષક અમુલખ ભટ્ટ લિખિત ‘જન્મદિવસની ભેટ’ આ બે એકાંકી નાટકોનું મંચન ગૌતમ દવેના દિગ્દર્શનમાં કરવામાં આવશે. રીસેટ એન્ટરટેઈનમેન્ટ તથા ગુજરાતી ફિલ્મ કાઠિયાવાડી કોકટેલના દિગ્દર્શક એવા દિલીપભાઈ પાડલીયા આ કાર્યક્રમના પ્રમુખ આયોજક છે. મંચ પરથી લોકોને પોતાના અભિનયથી મંત્રમુગ્ધ કરવા ઉત્સુક કલાકારોમાં અલ્પેશ ટાંક, શ્રીનીલ જાની, ભાવિન મહેતા, ઉત્સવી રાણપરા, દિયા મહેતા, હર્ષ કુબાવત, જયેશ પડીયા, શમીક દવે, પ્રેરક મેર, દિવ્યેશ મહેતા, અમિત વાઘેલા, યતિન આશરા અને ભવ્ય નાગ્રેચાનો સમાવેશ થાય છે. આ બંને નાટકમાં સંગીત સંચાલન અને સંકલન ગુલામ હુસેન અગવાન સંભાળશે અને પ્રકાશ સંચાલન અમિત વાઘેલા દ્વારા કરવામાં આવશે.
આ પ્રયોગ નિહાળવા ઈચ્છુક પ્રેક્ષકોને જણાવવાનું કે ફક્ત 150 રૂા.ની સામાન્ય રકમથી શરૂ કરીને 350 સુધીની ટિકિટ હેમુ ગઢવી હોલ ખાતે બુકિંગ ઓફિસ પરથી મેળવી શકાશે. કાર્યક્રમમાં આગામી દિવસોમાં રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ કાઠિયાવાડી કોકટેલના કલાકારો પણ ઉપસ્થિત રહેશે. તો રાજકોટના કલાપ્રેમી લોકો આ પ્રયોગની મહત્તમ ટિકિટ લઈને રાજકોટના જ કલાકારો અને મિત્રોને સહકાર આપીએ.