યંગ ઈન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીએ શહીદ ભગતસિંહની તસ્વીર આપીને મહાનુભાવોનું સન્માન કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં ખાસ કરીને તમામ સમાજની બહેનો મુક્તપણે એકદમ સુરક્ષિત અને પારિવારિક વાતાવરણમાં રાસ ધૂમવાનો આનંદ માણી શકે તે માટે તમામ વયની અને તમામ જ્ઞાતિની મહિલાઓને રજિસ્ટ્રેશન વગર વિનામૂલ્યે એન્ટ્રી આપવામાં આવી છે. તા. 15 ઓકટોબરથી સંકલ્પ નવરાત્રી મહોત્સવનો ઘુનડા રોડ પર આવેલ વૈદેહી પાર્ટી પ્લોટમાં શુભારંભ થતા જ ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે તેમજ ખ્યાતનામ કલાકારોના કર્ણપ્રિય મધુર સ્વરે ગવાતા રાસ ગરબાથી વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું છે.
સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં તમામ જ્ઞાતિની બહેનો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી હોવાથી સલામત માહોલમાં પાંચમા નોરતે મોટી સંખ્યામાં નાની મોટી બહેનો ઉમટી હતી. આધુનિક સાઉન્ડ સિસ્ટમ અને મુંબઈ, બરોડા અને સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો દ્વારા પ્રાચીન અને અર્વાચીન ગરબાની રમઝટ બોલાવતા મોટી સંખ્યામાં ખેલૈયાઓ રાસ ગરબે ઝૂમી ઉઠ્યા હતા ત્યારે અહીં સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્યો કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા, જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, ભાજપ અગ્રણી રિશીપભાઈ કૈલા, ભાવેશભાઈ કંઝારિયા તેમજ જુદા જુદા હિન્દૂ સંગઠનોના અગ્રણીઓ કમલ દવે, મહેન્દ્રભાઈ સવસાણી, રમેશભાઈ પંડ્યા, નિલેશ પટેલ, આરતીબેન જાકાસણીયા સહિતનાએ ઉપસ્થિત રહીને યંગ ઇન્ડિયા ગ્રુપના લોકહિતના કાર્યોને બિરદાવ્યા હતા. આ તમામ મહાનુભાવોનું યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી દ્વારા શહીદ ભગતસિંહની તસ્વીર આપી સન્માન કરવામાં આવ્યું હતું.